Agriculture: તાત પર ચાર હાથ! જે ખેડૂતોએ ખેતીની આ પદ્ધતિ અપનાવી એ બધા સુખી થઈ ગયા
Farming: ગુજરાતના ખેડૂતો માટે ભગવાનના વરદાન સમાન છે આ ખેત પદ્ધતિ. હાલ ખેતીમાં જે માથાકૂટ છે એ આ પદ્ધતિમાં થતી નથી. ઓછા ખર્ચમાં વધુ સારી આવક પણ મેળવી શકાય છે. જે ખેતીઓએ પરંપરાગત પદ્ધતિ છોડીને આ પદ્ધતિ અપવાની છે તે સુખી થઈ ગયા છે.
Trending Photos
Agriculture News: બદલાતા સમયની સાથે ખેતીવાડીની પદ્ધતિમાં પણ બદલાવ આવ્યો છે. લોકોની માનસિકતા પણ બદલાઈ ગઈ છે. હવે લોકોને લાંબુ અને સારું એટલેકે, નિરોગી જીવન જીવવા માટે સ્વચ્છ ખોરાક જોઈએ છે. લોકોનું સ્ટાર્ડટ ઓફ લિવિંગ જેમ જેમ ઉંચું આવી રહ્યું છે તેમ તેમ લોકો ખાન-પાનમાં પણ વિશેષ ધ્યાન આપી રહ્યાં છે. એમાંય કોરોના કાળ બાદ લોકો વધુ હેલ્થ કોન્શિયસ બની ગયા છે. આવી સ્થિતિમાં ખેતીની પદ્ધતિમાં પણ મોટો બદલાવ આવ્યો છે. જે ખેતીઓએ પરંપરાગત પદ્ધતિ છોડીને આ પદ્ધતિ અપવાની છે તે સુખી થઈ ગયા છે. અહીં વાત થઈ રહી છે સજીવ ખેતીની. શું તમે જાણો છો સજીવ ખેતી શું છે? શા માટે આ પ્રકારની ખેતી જરૂરી છે...જાણો વિગતવાર...
શા માટે જરૂરી છે સજીવ ખેતી?
કૃષિના સલામત વિકાસ અને પોષક ખાદ્ય પદાર્થો મેળવવા ઔદ્યોગિક કાચા સામાનનું જીવન નિર્વાહમાં ખૂબ જ મહત્વ છે. પરંતુ વાતાવરણના બદલાવો, કુદરતી સ્ત્રોતોનું ધોવાણ, ઉર્જાની તંગી, જૈવિક વિવિધતાનું ધોવાણ, વધતી જતી બિમારીઓ તથા રોગ જીવાતોનું પ્રમાણ અને વૈશ્વિક બજારમાં વધતી જતી હરીફાઈ કૃષિ ક્ષેત્રે એક મુખ્ય ચર્ચાનો વિષય બનેલ છે. કુદરતી સ્ત્રોતો વ્યવસ્થિત પરિસ્થિતિમાં આવતી પેઢીઓને હસ્તક થાય તે માટે વાતાવરણ, પાણી, જમીન, જૈવિક વિવિધતા તથા ઉર્જા સ્ત્રોતોને સાચવવા ઘણા જ આવશ્યક છે. સજીવ ખેતીને જૈવિક ખેતી અથા ઓર્ગેનિક ફાર્મિંગ પણ કહેવામાં આવે છે. દિવસે દિવસે દુનિયાભરમાં ઓર્ગેનિક ફૂડનો ક્રેઝ વધી રહ્યો છે. તેથી આ પદ્ધતિથી ખેતી કરનારાઓને સારી કમાણી થાય છે.
સધન ખેતીના લીધે કૃષિ રસાયણોના જમીન, પાણી તથા ખાદ્ય પદાર્થોમાં રહી જતાં અવશેષો માનવની તંદુરસ્તીને તથા પર્યાવરણ હિતાર્થને મોટો પડકાર ઉભો કરેલ છે. આ બધા જ પડકારોને આવરી લેતાં હાલ વૈશ્વિક સ્તરે સજીવ ખેતીની મોટી તકો ઉભી થયેલ છે.
આડેધડ વાપરવામાં આવતા કૃષિ બીયારણો અને જંતુનાશકો છે જોખમીઃ
ઘણાં સમયથી વધતી જતી વસ્તીની જરૂરીયાતોને પુરી ક૨વા માટે ખેડૂત મિત્રો દ્વારા વધુ ઉત્પાદન મેળવવાની લ્હાયમાં જમીન તથા પર્યાવરણની થતી આડઅસરોને ધ્યાને લીધા વગર આડેધડ કૃષિ ૨સાયણો જેવા કે રાસાયણિક ખાતરો, જંતુનાશકો, કુગનાશકો તથા નિંદામણ નાશકોનો વધુ પડતો ઉપયોગ કરે છે. આમ રસાયણોના વધુ પડતા ઉપયોગથી જમીનમાં રહેલા ઉપયોગી સુક્ષ્મ જિવાણુંઓનો નાશ તેમજ વધુ પડતા ખાતરોના મિશ્રણથી લભ્ય પોષક તત્વો અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જવાથી જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદન ક્ષમતા ઘટી છે. વધુ પડતી રાસાયણિક દવાઓના ઉપયોગને કારણે રોગ જીવાતની પ્રતિકારક ક્ષમતા પણ વધી છે. આ ઉપરાંત આ જમીનોમાં તૈયાર થતાં ઉત્પાદનોના ઉપયોગ થકી મનુષ્ય, પક્ષીઓ તથા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર ખૂબ જ વિપરીત અસર જોવા મળેલ છે.
આમ જમીન, પ્રાણીઓ તથા મનુષ્યને થતી આડઅસરોને રોકવા માટે રસાયણ વિહિન સજીવ ખેતી એક જ યોગ્ય રસ્તો છે. જે થકી આપણે જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદક ક્ષમતામાં વધારો કરી સારૂ ઉત્પાદન મેળવી શકીએ છીએ. ગુજરાતમાં મોટે ભાગે કૃષિ પશુપાલન આધારીત છે જે આપણા રાજયમાં સજીવ ખેતી વિકસાવવા માટે ખૂબ જ અગત્યનું પાસુ છે. પાક તથા પાલતું પ્રાણીઓના અવશેષોની પુનરાવૃતિ કરી જમીનમાં ભેળવવાથી જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદકતા વધારી શકાય છે. આમ ગુજરાત રાજ્યમાં સજીવ ખેતીની વિપુલ સંભાવનાઓ રહેલ છે.
સજીવ ખેતી પધ્ધતિમાં કઈ રીતે કામ કરવાનુ હોય છે?
સજીવ ખેતી (ઓર્ગેનિક ફાર્મીંગ) એ એક દેશી ખેતીનો સુધારેલ પ્રકા૨ જ છે. કુદ૨તે ભેટ આપેલ પ્રકૃતિ અને પર્યાવરણને સંતુલીત કરી રાસાયણિક ખાતર તથા સિન્થેટીક જંતુનાશકો અને જીનેટીકલી એન્જીનીયર્ડ બિચારણોના ઉપયોગ વગર ખેતરોમાં છાણીયુ ખાતર, કોમ્પોસ્ટ ખાતર, જૈવિક ખાતર, પાકના અવશેષો અને કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરી, પાકની ફેરબદલી કરી, એકબીજા પર આધારીત સજીવોનો ઉપયોગ કરી, નિંદામણ, પાક રોગો અને પાકને નુકશાનકારક જીવાતોને નિયંત્રિત કરવામાં આવે છે. સજીવ ખેતી પધ્ધતિથી ટકાઉ પાક ઉત્પાદકતા મળી રહે છે. સજીવ ખેતીથી જમીનની ઉત્પાદક્તામાં પણ વધારો થાય છે અને તેમાંથી સલામત અને પોષણક્ષમ સ્વાદિષ્ટ ખોરાક મળી રહે છે જેનાથી પ્રાણી કલ્યાણ અને પર્યાવરણની જાળવણી થાય છે.
સજીવ ખેતીના મુખ્ય લક્ષ્યો :
સામાજિક લક્ષ્યઃ
સામાજિક અને આર્થિક સ્વાવલંબન
ઓછા રોકાણ થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદનથી ખાદ્ય તથા પોષકતા સલામતી
ટકાઉ અને સલામત ખેતી
પ્રકૃતિક સંશાધનોની સર્વોત્તમ જાળવણી
ક્ષેત્રીય સંશાધનોનો કાર્યક્ષમ ઉપયોગ
આર્થિક લક્ષ્યઃ
ગુણવત્તાયુક્ત ટકાઉ ઉત્પાદન
મૂલ્યવર્ધક ઉત્પાદન થકી ભરોસાપાત્ર બજાર મારફત વધુ આવક
ઓછું ઉત્પાદન ખર્ચ
ખનિજ, ઇંધણ તથા અન્ય મોંઘા સંશાધનોનો બચાવ
પર્યાવરણીય લક્ષ્યઃ
પર્યાવરણની સમતુલા
રાસાયણિક પ્રદુષણથી મુક્ત
જમીનની ઉંચી ફળદ્રુપતા
જૈવિક વૈવિધ્યની જાળવણી
જળ, જમીન તથા પર્યાવરણ અનુકૂળ પ્રક્રિયા
રસાયણ આધારિત ખેતી શરૂ થઇ. રાસાયણિક ખાતર, કિટનાશક, હાઈબ્રીડ બિયારણનો ઉપયોગ થવા લાગ્યો અને ભારત સરકારે ૧૯૬૬-૬૭ માં હરિયાળી ક્રાન્તિ જાહેર કરી. પરિણામ સ્વરૂપ દેશમાં જોર શોરથી વિદેશી ખેતી પધ્ધતિથી ખેતી થવા લાગી. સરકાર મારફતે સિંચાઈ માટે મોટા બંધો (ડેમો) અને કેનાલોનું નિર્માણ થવા લાગ્યું. રાસાયણિક ખાતર અને કિટનાશકો બનાવવા ઉદ્યોગોની સ્થાપના થવા લાગી.
હરિયાળી ક્રાન્તિની ખેતી પધ્ધતિઃ
- વધુ ઉત્પાદન આપતા હાઈબ્રીડ બિયારણ
- રાસાયણિક (કૃત્રિમ ખાતર) નો ઉપયોગ
- રોગ, જીવાત અને નિંદામણ નિયંત્રણ માટે રાસાયણિક દવાઓનો ઉપયોગ
- એક પાક પધ્ધતિ આધારીત ખેતી પધ્ધતિ
- ખેતીમાં યાંત્રિકરણ
હરિયાળી ક્રાન્તિથી થોડા જ સમયમાં ઉત્પાદનમાં મોટો વધારો મળવા લાગ્યો. રાસાયણિક ખાતર અને કિટનાશકનો ઉપયોગ વધારવા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું. એકમ વિસ્તા૨માં જરૂરીયાત કરતાં રાસાયણિક પદાર્થોનો અનેક ઘણો ઉપયોગ થવા લાગ્યો.
કૃત્રિમ ખેતીથી થતાં નુકસાનઃ
- જુની પુરાણી ખેતી પધ્ધતિ તથા સ્થાનિક સાધનો તરફ દુર્લક્ષ
- પર્યાવરણમાં અસંતુલન
- ખેત ઉત્પાદન બગાડમાં વધારો.
- ખેતી માટેના દેવામાં ઝડપી વધારો.
- પ્રતિ હેકટર ઉત્પાદનમાં ઘટાડો.
- વિવિધ ઉપયોગી સજીવોને નુકશાન.
- મોંઘી ખેતી એટલે ખોટની ખેતી.
- બિયારણ, ખાતર, પશુ, નાણાં, વીજળી અને સિંચાઈ માટે ખેડૂત બીજા પર આધારીત.
- સમાજ વ્યવસ્થામાં ખેડૂતનું ઉતરતું જતુ સ્થાન.
- રસાયણ અને માનવ સ્વાસ્થ્ય
- હવા, પાણી અને જમીનના પ્રદૂષણમાં વધારો
- ખેત ઉત્પાદન, દૂધ, માંસ વગેરે ખાદ્ય પદાર્થોમાં રસાયણોની માત્રામાં વધારો
- અન્ન ઉત્પાદન ચક્રથી માનવ શરીરમાં નુકશાનકારક રસાયણનો પ્રવેશના પરિણામે
- રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો
સજીવ ખેતીના મૂળભૂત સિધ્ધાંતો:
1. પાકના અવશેષોનું વ્યવસ્થાપન/પુનઃસ્થાપન
2. કુદરતી સ્ત્રોતો (જમીન, ઉર્જા, પાણી, હવા વગેરે)નો યોગ્યતમ ઉપયોગ
3. યોગ્ય પાક પધ્ધતિ અને પાકની ફેરબદલી
4. ખેતી કામોમાં જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ
5. પરંપરાગત જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ
6. બજા૨નો અલ્પતમ હસ્તક્ષેપ
સજીવ ખેતીના ફાયદાઓઃ
1. સજીવ ખેતી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધારે છે. જમીનની ફળદ્રપતા અને ઉત્પાદક્તામાં ઉત્તરોત્તર વધારો થાય છે.
2. સજીવ ખેતી જમીનમાં ભેજ જાળવવામાં મદદરૂપ બને છે. તેમાં ખેડ સારી રીતે થઇ શકે છે. આવી જમીનમાં પાણીનો ભૂતળમાં ઉતાર સારો થાય છે. આમ જમીન પરથી વહી જતા પાણીને અટકાવે છે તેથી જમીનનું ધોવાણ થતું અટકે છે.
3. સજીવ ખેતી પાકને અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડે છે. તેથી રોગ-જીવાત સામે પ્રતિકારક શક્તિ વિકસે છે.
4. ખેતીનો બિન-જરૂરી કચરો તથા ખેતીની ગૌણ પેદાશોનો યોગ્યત્તમ ઉપયોગ થઇ શકે છે.
5. ખેત-સામગ્રીની જરૂરીયાત ઘટાડી સ્વનિર્ભર બની શકાય છે.
6. સજીવ ખેતી દ્વારા જમીનમાંના અસંખ્ય ઉપયોગી સજીવોને ખોરાક પુરો પાડી તેની વસ્તીમાં વધારો કરી શકાય છે.
7. સજીવ ખેતી દ્વારા ક્ષારીય જમીનનું બંધારણ સુધારી શકાય છે.
8. જે તે વિસ્તારની જૈવ વૈવિધ્યતાની જાળવણી ક૨વામાં મદદરૂપ થાય છે.
9. સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત થતો માલ ઝેરી રસાયણોથી મુક્ત હોઇ તેની ગુણવત્તા ઊંચી હોય છે. વિદેશોમાં તેની માંગ પણ વધે છે. તેને સહેલાઈથી નિકાસ કરી શકાય છે અને સારો બજાર ભાવ મેળવી શકાય છે.
10. સજીવ ખેતી માટે ખાસ કોઈ વધારાનો ખર્ચ કરવો પડતો નથી. ઓછા ખર્ચમાં સારો બજાર ભાવ મેળવી શકાય છે.
સજીવ ખેતીની મર્યાદાઓ:
સજીવ ખેતીની વિકાસ અને વૃધ્ધિની શક્યતાઓ ઉજળી છે. દરેક ખેડૂત પોતાના સંસાધનો, આર્થિક સ્થિતિ, ધ્યેય અનુસાર અમુક પસંદગીના પાકો અને પધ્ધતિઓમાં સજીવ ખેતી અપનાવે તો ચોક્કસ ફાયદો થાય જેમ કે શાકભાજી, ફળફળાદિ, મરી મસાલાના પાકો અને ઔષધિય પાકોમાં તો સજીવ ખેતી સફળ જ છે છતાં ખેડૂતો અપનાવતાં અચકાય છે જેના કારણો નીચે મુજબ છે.
કેમ આ સફળ ખેતી પદ્ધતિ અપનાવતા અચકાય છે ખેડૂતો?
1. સજીવ ખેતીના જ્ઞાન અને માહિતીનો અભાવ છે.
2. સજીવ ખેતી માટે સંશોધન ખૂબ ઓછું થયેલ છે.
3. વૈજ્ઞાનિક રીતે ચકાસાયેલી પધ્ધતિઓ વિક્સાવેલ નથી.
4. સજીવ ખેતી અને રાસાયણિક ખેતીનું તુલનાત્મક અર્થકારણ ચકાસવામાં આવતું નથી.
5. સજીવ ખેત પેદાશોનું લેબલીંગ(નામકરણ) કંટાળાજનક અને ખર્ચાળ છે.
6. ખેડૂતો આ પ્રક્રિયાથી સદંતર અજાણ છે.
7. સજીવ ખેત પેદાશોના વેચાણ માટે સ્વતંત્ર બજાર નથી.
8. સામાન્ય માણસો સજીવ ખેત પેદાશ અને ચીલાચાલુ ખેત પેદાશોમાં તફાવત સમજતા નથી જેથી ઊંચા ભાવ ચુક્વતા નથી.
9. મોટા ખેડૂતો માટે મોટી જમીનમાં જોઈતા સેન્દ્રિય ખાતરોના જથ્થાનો અભાવ.
10. શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે તેથી આવક પણ ઘટે છે. ખાસ કરીને ધાન્ય પાકોમાં આવી ઘટ વધારે છે.
11. સેન્દ્રિય ઉત્પાદનના પ્રમાણન અંગેની માહિતીનો અભાવ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે