નીરવ મોદી અને માલ્યા પછી 5 હજાર કરોડ રૂ. લઈને દેશમાંથી ભાગી ગયો આ ગુજરાતી બિઝનેસમેન
હાલમાં બિઝનેસમેનનો આખો પરિવાર નાઇજિરીયા શિફ્ટ થઈ ગયો હોવાની માહિતી મળી છે
Trending Photos
નવી દિલ્હી : નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા પછી હવે ગુજરાતના બિઝનેસમેન નીતિન સંડેસરા હવે દેશ છોડીને નાઇજિરીયા ભાગી ગયો હોવાની ખબર પડી છે. સ્ટર્લિંગ બાયોટેકના માલિક નીતિન સંડેસરા પર 5 હજાર કરોડ રૂ.ના બેંક ગોટાળાનો આરોપ છે. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે નીતિન દુબઈમાં છે પણ ઇડી અને સીબીઆઇના સુત્રો પ્રમાણે તે નાઇજિરીયા ભાગી ગયો છે.
મીડિયા રિપોર્ટપ્રમાણે ઇડી અને સીબીઆઇના સુત્રોએ જણાવ્યું છે કે નીતિન, ભાઈ ચેતન સંડેસરા, ભાભી દિપ્તી સંડેસરા અને પરિવારના અન્ય સભ્યો નાઇજિરીયામાં હોવાની માહિતી મળી છે પણ એને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે નીતિનને દુબઈમાં યુએઇ ઓથોરિટીએ કસ્ટડીમાં લીધો હતો. જોકે પછી આ સમાચાર ખોટા સાબિત થયા હતા. હવે માહિતી મળી છે કે નીતિન અને તેનો પરિવાર ઘણા સમય પહેલાં નાઇજિરીયા ભાગી ગયો છે.
નોંધનીય છે કે ભારત અને નાઇજિરીયા વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સમજુતી નથી જેના કારણે તેને આફ્રિકન દેશમાંથી પરત લાવવાનું મુશ્કેલ બનશે. આ સિવાય સંડેસરા પરિવાર વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર થઈ શકે છે. નીતિન સંડેસરાએ ક્યારેક દેવા વેચવાના કામથી બિઝનેસની શરૂઆત કરી હતી. આ પછી તેમણે તેલ અને રિયલ એસ્ટેટ સહિત અનેક ક્ષેત્રમાં બિઝનેસની શરૂઆત કરી હતી. સંડેસરાપરિવારનો બિઝનેસ ભારત સહિત નાઇજિરીયા, સંયુક્ત આરબ અમીરાત, બ્રિટીશ વર્જિન આઇલેન્ડ, અમેરિકા, સેશલ્સ અને મોરિશીયસમાં ફેલાયેલો છે. નાઇજિરીયામાં તો તેમના તેલના કુવા હોવાની ચર્ચા છે. થોડા સમય પહેલાં ઇડીએ સ્ટર્લિંગ બાયોટેકના દિલ્હી, મુંબઈ, વડોદરા, અમદાવાદ અને સુરત સહિત દેશના અલગઅલગ શહેરોના 50 જેટલા ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે