DC vs CSK: દિલ્હી કેપિટલ્સને 77 રને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઓફમાં એન્ટ્રી
IPL 2023: મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-2023માં શાનદાર પ્રદર્શન કરતા પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત ટાઈટન્સ બાદ ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચનાર બીજી ટીમ બનશે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023 (IPL 2023) ની પ્લેઓફની બીજી ટીમ નક્કી થઈ ગઈ છે. ગુજરાત ટાઈટન્સ બાદ એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 77 રને પરાજય આપી પ્લેઓફમાં જગ્યા મેળવી લીધી છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નઈએ શાનદાર પ્રદર્શન કરતા દિલ્હીને પોતાની અંતિમ લીગ મેચમાં 77 રને માત આપી છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટે 223 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવી શકી હતી.
ડેવોન કોનવે અને ગાયકવાડ છવાયા
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને બંને ઓપનરોએ દમદાર સરૂઆત અપાવી હતી. ગાયકવાડ અને કોનવેએ પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરતા 52 રન જોડી દીધા હતા. પાવરપ્લે બાદ પણ બંનેએ પોતાનો આક્રમક અંદાજ જાળવી રાખ્યો અને અડધી સદી પૂરી કરી હતી.
ચેન્નઈ સુપર કિંગ્સને 141 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ગાયકવાડ 50 બોલમાં 3 ચોગ્ગા અને 7 સિક્સ સાથે 79 રન બનાવી આઉટ થયો હતો. તો ડેવોન કોનવે 52 બોલમાં 11 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 87 રન બનાવી આઉટ થયો હતો. શિવમ દુબેએ 9 બોલમાં ત્રણ સિક્સ સાથે 22 રન ફટકાર્યા હતા. રવીન્દ્ર જાડેજા 7 બોલમાં 20 અને ધોની 4 બોલમાં 5 રન બનાવી અણનમ રહ્યાં હતા.
વોર્નર સિવાય દિલ્હીના બેટરો ફ્લોપ
ચેન્નઈએ આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. પૃથ્વી શો 5 રન બનાવી બીજી ઓવરમાં તુષાર દેશપાંડેનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ફિલ સોલ્ટ 3 રન બનાવી ચાહરની ઓવરમાં આઉટ થયો હતો. રોસો ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. યશ ઢુલે 13 રન બનાવ્યા હતા.
વોર્નરની અડધી સદી
દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગ કરતા 86 રન બનાવ્યા હતા. વોર્નરે 58 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. અક્ષર પટેલ 15 રન બનાવી આઉટ થયો હતો. અમન હકિમ ખાન 7, લલિત યાદવ 6 રન બનાવી આઉટ થયા હતા.
ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી દીપક ચાહરે ત્રણ, મહેશ તીક્ષ્ણા અને મથીશા પથિરાનાએ બે-બે તથા જાડેજા અને દેશપાંડેએ એક-એક વિકેટ લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે