ખૂંખાર ગુનેગારોના કચ્છમાં ધામા, પોલીસે કામની શોધમાં આવતા મજૂરોનું રજિસ્ટ્રેશન કમ્પલસરી બનાવ્યું
Kutch Crime News : જ્યારથી મુન્દ્રામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પશૂટરની ધરપકડ કરાઈ છે, ત્યારથી કચ્છ પોલીસ એક્શનમાં આવી છે, પોલીસે ભાડુઆતના રજિસ્ટ્રેશનની કામગીરી વધુ કડક બનાવી છે
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છમાં રોજગારી માટે અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. જોકે તેમની આડમાં ખૂંખાર ગુનેગારો પણ કચ્છમાં પનાહ લેવા લાગ્યા છે. તાજેતરમાં મુન્દ્રામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પશૂટરની ધરપકડ કરાઈ હતી. આવા કુખ્યાત ગુનેગારોને પકડવા અને કચ્છમાં કોઈ ઘૂસણખોરી ના કરી શકે તે માટે હવે ભાડે રહેતા ભાડૂઆતને પોલીસ ચોકીમાં વેરીફાઈ કરવાનું રહેશે. સાથે સાથે મકાન માલિકને પણ વેરીફાઈ કરવાનું રહેશે.
કચ્છમાં રોજગારી માટે અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. જોકે તેની આડમાં ખૂંખાર ગુનેગારો પણ કચ્છમાં પનાહ લેવા લાગ્યા છે. તાજેતરમાં મુન્દ્રામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પશૂટરની ધરપકડ કરાઈ હતી. જેમાં તપાસ દરમિયાન બંને જણાએ પંજાબના સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સામાન્ય રીતે પરપ્રાંતિય વ્યક્તિને મકાન ભાડેથી આપવામાં આવે તો તેની નોંધ પોલીસમાં કરાવવી પડે છે. પણ કચ્છમાં ભાડુઆત નોંધણી માટે કલેક્ટરનું જાહેરનામું અમલમાં હોવા છતાં તેની અમલવારી થતી ન હતી.
જેથી પોલીસવડા સૌરભસિંઘ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ કરાવવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા કુલ 402 ઘર ચેક કરવામાં આવતા તેમાંથી 370 વ્યક્તિઓએ પોલીસમાં ભાડુઆતની નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસની તાકીદ બાદ પશ્ચિમ કચ્છમાં ભાડુઆત નોંધણી માટે મકાનમાલિકોમાં જાગૃત બન્યા હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. શૂટર ઝડપાયા બાદ કચ્છમાં 21 જુનથી 30 જૂન સુધીની ખાસ ડ્રાઇવ આપવામાં આવી હતી, જેમાં SOG સહિત વિવિધ પોલીસમથક દ્વારા કુલ 402 ઘર ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 370 મકાનમાલિક દ્વારા પરપ્રાંતિય વ્યક્તિને મકાન ભાડે આપ્યાની નોંધ પોલીસમાં કરાવતા કોઈ પગલાં નથી લેવાયા. પણ અન્ય 32 કિસ્સામાં નોંધ કરાવી ન હોવાથી તેઓ સામે ફોજદારી ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.
આ વિશે કચ્છના એસપી સૌરભ સિંઘે કહ્યુ કે, ડ્રાઇવ દરમ્યાન સારી કામગીરી થઈ છે, મકાનમાલિકો દ્વારા ભાડુઆતની નોંધ પોલીસમાં કરાવાઇ રહી છે, તેમની સાથે કોન્ટ્રાક્ટરોએ પણ પોતાના મજૂરોની નોંધ પોલીસમાં કરાવી વેરિફિકેશન કરાવવું જરૂરી છે. જેથી પોલીસ તે વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? તે પોર્ટલ મારફતે ચેક કરી શકે, હજી પણ જે લોકોએ ભાડુઆત કે મજૂરોની નોંધણી કરાવી નથી. તેઓ નજીકના પોલીસ મથકમાં જઈ પોલીસ વેરિફિકેશન કરાવી લે તે ફરજીયાત બનાવાયુ છે. પરપ્રાંતિય લોકો જ્યારે મકાનમાં ભાડેથી રહેવા માટે આવે ત્યારે મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકે તેઓનો ઓળખપત્ર તથા તેઓના ફોટોગ્રાફ સહિતની વિગતો મેળવી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જે મકાનમાલિકોએ ભાડુઆતની જાણ પોલીસને કરાવી ન હતી તેવા કિસ્સામાં ગુનો રજિસ્ટર કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં માનકુવા, માધાપર, મુન્દ્રા, નખત્રાણા, દયાપર અને એસઓજી દ્વારા કોર્ટમાં જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : લવ જેહાદની હચમચાવી દેતી ઘટના, યુવકે કરોડપતિ બિલ્ડરની દીકરીને શરીર પર બ્લેડના 500 ઘા મારવા મજબૂર કરી
પોલીસમથકે રૂબરૂ જઇને પોતાના ભાડુઆતની નોંધણી કરાવી શકાય છે અથવા તો ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ એપમાં પણ ઘરેબેઠા ભાડુઆતની નોંધ દાખલ કરાવી શકાય છે. અથવા તો નજીકના પોલીસ મથકમાં જઇને પણ મદદ લઇ શકાય છે.
કચ્છ જિલ્લામાં બે બંદરો ઉપરાંત મોટી સંખ્યામાં ઉદ્યોગો આવેલા હોવાથી અહીં દેશના વિભિન્ન રાજ્યોમાંથી લોકો મજૂરી માટે આવતા હોય છે. તેમાંય મુન્દ્રા, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ઉદ્યોગો વધુ હોવાથી અહીં પરપ્રાંતીય લોકોની અવરજવર વધારે છે, ત્યારે અહીં રહેતો વ્યક્તિ ખરેખર મજૂર છે કે પછી ગુનેગાર છે તેની જાણ રહેતી નથી. અગાઉ પણ ઘણા કુખ્યાત ગુનેગારો કચ્છમાંથી ઝડપાઈ ચુક્યા છે, ત્યારે આ સરહદી જિલ્લો હવે ધીરેધીરે ગુનાખોરીના જોક તરફ ઢળી રહ્યો હોય તેવો તાલ વર્તાઈ રહ્યો હોવાથી પરપ્રાંતિય વ્યક્તિઓને મકાન ભાડે આપ્યાની જાણ પોલીસમાં કરાવવા માટેનો કાયદો કડક બનાવવામાં આવ્યો છે. જેમાં ફોજદારી ફરિયાદ સહિતના પગલાં લેવાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે