અંબાજીમાં સતત પાંચમા દિવસે વેપારીઓનો બંધ, પ્લાસ્ટિક પર પ્રતિબંધનો વિરોધ
પોલીસે અત્યાર સુધી 9 વેપારીની ધરપકડ કરી છે અને 11 સામે ફરિયાદ દાખલ કરી છે, દરેક વેપારીને જામીન મળે ત્યાર બાદ જ બજાર ચાલુ કરવા વેપારીઓ મક્કમ, આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ભાદરવી પુનમનો મેળો
Trending Photos
અંબાજીઃ અંબાજીમાં સતત પાંચમાં દિવસે વેપારીઓએ બંધ પાળ્યો છે. વેપારીઓ સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ પર લગાવાયેલા પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. પોલીસ દ્વારા આ મામલે અત્યાર સુધી 9 વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને જામીન ન મળતાં હવે અંબાજીના વેપારીઓએ જ્યાં સુધી વેપારીઓ જેલમુક્ત ન થાય ત્યાં સુધી દુકાનો ન ખોલવાનો નિર્ણય લીધો છે.
આવતીકાલે બુધવારથી અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવા જઈ રહ્યો છે. પગપાળા યાત્રીઓ અને શ્રદ્ધાળુઓનું અંબાજીમાં આગમન શરૂ થઈ ગયું છે ત્યારે બજારો બંધ જોવા મળતાં તેઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
છેલ્લા પાંચ દિવસથી તંત્ર અને વેપારીઓ સામ-સામે આવી ગયા છે. એક બાજુ તંત્ર પોતાના પ્લાસ્ટિકના ઉપયોગ પરના પ્રતિબંધના ચાલુ રાખવા મક્કમ છે તો બીજી બાજુ વેપારીઓ પણ ભાદરવી પૂનમના મહામેળાને અનુલક્ષીને તંત્ર પર દબાણ લાવી રહ્યા છે. વિરોધ પ્રદર્શન બાદ પોલીસે અત્યાર સુધી 9 વેપારીઓની ધરપકડ કરી છે અને અન્ય 11 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
સોમવારે કોર્ટે ધરપકડ કરાયેલા 9 વેપારીઓને જામીન આપવાની ના પાડી દીધી હતી. આ કારણે વેપારીઓનો રોષ વધુ ભભુક્યો છે. હવે તેમણે ચિમકી આપી છે કે જ્યાં સુધી જયાં સુધી ધરપકડ કરાયેલ વેપારીઓ જેલમુકત નહીં થાય ત્યાં સુધી અંબાજી બંધ રહેશે. એક પણ વેપારી દુકાન ખોલશે નહીં.
અહીં, ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રદૂષણને ઘટાડવા માટે દેશનાં તમામ યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરેલી છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. દેશનાં જાણીતા પ્રવાસનસ્થળો ઉપર તો પ્લાસ્ટિક પ્રતિબંધનો અમલ પણ શરૂ કરી દેવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે