Bhavnagar: તૌકતે વાવાઝોડાના 42 દિવસ બાદ પણ અંધારપટ યથાવત, મોબાઇલ ચાર્જ કરવા જવું પડે છે દૂરના ગામો સુધી
મોબાઈલ, લેપટોપ કે ટેબલેટ ને ચાર્જ કરવા માટે લાઈટની જરૂર પડે છે. પરંતુ વીજ પુરવઠો બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને મોબાઈલ વગેરે ચાર્જ કરવા દૂરના ગામો સુધી જવું પડે છે.
Trending Photos
નવનીત દલવાડી, ભાવનગર: તૌકતે વાવાઝોડા (Tauktae Cyclone) ના 42 દિવસ બાદ પણ ભાવનગર (Bhavnagar) જિલ્લાના 20 ટકા વાડી વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે. ખેતી વાડી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં વીજ વિભાગ નિષ્ફળ નિવડયું છે. જિલ્લાના સિહોર તાલુકાના દસથી વધુ ગામોના વાડી વિસ્તારમાં હજુ સુધી વીજ જોડાણ પુનઃ શરૂ નહિ થતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે લાઈટ વગર અભ્યાસ ન કરી શકતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.
સિહોરના 20 ટકા ખેતીવાડી વિસ્તારોમાં લાઈટ નથી
ભાવનગર (Bhavnagar) જિલ્લાના અનેક તાલુકા વિસ્તારના ખેતીવાડી વિસ્તારોમાં હજુ સુધી વીજ પુરવઠો શરૂ કરવામાં વીજ કંપની ને વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સિહોર તાલુકાના અગીયાળી, દેવગાણા, તરકપાલડી, ખોખરા, રબારીકા, રાલનપર, બોરડી અને જાંબાળા ગ્રામ્ય પંથક ના વાડી વિસ્તારમાં હજુ પણ અંધારપટ યથાવત જોવા મળી રહ્યો છે.
તૌકતે વાવાઝોડું (Tauktae Cyclone) પસાર થઈ ગયાં ને આજે 42 દિવસ વિતી ચૂક્યા છે. વાવાઝોડાના કારણે ધરાશાઈ થઈ ગયેલા હજજારો વીજપોલને ફરી ઉભા કરવા અને ઝડપથી વીજ પુરવઠો ચાલુ કરવા વીજ વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. જેના કારણે ગ્રામ્યના 100 ટકા રહેણાંકી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. પરંતુ જિલ્લાના 20 ટકાથી વધુ વાડી વિસ્તારમાં વીજ પુરવઠો હજુ પણ બંધ છે. જેને ઝડપથી ફરી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
માલઢોર અને પીવા માટે ટાંકા મંગાવવા પડે છે
સિહોર (Sihor) તાલુકાના અગીયાળી, દેવગાણા, તરકપાલડી, ખોખરા સહિત ના 10 થી વધુ ગામોના ખેતીવાડી વિસ્તારના ખેડુતો આજે પણ વીજ પુરવઠો પુનઃ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ વિસ્તારમાં હજુ અનેક વીજપોલ રોડ પર પડેલા જોવા મળી રહ્યા છે. જ્યારે રસ્તામાં પડેલા વીજ વાયરો રાહદારીઓ, વાહન ચાલકો અને માલઢોર માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. ખેડૂતોએ વહેલા વરસાદ પડી જતા વાવણી શરૂ કરી દીધી હતી. પરંતુ સિહોર પંથકમાં હજુ પણ જોઈએ તેવો વરસાદ નહિ થતાં ખેતીવાડીમાં પિયત માટે લાઈટ ની જરૂર પડે છે. જ્યારે માલઢોર માટે પણ દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે તેમજ રૂપિયા ખર્ચીને પાણીના ટાંકા મંગાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
વિદ્યાર્થીઓને લાઈટ બંધ હોવાથી અભ્યાસમાં મુશ્કેલી
હાલ કોરોનાકાળ (Coronavirus) ચાલતો હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે. જેના કારણે મોબાઈલ, લેપટોપ કે ટેબલેટ ને ચાર્જ કરવા માટે લાઈટની જરૂર પડે છે. પરંતુ વીજ પુરવઠો બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને મોબાઈલ વગેરે ચાર્જ કરવા દૂરના ગામો સુધી જવું પડે છે. જેના કારણે સમય નો પણ બગાડ થાય છે જેથી વહેલી તકે વીજ પુરવઠો શરૂ કરવા વિદ્યાર્થીઓની પણ માંગ છે.
અમે ટીમો બનાવી કામગીરી કરી રહ્યા છીએ
ભાવનગર (Bhavnagar) ડિવિજન અધિકારી પી.સી પંચાલે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે વીજ વિભાગને ખૂબ મોટું નુકશાન થયું હતું. જેમાં 6 હજારથી વધુ વીજપોલ અને 1 હજારથી વધુ ટ્રાન્સફોર્મર પડી ગયા હતા. છતાં ગુજરાત ના બીજા જિલ્લાઓ માથી ટીમો બોલાવી અમે કામગીરી કરી રહ્યા છીએ. પરંતુ વરસાદ (Rain) ના કારણે કામગીરીમાં અડચણ ઊભી થઈ રહી છે. પણ ઝડપથી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવે એ માટે કામગીરી સતત ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે