પહેલા જ વરસાદમાં AMCની પોલ ખુલ્લી પડી, જાણો આજે અમદાવાદીઓને કેવી મુશ્કેલીઓ સર્જાઈ
ધરણીધરથી માણેકબાગ ચાર રસ્તા થઇ હિંમતલાલ તરફ જતા રોડ ઉપર પણ પાણી ભરાતા ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. એવી રીતે એસજી હાઈવે નજીક પણ ટ્રાફિકજામ થયો હતો. લોકોએ લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાવવું પડ્યું હતું.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: આજે સમીસાંજે શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે સામાન્ય વરસાદમાં amc ની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરમાં એક સામાન્ય વરસાદમા જ AMC ની પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયાં છે. વરસાદ પડતા ચારે તરફ ઠંડક તો પ્રસરાઈ પણ તેની સાથોસાથ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાહદારીઓ મુશ્કેલીમાં પણ મુકાયા હતા. જ્યારે બોપલ-ઘુમા, સરખેજ, સનાથલ, બાકરોલ વરસાદથી લાઈટો ગુલ થઈ ગઈ હતી. જો કે વીજ કંપનીઓએ ભારે જહેમત ઉઠાવી અડધી કલાકમાં જ વીજ પૂરવઠો પૂર્વવત કર્યો હતો. વરસાદને પગલે દાળવડાની લારીઓ પર અમદાવાદીઓની ભારે ભીડ જોવા મળી હતી.
મળતી માહિતી પ્રમાણે, ધરણીધરથી માણેકબાગ ચાર રસ્તા થઇ હિંમતલાલ તરફ જતા રોડ ઉપર પણ પાણી ભરાતા ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. એવી રીતે એસજી હાઈવે નજીક પણ ટ્રાફિકજામ થયો હતો. લોકોએ લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાવવું પડ્યું હતું. એવામાં એક એમ્બયુલન્સને પણ નીકળવામાં મુશ્કેલી પડી હતી. રવિવારે સમી સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મ્યુનિસિપલ તંત્રના પાપે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. રવિવારની રજાના માહોલમાં લોકો બહાર નીકળ્યા હતા, ત્યારે સમીસાંજે ભારે પવનના કારણે સેંકડો વૃક્ષ ધરાશાયી થયા. વૃક્ષો ધરાશાયી થતા અનેક માર્ગો પર ત્રાફિક જામ જોવા મળ્યો હતો.
તંત્ર દ્વારા મોડે મોડે રોડ ક્લિયર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી પ્રમાણે શહેરમાં પડેલા વરસાદમા કુલ 35 ઝાડ પડવાની ઘટના બની છે. સત્તાધાર પાસે એક રીક્ષા ઉપર ઝાડ પડતા ત્રણ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એવી જ રીતે વસ્ત્રાપુર ક્રોસિંગ પાસે ઝાડ પડતા એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી વ્યક્તિને એમ્બયુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો.
અમદાવાદમાં બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વેજલપુર, પ્રહલાદનગર, ઘાટલોડિયા, પાલડી, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા બે દિવસથી શહેરમાં ગરમીનો પ્રમાણ વધ્યું હતું, એવામાં બફારો વધતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા.
શહેરના શ્યામલ, પાલડી, માણેકબાગ જેવા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામ થયો તો વરસાદ પડ્યાના માત્ર બે જ કલાકમાં ફાયર વિભાગને ઝાડ પડવાના 14 કોલ આવ્યા હતા. ઝાડ પડવાના કારણે પણ ટ્રાફિક જામ થયો અને ઓફિસથી ઘરે જતા લોકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
મહત્વનું છે કે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં આવતા જોધપુર, સેટેલાઈટ, બોપલ ઘુમા, ઇસ્કોન, આશ્રમરોડ વાડજ ઉસ્માનપુરા, સરખેજ,પાલડી, એલિસબ્રિજ સહિતના વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. એવી રીતે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો અડધો ઇંચથી પણ ઓછો વરસાદ પડયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે