IPL 2021: રવિન્દ્ર જાડેજાનું 3D પ્રદર્શન, બેંગલોરને કારમો પરાજય આપી ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને

રવિન્દ્ર જાડેજાના શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે દમદાર પ્રદર્શન કરી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સીઝનની પ્રથમ હાર આપી છે. આ જીત સાથે ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 
 

IPL 2021: રવિન્દ્ર જાડેજાનું 3D પ્રદર્શન, બેંગલોરને કારમો પરાજય આપી ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને

મુંબઈઃ રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) આઈપીએલ-14ના 19માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ને 69 રને પરાજય આપી સતત ચોથો વિજય મેળવ્યો છે. આ જીત સાથે ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. રવિન્દ્ર જાડેજાએ અણનમ અડધી સદી ફટકાર્યા બાદ ત્રણ વિકેટ પણ ઝડપી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સીએસકેએ 20 ઓવરમાં 4 વિકેટે 191 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 122 રન બનાવી શકી હતી. 

આરસીબીની પ્રથમ હાર
આઈપીએલ-2021મા શાનદાર શરૂઆત કરનાર આરસીબીનો આ પ્રથમ પરાજય છે. સતત ચાર જીત બાદ ટીમને પ્રથમ હાર મળી છે. આરસીબી પાંચ મેચમાં ચાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. તો ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ મેચ હાર્યા બાદ સતત ચોથી જીત મેળવી છે. તે 8 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. 

ચેન્નઈના બોલરો સામે આરસીબી ફ્લોપ
ચેન્નઈએ આપેલા 192 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીને દેવદત્ત પડિક્કલે આક્રમક શરૂઆત અપાવી હતી. તેણે વિરાટ સાથે પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. કોહલી 8 રન બનાવી સેમ કરનનો શિકાર બન્યો હતો. દેવદત્ત પડિક્કલ 15 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 34 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ થયો હતો. આરસીબીએ પાવરપ્લેમાં બે વિકેટે 65 રન બનાવ્યા હતા. 

બેટિંગ બાદ બોલિંગમાં જાડેજા છવાયો
શાનદાર અડધી સદી બાદ જાડેજાએ બોલિંગમાં કમાલ કર્યો હતો. તેણે ગ્લેન મેક્સવેલ (22), વોશિંગટન સુંદર (7) અને એબી ડિવિલિયર્સ (4)ને આઉટ કરી બેંગલોરની જીતની આશા પર પાણી ફેરવી દીધુ હતું. જાડેજાએ 4 ઓવરમાં એક મેડન સાથે માત્ર 13 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જાડેજાએ ડેનિયલ ક્રિસ્ટિયન (1)ને સીધા થ્રો દ્વારા રનઆઉટ પણ કર્યો હતો. 

ઇમરાન તાહિરે હર્ષલ પટેલ (0)ને બોલ્ડ કરી ચેન્નઈને સાતમી સફળતા અપાવી હતી. ત્યારબાદ નવદીપ સૈનીને બોલ્ડ કરી બેંગલોરને આઠમો ઝટકો આપ્યો હતો. કાઇલ જેમીસન 16 રન બનાવી રનઆઉટ થયો હતો. 

ચેન્નઈની શાનદાર શરૂઆત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને ફાફ ડુ પ્લેસિસ અને રુતુરાજ ગાયકવાડે દમદાર શરૂઆત અપાવી હતી. બન્નેએ પાવરપ્લેમાં 51 રન જોડ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઝટકો 74 રનના સ્કોર પર લાગ્યો હતો. રુતુરાજ ગાયકવાડ 25 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 33 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. 

ફાફ ડુ પ્લેસિસની અડધી સદી
ફાફ ડુ પ્લેસિસે આજે ફરી શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. આ સીઝનમાં ફાફની બીજી અને આઈપીએલ કરિયરમાં 18મી અડધી સદી છે. તેણે 41 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રન બનાવ્યા હતા. ફાફ હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. સુરેશ રૈના 18 બોલમાં 24 રન બનાવી પટેલનો શિકાર બન્યો હતો. 

અંતિમ ઓવરમાં જાડેજાનું વાવાઝોડુ
19મી ઓવર સુધી ટીમનો સ્કોર 4 વિકિટે 154 રન હતો. 20 ઓવર પૂરી થયા બાદ ચેન્નઈનો સ્કોર 191 રન થઈ ગયો. હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં જાડેજાએ 5 છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ 37 રન ફટકાર્યા હતા. જાડેજાએ 28 બોલમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે અણનમ 62 રન બનાવ્યા હતા. 

આઈપીએલમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર
હર્ષલે ચેન્નઈ વિરુદ્ધ 25 એપ્રિલે 37 રન આપ્યા જે ઈતિહાસમાં નોંધાઈ ગયા છે. આ પહેલા કોચ્ચિ કસ્ટર્ષની ટીમના પરમેશ્વરને 2021માં આરસીબી સામે એક ઓવરમાં આટલા રન આપ્યા હતા. ત્યારે ગેલ સ્ટ્રાઇક પર હતો. તો 2014માં પંજાબના બોલર પરવિંદર અવાનાની ઓવરમાં રૈનાએ 32 રન ફટકાર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news