Photos : પ્રાંચી અને સિદ્ધપુર બાદ ગુજરાતના એકમાત્ર આ પ્રાચીન મંદિરમાં થાય છે પિતૃ શ્રાદ્ધની વિધી
હિમાંશુ ભટ્ટ/મોરબી :ભાદરવા મહિનાને આમ તો પિતૃઓના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આ મહિનામાં લોકો તેના પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરાવતા હોય છે. સમગ્ર ગુજરાતમાં જુદીજુદી ત્રણથી ચાર જગ્યાએ જ પિતૃ શ્રાદ્ધની વિધિ કરાવવામાં આવે છે. જેમાં મોરબી જીલ્લામાં આવેલ રફાળેશ્વ મહાદેવ મંદિરનો પણ સમાવેશ થાય છે. આ પવિત્ર જગ્યામાં માતૃ તેમજ પિતૃ શ્રાદ્ધ કરાવવાથી સર્વ પિતૃઓને મોક્ષ મળે છે. જેથી ભાદરવા મહિનામાં લોકો ગુજરાતભરમાંથી શ્રાદ્ધ વિધિ કરાવવા માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે.
મંદિરના મહંત અશોકભારથી ગોસ્વામી કહે છે કે, ગુજરાતમાં કુલ મળીને ત્રણ સ્થળ એવા છે કે જ્યાં પિતૃતર્પણની વિધિ થાય છે. જેમાં પ્રભાસપાટણ પ્રાંચીમાં પિતૃતર્પણ અને સિદ્ધપુર માતૃતર્પણ થાય છે. જોકે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકમાત્ર રફાળેશ્વર મહાદેવનું મંદિર એવુ છે કે, જ્યાં માતૃ તેમજ પિતૃતર્પણનું કાર્ય એકસાથે અને એક જ જગ્યાએ થાય છે. જેથી ન માત્ર ગુજરાત પરંતુ દેશના જુદાજુદા રાજ્યોમાંથી પણ લોકો પિતૃતર્પણના કાર્ય માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે. ત્યાંની પવિત્ર ભૂમિ ઉપર ધાર્મિક વિધિ કરીને બ્રહ્મ કુંડમાં સ્નાન કર્યા બાદ પારસ પિપળાને એક લોટો જળ ચઢાવીને પિતૃઓના મૌક્ષની સાથે ધન્યતાનો અનુભવ કરે છે. આ મંદિરના પરિસરમાં આવેલ કુંડમાં ગંગાજી શ્રાવણી અમાસના દિવસે પ્રગટ થાય છે. જેથી તે દિવસે કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે.
અનેક શિવ મંદિરો સૌરાષ્ટ્રમાં આવેલા છે. આ તમામ મંદિરોની સાથે તેના પ્રાગટ્યનું મહત્વ પણ જોડાયેલ છે. મોરબી જિલ્લામાં આવેલા અતિપ્રાચિન મંદિર રફાળેશ્વર મહાદેવ મંદિરની વાત કરીએ તો આ મંદિર પાંડવોના યુગથી છે અને સૌપ્રથમ પાંડવોએ તેના પિતા પાંડુરાજાના મૌક્ષાર્થે ભગવાન શ્રીકૃષ્ણની હાજરીમાં અહી પિતૃતર્પણની વિધિ કરી હતી. ત્યારથી રફાળેશ્વર મંદિરે પિતૃતર્પણની વિધિ કરાવવામાં આવે છે. આ મંદિરે હાલમાં પણ વર્ષમાં પિતૃતર્પણ અને માતૃતર્પણની ધાર્મિક વિધિ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. તેમજ નારણબલી, શ્રાદ્ધ વિધિ સહિતની ધાર્મિક વિધિ શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે.
એવુ કહેવાય છે કે, અગાઉ રફાળેશ્વર મહાદેવ મંદિરનો અનેક વખત જીર્ણોધ્ધાર થયા હતા. પરંતુ છેલ્લું જીર્ણોધ્ધાર મહાદેવના પરમ ભક્ત ઝવેરી ડાયાલાલે 1972માં કરાવ્યું હતું. ત્યારે બ્રાહ્મણોના ભોજન માટે, યજ્ઞ માટે અને નારણબલીની વિધિ માટે મંદિરમાં જગ્યા નાની પડી હતી. જેથી મોરબીના ધર્મવાત્સલ્ય રાજા લખધીરસિંહજી જાડેજાએ તે સમયે એક લાખ રૂપિયાના ખર્ચે ભવ્ય અને વિશાળ મંદિર બંધાવ્યુ હતું. જેનુ બાંધકામ મજબુત હોવાના કારણે ભૂકંપમાં મંદિરની એકપણ કાંકરી ખરી નથી. હાલમાં ધાર્મિક વિધિ કરાવી શકાય તે માટે વિશાળ જગ્યા છે. તેમજ બ્રાહ્મણો દર શ્રાવણ માસમાં અહી રોકાઈને જપ તપ કરતા હોય છે. હાલમાં જે રીતે ભાદરવા મહિનામાં લોકો પિતૃ તર્પણની વિધિ કરાવવા માટે આવે છે, તેવી જ રીતે ચૈત્ર અને કારતક મહિનામાં પણ લોકો પિતૃ તર્પણની વિધિ કરાવવા માટે રફાળેશ્વ મંદિરે આવતા હોય છે.
મોરબીથી દસ કિલોમિટર અને વાંકાનેરથી અઢાર કિલો મિટર દૂર નેશનલ હાઇવેથી એક કિલોમીટરના અંતરે રફાળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે હાલમાં જ્યાં રફાળેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં વર્ષો પહેલા જંગલ હતુ અને પાંડવો જ્યારે અજ્ઞાતવાસ હતા, ત્યારે તેઓ અહીં આવ્યા હતા. જે રીતે જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે, તેવી જ રીતે રફાળેશ્વર મહાદેવ પણ સ્વયંભૂ પ્રગટ થયા છે. પાંડવ કાળથી જે મંદિરના અસ્તિત્વના પુરાવાઓ મળી રહ્યા છે અને હાલમાં લોકો જેને રફાળેશ્વર મહાદેવ તરીકે જાણે છે ત્યાં રૈભ્ય નામના મુનિનો આશ્રમ હતો. શ્વેતધ્વજ મહારાજને એક રીપુફાલ નામનો દિકરો હતો. તેણે નાનપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી. ત્યાર બાદ તે ઘાટા વનમાં ફરતો હતો. આ દરમિયાન આ આશ્રમ પાસે તે પહોંચ્યો હતો અને રૈભ્ય મુનિના ઉપદેશથી રીપુફાલ નામના રાજકુમારે મહાદેવને પ્રસન્ન કરવા માટે ત્યાં તપ કર્યુ હતું. જેથી મહાદેવજી તેના પર પ્રસન્ન થયા હતા અને ત્યારથી રીપુફાલેશ્વર મહાદેવ તરીકે આ પ્રાચીન મંદિર પ્રસિદ્ધ છે. જોકે, મંદિના સાચા નામનો સમયાંતરે અપભ્રન્સ થતા આજે લોકો તેને રફાળેશ્વર મહાદેવ તરીકે જાણે છે.
એવું પણ કહેવામાં આવે છે કે, પાંડવોના ઇતિહાસ સાથે જોડાયેલ ઐતિહાસિક રફાળેશ્વર મંદિરના પટાંગણમાં પારસ પિપળો આવેલ છે. તે પિપળાના દરેક પાન સતયુગમાં એક વખત સોનાના થઇ ગયા હતા. હાલમાં જે લોકો અહી પિતૃ કાર્ય કરવા માટે કે પછી દર્શન કરવા માટે આવે છે તે લોકો આ પવિત્ર પિપળાનો સ્પર્શ અચૂક કરે છે. જેથી તેમના ઘરમાં કાયમી લક્ષ્મીનો વાસ રહે છે. અહી આવતા લોકો પીપળાને પાણી પણ ચઢાવે છે. ઉલ્લેખનીય છે કે, સતયુગમાં બ્રહ્મકુંડ, ત્રેતાયુગમાં અધમર્દન કુંડ, દ્વાપરયુગમાં કામદ કુંડ અને કલીયુગમાં રફાળેશ્વર મંદિરમાં આવેલા કુંડને દુર્ગતિનાશક કુંડ તરીકે ઓળખવામાં આવે છે.
રફાળેશ્વર મંદિરનું ઐતિહાસિક મહત્વ હોવાના કારણે ગુજરાત ઉપરાંત બહારથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યા શિવજીના દર્શન કરવા માટે આવતા હોય છે. અહીના શાંત વાતાવરણમાં સમય પસાર કરીને શિવ સાથે જીવનું મિલન થયુ હોય તેવો અનુભવ કરતા હોય છે. સામાન્ય રીતે શ્રાવણ માસ, કારતક માસ, ચૈત્ર માસ અને ભાદરવા માસમાં આ મંદિરે ભક્તોની ભીડ વધારે રહેતી હોય છે. દર વર્ષે ભાદરવા મહિનામાં દરરોજના ૩૦થી વધુ શ્રાદ્ધ વિધિના કાર્ય આ મંદિરના પટાંગણમાં કરવામાં આવતા હોય છે. છેલ્લાં દિવસોમા તો 5૦થી વધુ શ્રાદ્ધ વિધિના કર્યો દૈનિક કરવામાં આવતા હોય છે. ત્યારે બહાર ગામથી અહી શ્રાદ્ધ વિધિ કરાવવા માટે આવેલા લોકોને હેરાનગતિનો સામનો ન કરવો પડે તેના માટે મંદિરમાંથી પૂજાવિધિ યજ્ઞકુંડ, પાટલા સહિતની જરૂરી સામગ્રી આપવામાં આવતી હોય છે તેવું મંદિરના મેનેજર હરીશ ત્રિવેદીએ જણાવ્યું હતું.
Trending Photos