આ રહ્યું દારૂના અડ્ડાઓનું લિસ્ટ, હવે કરો કાર્યવાહી... ગોપાલ ઈટાલિયાની સુરત પોલીસને ચેલેન્જ
Gopal Italia Challenge Surat Police : સુરતના સરથાણના મહિલા PSIનો પાટીદાર યુવકોના દારૂના વ્યસન અંગે વીડિયો વાયરલ કર્યો... આપના નેતા ગોપાલ ઈટાલિયાએ સામે દારૂના અડ્ડાઓનું આખું લિસ્ટ પોલીસને ધરી દીધું
Trending Photos
Patidar Samaj Youth : પીધેલા 15માંથી 10 યુવાનો પટેલ જ્ઞાતિના હોય છે. એક પાટીદાર દીકરી અને મહિલા PSIએ સમાજને અરીસો દેખાડવાનો પ્રયાસ કર્યો. પરંતું હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. અનેક લોકો આ નિવેદનને વખોડી રહ્યાં છે. તો બીજી તરફ, મહિલા પીએસઆઈનું નિવેદન દારૂબંધીના કાયદાના ચીંથરા ઉડાવતું સાબિત થયું છે. ખુદ મહિલા પીએસઆઈ કહી રહ્યાં છે કે, 15 યુવાનો દારૂ પીએ છે. એનો મતલબ કે, પોલીસ દારૂબંધી ડામવામાં નિષ્ફળ રહી છે. આવામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ સુરત પોલીસને દારૂના અડ્ડાનું લિસ્ટ આપીને કાર્યવાહી કરવા પડકાર ફેંક્યો છે.
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ સુરતમાં દારૂના અડ્ડાનું લિસ્ટ આપતો પત્ર સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં દારૂ બાબતે નેતા, પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠ વિશ્વપ્રસિદ્ધ છે. ગુજરાતનું કોઈ સ્થળ એવું નથી કે જ્યાં દારૂ ન મળતો હોય પરંતુ છતાંય દારૂ અને વ્યસનમુક્તિ બાબતે મોટીવેશનલ સ્પીકર બનવાનો પોલીસનો અધિકાર છે. ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે, કઈ જગ્યાએ રાખે છે, ક્યાંથી વેચે છે એ તમામ બાબતે પોલીસ અજાણ હોય એવું બિલકુલ શક્ય નથી પરંતુ હમણા હમણા સરથાણા પોલીસ સ્ટેશન દારૂ બાબતે ચર્ચામાં આવેલ છે ત્યારે પોલીસની મદદ કરવા માટે સરથાણા વિસ્તારના દારૂના અડ્ડાનું લીસ્ટ મોકલું છું. દારૂનો જથ્થો ઓછો બતાવી ક્વોલીટી કેસને મામુલી કેસમાં ખપાવી દેવાની અને પંચનામા વિગતે નીલ રેઈડ બતાવવાની અદભુત કળા હું પોતે પોલીસમાં હતો ત્યારે જ શીખેલી છે એટલે દારૂના અડ્ડા બાબતે સરથાણા પોલીસ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે એવી મને બિલકુલ આશા નથી અને કાર્યવાહીની અપેક્ષા પણ રાખતો નથી.
સરથાણા વિસ્તારમાં ચાલતા દારૂના પ્રખ્યાત અડ્ડાઓ
(1) શક્તિ વિજય સોસાયટી, આશાદીપ સ્કુલના ગેટની સામે શેરીમાં ડાબી સાઈડનું છેલ્લું મકાન
(2) પટેલ ફળિયું, માટલાવાળું મકાન, આશાદીપ સ્કુલની બાજુમાં, કુબેરનગરની સામે
(3) તાપી કિનારે સરથાણા ગામ, દારૂ ગાળવાની પાંચ ભઠ્ઠીઓ, સરથાણામાં દારૂનો સપ્લાય
(4) સિલ્વર બીઝનેસ હબના પાર્કિંગમાં દારૂ ભરેલી ગાડીઓ રાખી, પાનના ગલ્લેથી સપ્લાય કરે છે
(5) ડાયમંડ નગરમાં ઓછામાં ઓછા 20 થી વધુ દારૂના અડ્ડાઓ આવેલા છે, (ડાયમંડ નગર અત્યાર સુધી સરથાણા પોલીસની હદમાં આવતું હતું, એકાદ મહિનાથી ત્યાં નવું પોલીસ સ્ટેશન બન્યું છે.)
આ ઉપરોક્ત લીસ્ટ સરથાણા વિસ્તારના માત્ર પ્રખ્યાત દારૂના અડ્ડાઓનું લીસ્ટ છે. આ સિવાય પણ અનેક નાના-મોટા અડ્ડાઓ સરથાણામાં ચાલી રહ્યા છે. રોજ રાત્રે પંદર પીવાવાળાને પકડાવાની માથાકૂટ કરવાના બદલે રોજ દિવસે પંદર બુટલેગરોને પકડી લેવામાં આવે તો પણ સરથાણા વિસ્તારમાંથી દારૂનું દુષણ દુર કરી શકાય એમ છે.
મહિલા પીએસઆઈએ શું કહ્યું હતું..
સુરતના સરથાણ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ઉર્વશી મેંદરપાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહિલા પીએસઆઈ એક કાર્યક્રમમાં બોલી રહ્યાં છે. તે કહી રહ્યાં છે કે દારૂ પીધેલા 15 પકડાયેલા યુવાનોમાંથી 10 પાટીદાર યુવાનો હોય છે. મહિલા પીએસઆઈ કહે છે કે પીધેલા પકડાયા બાદ અમને છોડી દેવાની ભલામણ કરાય છે. મહિલા પીએસઆઈ આગળ કહે છે કે સાયબરના નોંધાતા કેસમાં 50 કેસ પટેલ સમાજના હોય છે. મહિલા પીએસઆઈએ આ ટિપ્પણી પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં કરી હતી. મહિલા પીએસઆઈએ આ કાર્યક્રમમાં જે વાત કરી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
તો બીજી તરફ ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલનું પણ સુરતના મહિલા PSIના દારૂને લઈને નિવેદન સામે આવ્યું છે. સમગ્ર મામલે ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામ પટેલે કહ્યું કે, ન માત્ર પાટીદાર સમાજ પણ તમામ સમાજમાં દારૂનું દુષણ વધ્યું છે. સમાજમાં એક-બે ટકા આવા દુષણ હોય છે. સમાજના અગ્રણી તરીકે ક્યારેય પણ ભલામણ ન કરવી જોઈએ. જે ચેતવણી આપી છે એ બરાબર છે પણ જે ટકાવારીમાં અતિશયોક્તિ છે. પાટીદાર સમાજ ક્યારેય વ્યશનને પ્રોત્સાહન આપતું નથી.
PSI ઉર્વિષા મેંદપરા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે પાટીદાર અગ્રણી ડૉ. પરસોતમ પીપળીયાએ કહ્યું કે, PSI દ્વારા જે પાટીદાર યુવાનોને લઈ ટિપ્પણી કરવામાં આવી છે તેનાથી હું સહમત છું. દારૂનું દુષણ હવે ડ્રગ સુધી પણ પહોંચ્યું છે. ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ પણ પકડાઈ રહ્યું છે. એક સમયે દારૂ સાથે કોઈ પકડાઈ તો મોટું ગણાતું હતું હવે દારૂ સાવ સામાન્ય બન્યો છે. સાયબર ક્રાઇમનો ભોગ પાટીદાર યુવાનો ન બને તે માટે સામાજિક સંસ્થાઓએ આગળ આવી સેમિનાર કરવા જોઈએ અને જાગૃતિ લાવવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે