સિડની ટેસ્ટમાં નહીં રમવાનો નિર્ણય કોનો, નિવૃત્તિ લેશે કે નહીં?...આખરે રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ
રોહિત શર્માએ આખરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું છે. સિડની ટેસ્ટમાં લંચ દરમિયાન આજે તેમણે આ મુદ્દે વિસ્તારથી વાત કરી અને કહ્યું કે આ મેચમાં કેમ તેઓ નથી. નિવૃત્તિ પર મોટું નિવેદન પણ આપ્યું. જાણો શું કહ્યું.
Trending Photos
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે એ વાત પર સ્પષ્ટતા પણ કરી કે તેમનો આવનારા દિવસો અંગે શું પ્લાન હશે. રોહિતે એ પણ જણાવ્યું કે સિડની ટેસ્ટમાં તેમણે બહાર થવાનો નિર્ણય કેમ લીધો. રોહિત શર્માએ કહ્યું કે હાલ તો તેઓ ક્રિકેટ રમવાનું છોડશે નહીં. ખુબ મહેનત કરવા છતાં પણ સારું પ્રદર્શન થઈ શક્યું નહીં, આથી સિડની ટેસ્ટથી પોતાને અલગ રાખવું જરૂરી હતું એવું તેમનું માનવું છે.
રોહિત શર્માએ આજે લંચ બ્રેક દરમિાયન સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા કહ્યું કે હાલ તેઓ ક્રિકેટ છોડવાના નથી. રોહિતે કહ્યું કે હું જલદી રિટાયર થવાનો નથી. મે ફક્ત એટલા માટે આ મેચમાંથી હટવાનો નિર્ણય લીધો કારણ કે રન થઈ રહ્યા નહતા. હું આકરી મહેનત કરીશ અને કમબેક કરીશ. અત્યારે રન બનતા નથી, પરંતુ એ વાતની કોઈ ગેરંટી નથી કે 5 મહિના બાદ પણ રન નહીં થાય.
હિટમેને કહ્યું કે મે આ ટેસ્ટમાંથી હટવાનો નિર્ણય લીધો પરંતુ હું ક્યાંય જવાનો નથી. બસ રિટાયરમેન્ટ કે ફોર્મેટથી દૂર જવાનો કોઈ નિર્ણય નથી. માઈક, પેન કે લેપટોપવાળા કોઈ પણ વ્યક્તિ શું લખે કે બોલે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેઓ અમારા માટે કોઈ નિર્ણય લઈ શકે નહીં. મે સિડનીમાં આવ્યા બાદ હટવાનો નિર્ણય લીધો. હા...રન થતા નથી પંરતુ એ વાતની કોઈ ગેરંટી નથી કે તમે બે મહિના કે છ મહિના બાદ પણ રન નહીં કરી શકો. હું એટલો મેચ્યોર છું કે મને ખબર છે કે હું શું કરું છું.
આ દરમિયાન રોહિત શર્માએ એ વાત પણ સ્પષ્ટ કરી કે સિડની ટેસ્ટમાંથી હટવાનો નિર્ણય તેમનો પોતાનો હતો. આ અંગે તેમણે અહીં (સિડની) આવીને કોચ (ગૌતમ ગંભીર) અને ચીફ સિલેક્ટર (અજીત અગરકર)ને જાણકારી આપી. આ વાતચીતમાં એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ ક્યાંય જવાના નથી. રોહિતે કહ્યું કે અરે ભાઈ, હું ક્યાંય જવાનો નથી.
ગંભીર અને અગરકર સાથે શું વાત થઈ?
સિડનીમાં આખરે રોહિત કેમ બહાર બેઠા? આ અંગે હિટમેને કહ્યું કે, મારી સિલેક્ટર અને હેટકોચ સાથે વાત થઈ. મે જ તેમને જણાવ્યું કે સિડનીની મેચ ટીમ માટે ખુબ મહત્વની છે. આવામાં તેઓ ઈચ્છે છે કે ફોર્મવાળા ખેલાડીઓ ટીમમાં રમે, રોહિતે કહ્યું કે આ નિર્ણય લેવો અઘરો હતો પરંતુ મે વિચાર્યું કે ઈનફોર્મ ખેલાડીઓને રમે. રોહિતે આ દરમિયાન એ વાત પણ સ્પષ્ટ કરી કે સિડનીમાં આવીને જ મે એ વાતનો નિર્ણય લીધો કે મારે અહીં આવીને રમવાનું નથી. કારણ કે ન્યૂયર પર આ અંગે ટીમને જણાવવા માંગતા નહતા.
આગળનો પ્લાન
રોહિતે આ વાતચીતમાં વધુમાં જણાવ્યું કે 5 કે 6 મહિના પછી શું થવાનું તેના વિશે તેઓ વધુ વિચારતા નથી. રોહિતે કહ્યું કે, બહાર લેપટોપ, પેન અને પેપર લઈને બેઠેલા લોકો નિવૃત્તિ ક્યારે લેવાશે અને મારે શું નિર્ણય લેવો જોઈએ તે નક્કી કરતા નથી. મને મારામાં વિશ્વાસ છે કે શું કરવાનું છે. કોઈ માઈક લઈને કે લેપટોપ લઈને બેઠા છે તેઓ આ ચીજો નક્કી ન કરી શકે. જો કે રોહિતના નિવેદનથી એક વસ્તુ તો સ્પષ્ટ છે કે તેમણે તેમની નિવૃત્તિ વિશે જે વાતો ઉડી હતી તેના પર બ્રેક લગાવી દીધી.
રોહિતે એમ પણ કહ્યું કે હું ભાવુક માણસ છું. 2 બાળકોનો બાપ છું તો મને ખબર છે કે મારે ક્યારે શું નિર્ણય લેવાનો છે. હું 2007થી જ્યારથી આવ્યો છું ત્યારથી એ વાત વિચારી છે કે મારે મારી જાતને જીતાડવાની છે. રોહિતે આ દરમિયાન કહ્યું કે મને લાગે છે કે હું એ કરું છું, હું બીજા લોકો વિશે વિચારતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે