IND W vs NZ W: ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય

ICC T20 World Cup: ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરતા મહિલા ટી20 વિશ્વકપના પ્રથમ મુકાબલામાં ભારતને 58 રને કારમો પરાજય આપ્યો છે. ન્યૂઝીલેન્ડે બેટિંગ અને બોલિંગમાં કમાલનું પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો આપ્યો છે. 

IND W vs NZ W: ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય

દુબઈઃ આઈસીસી ટી20 વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી છે. ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમવા ઉતરેલી ભારતીય મહિલા ટીમનો ન્યૂઝીલેન્ડ સામે 58 રને પરાજય થયો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 160 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ  102 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માત્ર 19 ઓવરનો સામનો કરી શકી હતી. હવે ટીમ ઈન્ડિયા રવિવારે પાકિસ્તાન સામે લીગ રાઉન્ડના બીજા મુકાબલામાં મેદાનમાં ઉતરશે. 

ભારતના બેટરો મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ
ન્યૂઝીલેન્ડે આપેલા 161 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા 2 રન બનાવી આઉટ થઈ હતી. જ્યારે સ્મૃતિ મંધાના પણ 12 રનબનાવી પેવેલિયન પરત ફરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર 15 રન બનાવી આઉટ થઈ હતી. જેમીમાહ રોડ્રિગ્સ 13 અને રિચા ઘોષ 12 રન બનાવી પેવેલિયન પરત ફર્યાં હતા. 

દીપ્તિ શર્માએ 18 બોલનો સામનો કરી 13 રન બનાવ્યા હતા. અરૂંધતી રેડ્ડી 1 અને પૂજા વસ્ત્રાકર 8 રન બનાવી આઉટ થઈ હતી. શ્રેયંકા પાટીલ 7 અને રેણુકા સિંહ 0 રન બનાવી આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી માયરે 4 ઓવરમાં 19 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય તાહુહુએ 4 ઓવરમાં 15 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. બે વિકેટ એડન કાર્સોન અને એમેલિયા કરને એક વિકેટ મળી હતી. 

ન્યૂઝીલેન્ડની સારી શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી હતી. સુઝી બેટ્સ અને સ્લિમેરે પાવરપ્લેમાં 55 રન ફટકારી દીધા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. સુઝી બેટ્સ 24 બોલમાં 2 ચોગ્ગા સાથે 27 રન ફટકાર્યા હતા. જ્યારે પ્લિમેર 23 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 34 રન બનાવી આઉટ થઈ હતી. 

સોફી ડિવાઈનની આક્રમક અડધી સદી 
ન્યૂઝીલેન્ડે 99 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. એમેલિયા કર 13 રન બનાવી આઉટ થઈ હતી. પરંતુ કેપ્ટન સોફી ડિવાઈને કમાલની બેટિંગ કરી બતી. સોફી ડિવાઈન 36 બોલમાં 7 ચોગ્ગા સાથે 57 રન બનાવી અણનમ રહી હતી. આ સિવાય હાલિડય 16 રન બનાવી આઉટ થઈ હતી. જ્યારે મેડી ગ્રીન 5 રન બનાવી અણનમ રહી હતી. 

ભારત તરફથી રેણુકા સિંહે 4 ઓવરમાં 27 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય એક વિકેટ આષા શોભના અને અરૂંધતી રેડ્ડીને મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news