KKR vs RCB: ફરી તૂટ્યું આરસીબીનું દિલ, રોમાંચક મેચમાં કોલકત્તા સામે 1 રને પરાજય
IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે આઈપીએલ-2024ની સીઝન ખરાબ રહી છે. આરસીબીએ સાતમી હારનો સામનો કરવો પડ્યો છે. આજે કોલકત્તા સામે તેનો 1 રનથી પરાજય થયો હતો.
Trending Photos
કોલકત્તાઃ કોલકત્તા નાઈટ રાઈડર્સે છેલ્લા બોલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 1 રને પરાજય આપ્યો છે. આરસીબીને જીત માટે છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી. ત્યારે કર્ણ શર્માએ સ્ટાર્કની ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી હતી. પરંતુ તે પાંચમાં બોલે આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ આરસીબીને છેલ્લા બોલે ત્રણ રનની જરૂર હતી. ત્યારે ફર્ગ્યુસન એક રન બનાવી રનઆઉટ થઈ ગયો હતો. કોલકત્તાએ સીઝનમાં પાંચમી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટે 222 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં આરસીબી 20 ઓવરમાં 221 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
કોહલી-ફાફ જલ્દી આઉટ
વિરાટ કોહલી 7 બોલમાં એક ફોર અને બે સિક્સ સાથે 18 રન બનાવી આઉટ થયો હતો. કોહલી ફુલટોસ બોલમાં આઉટ થયો હતો. થર્ડ અમ્પાયરે આઉટ આપતા કોહલી નારાજ જોવા મળ્યો હતો. ફાફ માત્ર 2 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આરસીબી તરફથી વિલ જેક્સે શાનદાર અડધી સદી ફટકારી હતી. જેક્સે 32 બોલમાં 4 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 55 રન બનાવ્યા હતા.
રજત પાટીદારે પણ 23 બોલમાં 3 સિક્સ સાથે 52 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીન 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે સુયશ પ્રભુદેસાઈ 24 અને લોમરોર 4 રન બનાવી આઉટ થયા હતા. દિનેશ કાર્તિક 18 બોલમાં 25 રન બનાવી આઉટ થયો હતો. કર્ણ શર્માએ 7 બોલમાં ત્રણ સિક્સ સાથે 20 રન બનાવ્યા હતા. કોલકત્તા તરફથી આંદ્રે રસેલે ત્રણ, હર્ષિત રાણા અને સુનીલ નરેને બે-બે વિકેટ લીધી હતી. જ્યારે એક-એક સફળતા સ્ટાર્ક અને ચક્રવર્તીને મળી હતી.
પાવરપ્લેમાં ફિલ સોલ્ટનું આક્રમણ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે ફિલ સોલ્ટે આક્રમક શરૂઆત કરી હતી. તેણે પ્રથમ ઓવરથી જ બાઉન્ડ્રી ફટકારવાની શરૂઆત કરી હતી. ફિલ સોલ્ટ 14 બોલમાં 7 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 48 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે સુનીલ નરેન માત્ર 10 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. નરેને 15 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. કોલકત્તાએ પાવરપ્લેમાં 75 રન બનાવ્યા હતા.
કેપ્ટન અય્યરની અડધી સદી
કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ફોર્મમાં પરત ફરતા અડધી સદી ફટકારી હતી. અય્યર 36 બોલમાં 7 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 50 રન બનાવી આઉટ થયો હતો. રઘુવંશી 3 રન બનાવી આઉટ થયો હતો. વેંકટેશ અય્યરે 8 બોલમાં 16 રન બનાવ્યા હતા. રિંકૂ સિંહે 16 બોલમાં 24 રન બનાવ્યા હતા.
અંતિમ ઓવરોમાં રમનદીપ સિંહે 9 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સ સાથે અણનમ 24 રન બનાવી કેકેઆરનો સ્કોર 220ને પાર પહોંચાડ્યો હતો. આંદ્રે રસેલ 27 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. આરસીબી તરફથી યશ દયાલ અને કેમરૂન ગ્રીને બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય સિરાજ અને લોકી ફર્ગ્યુસનને એક-એક સફળતા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે