IND vs WI: વિરાટ અને રહાણેની અણનમ અડધી સદી, ભારતની લીડ 250ને પાર
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને અંજ્કિય રહાણેએ અડધી સદી પૂરી કરી અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે રમત સમાપ્ત થયા સુધી લીડ 260 રન સુધી પહોંચાડી દીધી છે.
Trending Photos
નોર્થ સાઉન્ડ (એન્ટીગા): ભારતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અહીં 72 ઓવરમાં ત્રણ વિકેટ પર 185 રન બનાવીને મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતીય ટીમે બીજા સત્રમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી પરંતુ કેપ્ટન વિરાટ કોહલી (અણનમ 51) અને વાઇસ કેપ્ટન રહાણે (અણનમ 53)એ મોરચો સંભાળ્યો અને ટીમને કોઈ નુકસાન ન થવા દીધું. બંન્નેએ અત્યાર સુધી ચોથી વિકેટ માટે 104 રનની અતૂટ ભાગીદારી કરી છે.
ભારતની કુલ લીડ 260 રનની થઈ ગઈ છે અને તેની સાત વિકેટ બાકી છે. વેસ્ટ ઈન્ડિઝ માટે ઓફ સ્પિનર રોસ્ટન ચેજ સૌથી સફળ બોલર રહ્યો જેણે 25 ઓવરમાં 69 રન આપીને બે વિકેટ ઝડપી હતી. વિન્ડીઝે બીજા સત્રમાં પ્રથમ સફળતા માટે વધુ રાહ ન જોવી પડી. ઈનિંગની 14મી ઓવરમાં મયંક અગ્રવાલ 16 રન બનાવીને રોસ્ટન ચેજના બોલ પર LBW આઉટ થયો હતો. તે સમયે ટીમનો સ્કોર 30 રન હતો.
મયંક જલ્દી આઉટ
ઓપનર મયંક અગ્રવાલે પરંતુ રિવ્યૂનો સહારો લીધો હોત તો બચી શક્યો હોત. રીપ્લેમાં જોવા મળ્યું કે બોલે ઓફ સ્ટમ્પ બહાર ટપ્પ લીધી હતી અને લેગ સ્ટમ્પની બહારથી જતો હતો પરંતુ બીજા છેડે રહેલા રાહુલની સલાહ બાદ તેણે પેવેલિયન પરત ફરવાનું યોગ્ય સમજ્યું હતું.
9 બોલની અંદર પૂજારા અને રાહુલ આઉટ
મયંક આઉટ થયા બાદ રાહુલ અને પૂજારા સંભાળીને બેટિંગ કરી રહ્યાં હતા પરંતુ નવ બોલની અંદર બંન્ને આઉટ થઈ ગયા હતા. બંન્નેએ બીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી. રાહુલ ખોટા શોટની પસંદગીને કારણે ચેજનો શિકાર બન્યો હતો. તેણે 85 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. પૂજારા પણ સારી શરૂઆતનો ફાયદો ન ઉઠાવી શક્યો અને કેમાર રોચની ઓવરમાં બોલ્ડ થયો હતો. તેણે 53 બોલમાં 25 રન બનાવ્યા હતા.
વિન્ડીઝની પ્રથમ ઈનિંગ 222 રને સમેટાઇ
ભારતે આ પહેલા ઇશાંત શર્મા (43 રન પર 5 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી વિન્ડીઝને પ્રથમ ઈનિંગમાં 74.2 ઓવરમાં 222 રન પર આઉટ કરી દીધું હતું. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 297 રન બનાવ્યા હતા જેથી પ્રથમ ઈનિંગના આધાર પર ટીમને 75 રનની લીડ મળી હતી. ઇશાંત શર્મા સિવાય ભારત માટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (2 વિકેટ) અને જાડેજા (64 રન પર 2 વિકેટ) બે-બે વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહને એક સફળતા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે