પાટણમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમ
પાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. કોલેજોમાં રેગિંગનો ઈતિહાસ ખુબ જૂનો છે. આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગંભીરતાથી કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે.
Trending Photos
અમદાવાદઃ વર્ષ 2013માં અભિનેતા પરેશ રાવલની એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું ટેબલ નંબર 21.. આ ફિલ્મ ઘણા લોકોએ જોઈ હશે પરંતુ, એ ફિલ્મનો મેસેજ એ હકીકત બહાર લાવવાનો હતો જે શિક્ષણના ધામમાં શિક્ષકોની ગેરહાજરીમાં થાય છે.. આજે એ ફિલ્મની કહાની તમને એટલા માટે યાદ અપાવવી જરૂરી છે કેમ કે, ગુજરાતમાં ફરી આ પ્રકારની ઘટનાઓએ માથુ ઊંચક્યું છે.. પાટણમાં વિદ્યાર્થીને એટલી હદ સુધી પ્રતાડિત કરવામાં આવે છે કે એ વિદ્યાર્થીનો જીવ જતો રહે છે.. કોલેજમાં રેગિંગની ઘટના કેમ ગંભીર છે અને રેગિંગની ઘટનાઓને રોકવા માટે શું નિયમ છે,, જુઓ આ રિપોર્ટમાં..
ત્રણ અક્ષરના આ શબ્દથી કોઈ અપરિચિત નથી, પરંતુ, આ શબ્દની વ્યાખ્યાથી ભયાનક બીજું કંઈ નથી. કોલેજના બંધ રૂમમાં એક જૂનિયર વિદ્યાર્થી પર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી પ્રતાડનાને રેગિંગ કહેવાય છે.. અને આ રેગિંગની વિભિષિકા એવી ભયાનક છેકે, આમાં પીડિત વિદ્યાર્થીનો જીવ પણ જતો રહે છે જેનું વધુ એક ઉદાહરણ પાટણમાંથી સામે આવ્યું.
પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે.. આ મામલે ધારપુર મેડીકલ કોલેજના 15 સિનિયર સ્ટુડન્ટ્સ સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.. તો બીજી તરફ કોલેજ દ્વારા તમામ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.. ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ થયાનું સ્પષ્ટ થયા બાદ કોલેજના સત્તાધીશો બચાવ કરતા કહ્યું હતું કે, અમારા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સમયાંતરે રેંગિંગ બાબતે જાગૃત કરવામાં આવે છે. જો કે, તેમ છતાં રેગિંગના કારણે એક વિદ્યાર્થીનો જીવ જતા સવાલો ઉઠ્યા છે..
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે, UGCએ તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને રેગિંગ અને વિદ્યાર્થીની આત્મહત્યાના વધતા જતા કેસોને ઘટાડવા માટે કડક એન્ટિ-રેગિંગ માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો..
યુજીસીએ કહ્યું હતું કે જો રેગિંગનો કોઈ મામલો પ્રકાશમાં આવશે તો સંબંધિત કોલેજ કે યુનિવર્સિટીના પ્રિન્સિપાલ અને રજિસ્ટ્રારને જવાબદાર ગણવામાં આવશે.. હવે રેગિંગના કિસ્સામાં પ્રિન્સિપાલ અને રજિસ્ટ્રારને નેશનલ એન્ટિ રેગિંગ મોનિટરિંગ કમિટીને જવાબ આપવો પડશે. યુજીસીએ જાહેર કરેલી નોટિસમાં જણાવ્યું હતું કે, રેગિંગ એ ફોજદારી ગુનો છે.. જો કોઈ સંસ્થા રેગિંગને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ જાય અથવા આ નિયમો અનુસાર કાર્ય કરતી નથી અથવા રેગિંગની ઘટનાઓના ગુનેગારોને યોગ્ય રીતે સજા કરવામાં નિષ્ફળ જાય છે તો UGC દ્વારા તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે..
આટલા કડક નિયમો હોવા છતાં પણ રાજ્યમાં રેગિંગની ઘટનામાં ઘટાડો નથી થતો.. રાજ્યની અનેક કોલેજોમાં અવાર નવાર વિદ્યાર્થી પર રેગિંગની માહિતીઓ સામે આવતી રહે છે..
ડિસેમ્બર 2021માં જામનગરની સરકારી ફિઝિઓથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના..
ફેબ્રુઆરી 2022માં અમરેલીની નવોદય સ્કૂલમાં વિદ્યાર્થીનું 5 દિવસ રેગિંગ..
માર્ચ 2022માં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નિવાસી તબીબો દ્વારા રેગિંગ..
માર્ચ 2022માં આણંદની કામધેનું યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનું રેગિંગ..
એપ્રિલ 2022માં અમદાવાદના વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થી સાથે રેગિંગ..
એપ્રિલ 2022માં અમદવાદની GLS કોલેજમાં વિદ્યાર્થિની સાથે થયેલા રેગિંગ..
ઓક્ટોબર 2022માં મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીનું રેગિંગ..
ડિસેમ્બર 2022માં GLS યુનિવર્સિટીમાં ABVPના કાર્યકર્તાઓ દ્વારા રેગિંગ..
ડિસેમ્બર 2022માં બી. જે. મેડિકલ કોલેજમાં 7 જુનિયર ડોક્ટરનું સિનિયર્સ દ્વારા રેગિંગ..
2019માં બી.જે.મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ..
રાજ્યભરમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગના નિયમો અંગે સરકારે આઠ મહિના પહેલા હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યું હતું.. સરકારે દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત રેગિંગ કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો.. કમિટી રચાઈ પણ ખરી પરંતુ, રેગિંગની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે