IND vs NZ: પુણેમાં ભારતની શરમજનક હાર, કીવીએ રચ્યો ઈતિહાસ, 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી ટીમ ઈન્ડિયા

IND vs NZ: ગૌતમ ગંભીરના કોચ બનવાની સાથે ભારતીય ટીમના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પુણે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ભારતે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ પણ ગુમાવી દીધી છે. 

 IND vs NZ: પુણેમાં ભારતની શરમજનક હાર, કીવીએ રચ્યો ઈતિહાસ, 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી ટીમ ઈન્ડિયા

પુણેઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતને 113 રને હરાવી ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સાથે ભારતે 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. ટોમ લાથમની આગેવાનીમાં બિનઅનુભવી ન્યૂઝીલેન્ડે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું છે. પુણે ટેસ્ટ જીતવા માટે ભારતને 359 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 245 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

યશસ્વી જાયસવાલ સિવાય બધા બેટરો ફ્લોપ
બીજી ઈનિંગમાં ભારતની સામે ટેસ્ટ મેચ જીતવા માટે પહાડ જેવો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે જરૂર સારી શરૂઆત કરી હતી. ખાસ કરીને યશસ્વી જાયસવાલે કમાલની બેટિંગ કરી હતી. પરંતુ કેપ્ટન રોહિત શર્મા ફરી સસ્તામાં આઉટ થઈ ગયો હતો. રોહિત શર્મા 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. યશસ્વી જાયસવાલે આક્રમક બેટિંગ કરતા માત્ર 65 બોલમાં 77 રન ફટકાર્યા હતા. યશસ્વીએ પોતાની ઈનિંગમાં 9 ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી હતી. જાયસ્વાલ મિચેલ સેન્ટરનો શિકાર બન્યો હતો. 

ગિલ, કોહલી, પંત સસ્તામાં આઉટ
ભારતે 96 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલ 23 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રિષભ પંત પણ શૂન્ય રને રનઆઉટ થઈ ગયો હતો. વિરાટ કોહલીએ જરૂર 40 બોલ રમ્યા પરંતુ તે પણ 17 રન બનાવી પેવેલિયન પરત ફરી ગયો હતો. જ્યારે સરફરાઝ ખાન 9, વોશિંગટન સુંદર 21 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. આર અશ્વિને 18 રન બનાવ્યા હતા. 

મિચેલ સેન્ટનરે રચ્યો ઈતિહાસ
ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ સ્પીનર મિચેલ સેન્ટનરે ભારતીય ટીમની કમર તોડી દીધી હતી. પ્રથમ ઈનિંગમાં 53 રન આપી 7 વિકેટ લીધા બાદ બીજી ઈનિંગમાં પણ સેન્ટનર સામે ભારતીય બેટરોનો ધબડકો થયો હતો. સેન્ટનરે બીજી ઈનિંગમાં પણ 6 વિકેટ લીધી હતી. 

ન્યૂઝીલેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 255 રન બનાવી ઓલઆઉટ
મેચમાં ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સત્રમાં પોતાની બીજી ઈનિંગમાં 255 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગની 103 રનની લીડ સાથે ભારતને જીત માટે વિપક્ષી ટીમે 359 રનનો લક્ષ્ય આપ્યો હતો. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે સૌથી વધુ 86 રન ફટકાર્યા હતા. જ્યારે ભારત તરફથી સુંદરે 4, જાડેજાએ ત્રણ અને અશ્વિને બે વિકેટ લીધી હતી. 

પ્રથમ ઈનિંગમાં 156 રનમાં આઉટ થઈ ગઈ હતી ભારતીય ટીમ
ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ ઈનિંગમાં 259 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં ભારતીય બેટરોનો ધબડકો થયો હતો. ભારત તરફથી માત્ર રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. કોહલી 1 તો રોહિત શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news