વાપી : ફાઈનાન્સની ઓફિસ સવારે ખૂલતા જ લૂંટારુઓ ત્રાટક્યા, કર્મચારીઓના મોઢે સેલો ટેપ બાંધી 10 કરોડ લૂંટ્યા
Trending Photos
વાપી :વાપીમાં ધોળે દિવસે કરોડોની લૂંટનો બનાવ બન્યો છે. વાપીના ચણોદ વિસ્તારમાં થયેલી લૂંટની ઘટનાથી વાપીમાં ચર્ચા ચગડોળે ચઢી છે. ચાણોદમાં આવેલા IIFL gold loan નામની ફાઇનાન્સની ઓફિસમાં રૂપિયા 10 કરોડથી વધુની રકમની સનસનીખેજ લૂંટ થઈ છે. અજાણ્યા લૂંટારુઓએ કર્મચારીઓને બંધક બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાઓની લૂંટ (Gold Loot) ચલાવી હતી. લૂંટનો આંકડો 10 કરોડથી વધી શકે તેવી શક્યતા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ગુજરાતનો આ બીચ દેશમાં સૌથી ચોખ્ખો-ચણાક બીચ જાહેર કરાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, ચણોદના ભરચક વિસ્તારમાં આઈઆઈએફએલ (ઈન્ડિયા ઈન્ફોલાઈન) ગોલ્ડ લોન તથા ફાઈનાન્સની ઓફિસ આવેલી છે. સવારે જ્યારે ઓફિસ શરૂ થઈ હતી, ત્યારે પોણા દસ વાગ્યાની આસપાસ આ ઓફિસમાં 6 જેટલા બુકાનીધારીઓ ત્રાટક્યા હતા. બુકાનીધારીઓ રિવોલ્વર તથા ઘાતકી હથિયારો લઈને ઓફિસ પર તૂટી પડ્યા હતા. તેઓએ તમામ કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. સેલો ટેપથી કર્મચારીઓને બાંધી દીધા હતા, તેના બાદ લોકરની ચાવીઓ લઈને 8 કરોડથી વધુનુ સોનુ લૂંટી લીધું હતું. માત્ર 10 થી 15 મિનીટમાં લૂંટારુઓએ ગુનાનો અંજામ આપ્યો હતો અને ફરાર થઈ ગયા હતા.
ઘટનાને પગલે વહેલી સવારે જ વાપી પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો આરોપીઓને પકડવા માટે તાત્કાલિક ધોરણે રસ્તાઓ પર નાકાબંધી કરી દેવાઈ હતી. પોલીસે ઓફિસમાંથી મેળવેલા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જોકે, લૂંટનો આંકડો 10 કરોડથી પણ વધી જાય તેવી શક્યતા છે. વાપીથી મહારાષ્ટ્ર જતી બોર્ડર સહિત જિલ્લા અને રાજ્યમાં પણ નાકાબંધી કરવા સૂચના આપી દેવામાં આવી છે. ઓફિસની બહાર ખાનગી સિક્યુરિટી હોવા છતાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટવામાં આવ્યાં છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે