માઈ ભક્તો શરૂ કરી દો તૈયારીઓ, બે વર્ષ બાદ યોજાશે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો
Ambaji Updates : આગામી 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન અંબાજીમાં યોજાશે ભાદરવી પૂનમનો મેળો.... આ વખતે મોટી સંખ્યામાં ઉમટી પડશે માઈભક્તો.... સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઈન નોંધણી કરવામાં આવશે...
Trending Photos
પરખ અગ્રવાલ/અંબાજી :કોરોનાના બે વર્ષ દરમિયાન અનેક એવા કાર્યક્રમો પર રોક લાગી હતી, જેમાં માનવ મહેરામણ ઉમટી પડતુ હોય. ત્યારે 2022 માં બે વર્ષ બાદ હવે કાર્યક્રમો આયોજિત થઈ રહ્યાં છે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાને પણ મંજૂરી મળી ગઈ છે. ત્યારે અંબાજીમાં આગામી તા. 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે તેવી જાહેરાત તંત્ર દ્વારા કરી દેવાઈ છે.
બે વર્ષ બાદ ફરીથી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાના અંગે પાલનપુર ખાતે બેઠક યોજાઇ હતી. ત્યારે આ વર્ષે ભાદરવી પૂનમમાં વધુ ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે, કારણ કે સતત બે વર્ષ ભક્તો પૂનમથી દૂર રહ્યા હતા. આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાના આયોજન માટે બે મહિના અગાઉથી જ વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવાતી હોય છે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ, કાયદો અને વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હતી. આ વર્ષે અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ કરાશે. ગબ્બરમાં 51 શક્તિપીઠ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો પણ ઉમેરાશે. સાથે જ અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે