30 લક્ઝુરિયસ કાર સાથે સુરતમાં મોટા ઘરના નબીરાઓના સીનસપાટા, ફેરવેલના નામે ધોરણ-12ના વિદ્યાર્થીઓની શોબાજી
Surat News : સુરતમાં 30 લકઝરી કાર સાથે નબીરાઓના સિનસપાટાનો વીડિયો સામે આવ્યો છે. મંત્રીનો પણ ન હોય એવો કાફલો સુરતના રસ્તા પર નીકળ્યો હતો. ત્યારે સવાલ એ છે કે, આ સમગ્ર ઘટનાથી સુરત પોલીસ અજાણ કેવી રીતે રહી. તો બીજી તરફ, વીડિયો વાયરલ થતા સ્કૂલે પણ હાથ ઊંચા કરી દીધા.
સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ફેરવેલના નામે કર્યા સીનસપાટા...
સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ પોતાની ફેરવેલ પાવર શો બનાવી હતી. ફેરવેલ સમયે વિદ્યાર્થીઓએ લક્ઝરી કારમાં કાફલો કાઢ્યો હતો. ટ્રાફિકના નિયમોને નેવે મુકી કાફલો રાંદેર ડી-માર્ટથી સ્કૂલ સુધી પોતાની લક્ઝુરિયસ કાર લઈને વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા.
સમગ્ર રોડને લીધો બાનમાં...
સમગ્ર ઘટનાથી ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલ વિવાદમાં આવી છે. ફાઉન્ટન હેડ સ્કૂલના ધોરણ-12ના વિદ્યાર્થીઓએ 30 લક્ઝરી કાર સાથે રસ્તા પર શો બાજી કરી હતી. એટલું જ નહિ, જાહેરમાં જોરશોરથી મ્યુઝિક વગાડી કાફલો કાઢ્યો હતો.
કાયદાના લીરેલીરા ઉડ્યા
સુરતમાં નબીરાઓ 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ, સ્કોડા જેવી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જાહેરમાં સીનસપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હતા. સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય એટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હોવા છતાં પોલીસને આ બાબતની કોઈ જાણકારી નથી.
સ્કૂલે હાથ અદ્ધર કરી દીધા
તો બીજી તરફ આ વીડિયો વાઈરલ થતા શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે. શાળાએ કહ્યું કે, તેઓએ તો બસ મોકલી હતી પણ વિદ્યાર્થીઓ કારમાં આવ્યા હોવાની વાત કરી છે.
કારમાઁથી વિદ્યાર્થીઓ કર્યા સ્ટંટ
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રૂફટોપમાંથી બહાર નીકળી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. એકસાથે રસ્તા પર 30 જેટલી કાર દોડાવતા અન્ય વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
સળગતા સવાલ, વાલીઓનો વાંક છે
આ વાયરલ વીડિયો અનેક સવાલો ઉભા કરે છે. શાળા કરતા પહેલા ભૂલ વાલીઓની છે. શું વિદ્યાર્થીઓ ઘરમાંથી આવી લક્ઝુરિયસ ગાડીઓ લઈને નીકળ્યા તો વાલીઓને કેમ ખબર ન પડી. વાલીઓએ કેમ પોતાના વિદ્યાર્થીઓને આ રીતે મોંઘીદાટ ગાડી સોંપી. શું વિદ્યાર્થીઓ અને સ્કૂલ જવાબદાર હોય તો પછી વાલીઓ કેમ નહિ.
Trending Photos