નશાનું હબ ગણાતા સુરતમાં કરોડોનું ડ્રગ્સ અને 305 કિલો ગાંજો પકડાયો
Trending Photos
સુરત :ગુજરાતમાં હવે ચોકલેટની જેમ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ગુજરાત હવે ડ્રગ્સનું હબ બની ગયું છે. ત્યારે વધુ એકવાર સુરતમાંથી ડ્રગ્સ પકડાયું છે. સુરત સારોલી પોલીસે કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રાજસ્થાની યુવક પાસેથી પોણા બે કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. સારોલી વિસ્તારમાંથી 1.71 કિલો MD ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સની કુલ કિંમત 1 કરોડ 65 લાખ થાય છે.
એક રાજસ્થાની વ્યક્તિ મુંબઈથી MD ડ્રગ્સ લાવ્યો હતો. જેને સુરતમાં સપ્લાય કરવાનું હતું. માહિતીને આધારે સરોલી-પુણા પોલીસે કરોડોનું ડ્રગ્સ પકડ્યું છે. આરોપીએ પોલીસને ઉલ્લુ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને ડ્રગ્સ આપ્યું છે તેનું નામ પણ મળ્યું છે. તપાસ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી છે. ઉલ્લેખનીય કે, હાલમાં જ શરૂ થયેલા સારોલી પોલીસ સ્ટેશનનો આ પહેલો કેસ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ ડ્રગ્સ મામલે ખૂબ ગંભીર છે. સપ્ટેમ્બર 2020 થી ડ્રગ્સના વિરોધમાં ડ્રગ્સ નાબુદીનું કેમ્પઈન શરૂ કરાયું હતું. પોલીસ દ્વારા અવારનવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવે છે. ગુજરાતમાં નશાના રવાડે ચડેલા યુવાનોને નશાથી દૂર રાખવા માટે ગુજરાત પોલીસે નશાના કારોબાર કરતા લોકોને ઝડપી પાડવાની શરૂ કરી છે. ત્યારે સુરતમાં અન્ય એક વિસ્તારમાંથી ગાંજો પકડાયો છે. ગાંજા માટે બહુચર્ચિત ઉત્કલન નગરમાં કતારગામ પોલીસે રેડ પાડી હતી. જ્યાંના એક ઝૂંપડામાં ચોરખાનું બનાવીને રાખવામાં આવેલો 305 કિલો ગાંજા ઝડપાયું છે. આ જથ્થા કિંમત 30 લાખ રૂપિયા થાય છે. ગાંજાને કબજે કરી બે ઈસમોની ધરપકડ કરાઈ છે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નશાનો કારોબાર કરતા ઈસમોને ઝડપી પાડી નશાનો નેટવર્ક તોડી પાડવા માટેની કવાયત શરૂ કરી છે. તેમાં સૌથી આગળ સુરત પોલીસ આવી રહી છે. સુરતમાં નશાના કારોબારના સૌથી મોટા નેટવર્કનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. ત્યારે વધુ એક રેકેટનો પર્દાફાશ સુરતની કતારગામ પોલીસે કર્યો છે. ગાંજા માટે જાણીતું સુરતના કતારગામ પોલીસની હદમાં આવેલા ઉત્કલન નગરમાં કેટલા કિસ્સામાં ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરવા માટે એક ઝૂંપડામાં ચોરખાનું બનાવી ગાંજાનો મોટો જથ્થો સંતાડી રાખ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીને આધારે સુરતની કતારગામ પોલીસે દરોડા પાડી 305 કિલો ગાંજો જેની કિંમત 30,98000 થાય છે તે કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. સુરતના અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસમાં રહેતો અને ઓરિસ્સાના ગજામ જિલ્લાનો વતની મુન્ના પાડી અને તેનો મિત્ર દીપક ઉર્ફે આલોક પાડી લાંબા સમયથી આ વિસ્તારમાં નશાનો કારોબાર કરતા હોવાની વિગતો પોલીસને મળી હતી. ટ્રેન મારફતે ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો મંગાવી બંધ પડેલા ઝૂંપડામાં સંતાડી રાખ્યા હોવાની વિગતો સુરતની કતારગામ પોલીસને મળી હતી. દરોડા પાડતા પોલીસને ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી કોને મોકલ્યો હતો અને સુરતમાં કોણે સપ્લાય કરવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે. જોકે પકડાયેલા ઓરિસ્સાથી કેટલા સમયથી આ પ્રકારે ગાંજાનો જથ્થો મંગાવી વેચાણ કરતા હોવાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે