45-55 કિમીની ઝડપે પવન ફૂંકાશે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, આવી ગઈ ખતરનાક આગાહી
એક તરફ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. આ દરમિયાન આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે. ત્યારે જાણો શું છે હવામાન વિભાગની આગાહી...
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં ઠંડીનું જોર પણ ઘટશે, કારણ કે રાજ્યમાં પવનો ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યાં છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 45-55 કિમીની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે રાજ્યના ભાગો પર એક પ્રેશર ગેડિયન્ટ સર્જાયું છે, જેના કારણે પવનની ગતિ વધી છે. ગુજરાતમાં 35થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો થવાને કારણે લોકોને આંશિક ગરમીનો અનુભવ થઈ શકે છે.
અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે.
દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. 8, 9 અને 10 તારીખે તાપમાનમાં વધારો થશે.
Trending Photos