ICC રેન્કિંગઃ ટોપ પર રહીને વર્ષનો અંત કરશે વિરાટ અને રોહિત, હોપને પણ થયો ફાયદો
આઈસીસીની ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમ ( ICC ODI Rankings) બીજા નંબર પર છે. વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ નંબર-1ના સ્થાને છે.
Trending Photos
દુબઈઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેના સાથીદાર રોહિત શર્મા (Rohit Sharma)એ વર્ષનો અંત શાનદાર રીતે કર્યો છે. આઈસીસી દ્વારા વનડેના તાજા રેન્કિંગમાં (ICC Rankings ) કોહલી પ્રથમ સ્થાને છે. તો રોહિત બીજા સ્થાન પર છે. કોહલીના 887 અને રોહિતના 873 પોઈન્ટ છે. આઈસીસીના ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમ ( ICC ODI Rankings) બીજા નંબર પર છે. વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ નંબર-1ના સ્થાને છે.
વિરાટ કોહલી અને રોહિત શર્માએ રવિવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં અડધી સદી ફટકારીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે કોહલીએ વર્ષનો અંત રમતના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન તરીકે કર્યો તો આ મામલામાં રોહિત બીજા સ્થાને રહ્યો છે. પરંતુ રોહિત શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાના 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો છે.
રોહિત શર્માએ આ વર્ષે ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2442 રન બનાવ્યા છે, જે અત્યાર સુધી એક વર્ષમાં કોઈ ઓપનિંગ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. આ પહેલા રેકોર્ડ શ્રીલંકાના જયસૂર્યાના નામે હતો.
વેસ્ટ ઈન્ડિઝના ઓપનર શાઈ હોપને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ટોપ-10મા સ્થાન મેળવવામાં સફળ થયો છે. હોપે ત્રણ મેચોની વનડે સિરીઝમાં કુલ 222 રન બનાવ્યા અને આ કારણે પાંચ સ્થાન આગળ વધતા તે નવમાં સ્થાને પહોંચી ગયો છે. તેણે ચેન્નઈમાં રમાયેલી સિરીઝની પ્રથમ વનડે મેચમાં અણનમ સદી ફટકારી હતી.
હોપની સાથે ટીમના સાથે શિમરોન હેટમાયર (Shimron Hetmyer)ને પણ ફાયદો થયો છે. તે છ સ્થાન આગળ વધતા 19મા સ્થાન પર આવી ગયો છે. જ્યારે નિકોલસ પૂરન 33 સ્થાનથી આગળ વધતા 30મા સ્થાને પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે