એંઠવાડમાંથી ઉર્જા મેળવવાનો અનોખો પ્રયોગ સફળ થયો : ગુજરાતના વિદ્યાર્થીઓએ આખરે કરી બતાવ્યું

Smart Bio-Gas Plant : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જીએ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ વિકસાવ્યો... સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટથી મહિને 15 બોટલ ગેસની બચત અને વિદ્યાર્થીઓના ભોજન બિલમાં ઘટાડો થયો... મોટા જમણવાર અને ધાર્મિક-સામાજિક સંસ્થાઓમાં ચાલતા રસોડા માટે આ પ્લાન્ટ આગામી સમયમાં જરૂરિયાત બની જશે
 

એંઠવાડમાંથી ઉર્જા મેળવવાનો અનોખો પ્રયોગ સફળ થયો : ગુજરાતના વિદ્યાર્થીઓએ આખરે કરી બતાવ્યું

Banaskantha News અલ્કેશ રાવ/બનાસકાંઠા : શુ આપણે કલ્પના કરી શકીએ કે, એંઠવાડમાંથી ઉર્જા અને ગેસ મળે? મોટાભાગે જવાબ હશે ના. પરંતુ આ શક્ય કરી બતાવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ. કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાર્યમેન્ટ એન્જીનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. જે એલ.પી.જી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે. તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે. 

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષ 2009-10 માં ભારતની સૌ પ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાર્યમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરાઈ હતી. કૃષિ યુનિવર્સિટી કોલેજની  હોસ્ટેલ ખાતે સ્થાપિત ફૂડ વેસ્ટ, બેસ્ટ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી આપતાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ.ચૌહાણે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદ્દેશ સાથે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. 

લગભગ 11 લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. 75 કિલોની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ દ્વારા 7.5 કિલો બાયોગેસ મળે છે. જેના દ્વારા હોસ્ટેલ્સમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે અને મહિને 15 જેટલી બોટલ ગેસની બચત થાય છે. જેના લીધે વિદ્યાર્થીઓનું ભોજન બિલ પણ ઘટ્યું છે. આ પ્લાન્ટથી સ્વચ્છ ઉર્જા, બાયોગેસ અને 200 થી 250 લીટર સ્લરી મળે છે. સ્લરીનો ઉપયોગ સજીવ ખેતીમાં કરવામાં આવે છે. ઉર્જા, ગેસ અને સ્લરીના ત્રિવેણી સંગમ થકી નિસર્ગને નુકશાન કર્યા વગર પર્યાવરણનું જતન કરવાની સાથે સ્વચ્છતા અભિયાનને આગળ વધારી શકાય છે. 

તેમણે કહ્યું કે, બીજા તબક્કામાં ગર્લ્સ હોસ્ટેલ્સમાં 150 કિલોની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટની ઓપરેટિંગ સિસ્ટમમાં ફૂડ વેસ્ટને પાણી અને સ્લરીના મિશ્રણ સાથે એક ટાંકીમાં નાખવામાં આવે છે. જ્યાં સ્લેડર દ્વારા નાના કણોમાં વિભાજીત થઈ ટેન્કમાં એકત્રિત થાય છે જે પાચક ટાંકીમાં જાય છે અને પાચક ટાંકીમાં હવાની ગેરહાજરીમાં તેનું દહન- પાચન થાય છે, જે બાયોગેસ સ્વરૂપે મળે છે. જે હોસ્ટેલની મેસ ( ભોજનાલય) માં બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. 

આ પ્લાન્ટની વિશેષતા એ છે કે, કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે. ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગોએ થતા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. અને અન્નના બગાડમાંથી આપણી ગેસની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે. 

નોંધનીય છે કે, દેશના પુનઃપ્રાપ્ય ઊર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 15% છે. પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નક્શા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. દેશના અમૃતકાળ 2047 સુધીમાં વિકસિત ભારતનાં નિર્માણ માટે ઊર્જા આત્મનિર્ભરતા ખૂબ મહત્વની છે. “રિન્યૂએબલ એનર્જી – પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર” ના વિઝન સાથે રિન્યૂએબલ ઊર્જાના વધુને વધુ ઉત્પાદન દ્વારા ઊર્જા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ સુંદર પર્યાવરણ વાળી પૃથ્વી આપવાનું કાર્ય કરશે. ત્યારે વેસ્ટ ફૂડ માંથી બાયોગેસ અને સ્લરી મેળવવાનો આ સ્માર્ટ પ્લાન્ટ આગામી સમયમાં રિન્યૂએબલ ઊર્જાની આગવી ઓળખ બની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news