આતંકવાદ પર ઈમરાન ખાનની મોટી કબુલાત, '1980માં પાકિસ્તાને જેહાદીઓને તૈયાર કર્યાં'
Trending Photos
નવી દિલ્હી: આતંકવાદ પર પાકિસ્તાનના વડાપ્રધાને ઈમરાન ખાને સૌથી મોટી કબુલાત કરતા કહ્યું કે 1980માં અફઘાનિસ્તાનમાં રશિયા (તત્કાલિન સોવિયેત સંઘ) વિરુદ્ધ લડવા માટે પાકિસ્તાને જેહાદીઓને તૈયાર કર્યાં. તેમને ટ્રેનિંગ આપી. રશિયાની એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ RTને આપેલા ઈન્ટરવ્યુમાં એક બાજુ અમેરિકા પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે કોલ્ડ વોર દરમિયાન રશિયા વિરુદ્ધ પાકિસ્તાને અમેરિકાની મદદ કરી. જેહાદીઓને રશિયા વિરુદ્ધ લડવા માટે ટ્રેનિંગ આપી. આમ છતાં હવે અમેરિકા પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે.
તેમણે કહ્યું કે 1980ના દાયકામાં પાકિસ્તાન એવા મુજાહિદ્દીન લોકોને તાલીમ આપી રહ્યું હતું જ્યારે સોવિયેત સંઘ, અફઘાનિસ્તાન પર કબ્જો કરે તો તેઓ તેમના વિરુદ્ધ જેહાદનું એલાન કરે. આ લોકોની ટ્રેનિંગ માટે પાકિસ્તાનને અમેરિકાની એજન્સી CIA તરફથી પૈસા આપવામાં આવ્યાં હતાં. પરંતુ એક દાયકા બાદ જ્યારે અમેરિકા, અફઘાનિસ્તાનમાં આવ્યું તો તેણે એ જ સમૂહો કે જે પાકિસ્તાનમાં હતાં, તેમને જેહાદીમાંથી આતંકવાદી જાહેર કરી દીધા.
ઈમરાન ખાને કહ્યું કે આ એક મોટો વિરોધાભાસ હતો. પાકિસ્તાને તટસ્થ હોવું જોઈતું હતું. કારણ કે અમેરિકાનો સાથ આપીને અમે આ સમૂહોને પાકિસ્તાનની વિરુદ્ધ કરી દીધુ..જેમાં અમે 70 હજાર લોકોના જીવ ગુમાવ્યાં છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને 100 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે.
જો કે એ પણ સાચુ છે કે એકબાજુ જ્યાં ઈમરાન ખાન આ સચ્ચાઈને પરોક્ષ રીતે સ્વીકારી રહ્યાં છે કે તેમની ધરતીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે થયો છે, ત્યાં બીજી બાજુ તેઓ કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય સમર્થનની આશા રાખી રહ્યાં છે. કદાચ આ જ કારણે તેમના જ ગૃહ મંત્રી એજાઝ અહેમદ શાહે એક ઈન્ટરવ્યુમાં કહી દીધુ કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વાતને ગંભીરતાથી લેવાતી નથી અને પાકિસ્તાનને જવાબદાર દેશ ગણાતો નથી.
જુઓ LIVE TV
ગૃહ મંત્રી એજાઝ અહેમદ શાહે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સરકારની નિષ્ફળતાઓ બદલ ઈમરાન ખાન અને તેમના સાથીઓને જવાબદાર ઠેરવ્યાં છે. હકીકતમાં તેમણે સ્વીકાર કરી લીધુ કે કાશ્મીર મુદ્દે ઈસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું. શાહે ઈમરાન ખાન સહિત ચૂંટાઈ આવેલા અને જવાબદાર સ્થાન પર બિરાજમાન નેતાઓ પર પાકિસ્તાનની છબી બગાડવાનો આરોપ પણ લગાવી દીધો.
તેમણે પાકિસ્તાની ન્યૂઝ એજન્સી Hum Newsના એક ટોક શોમાં કહ્યું કે "આંતરરાષ્ટ્રીય સમુદાયના લોકોએ આપણા પર વિશ્વાસ કર્યો નહીં. અમે કહ્યું કે ભારતે જમ્મુ અને કાશ્મીરમાં કરફ્યુ લગાવી દીધો છે અને લોકોને દવાઓ સુદ્ધા મળતી નથી. લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો નહીં. પરંતુ તેમણે ભારતની વાત પર વિશ્વાસ કર્યો. સત્તાધારી કુલીનતંત્રે દેશને બરબાદ કરી દીધો. દેશની છબી ખરાબ કરી નાખી. લોકો વિચારે છે કે પાકિસ્તાન એક ગંભીર દેશ નથી."
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે બેનઝીર ભૂટ્ટો, પરવેઝ મુશર્રફ અને અન્ય કયા સત્તાધારી કુલીનતંત્રનો ભાગ રહ્યાં તો ISIના ચીફ રહી ચૂકેલા એઝાઝ અહેમદ શાહે કહ્યું કે તમામ જવાબદાર છે. પાકિસ્તાને હવે આત્મમંથન કરવાની જરૂર છે. શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જીનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)ના 42માં સત્રની બેઠકમાં ભારતની કૂટનીતિ સામે પાકિસ્તાને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે