કૂવા પાસે તરસ્યા જેવી હાલતમાં જીવતા છોટાઉદેપુરના 14 ગામોના ખેડૂતો કરશે ચૂંટણીનો બહિષ્કાર
Trending Photos
જમીલ પઠાણ/છોટાઉદેપુર :નર્મદાની મુખ્ય કેનાલની નજીક જ આવેલા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના 14 ગામના લોકો 20-20 વર્ષથી એક જ માંગ કરી રહ્યા છે. તેમની માંગ માત્ર પાણી છે. જોકે, પોતાની સમસ્યા નિવારવા અને સિંચાઈનું પાણી ના મળતા તમામ ગામોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
છોટાઉદેપુર જિલ્લાના બૉડેલી તાલુકાના સાલપુરા, કડીલા, ચારોલા,બામરોલી, પોપડીયા, સમધિ, પાટણા, પીઠા, ગરોલ, નવાપુરા, કઠમાંડવા ઉંચેટ, સહિત 14 ગામ નર્મદાની મુખ્ય કેનાલની નજીક જ આવેલા છે. પરંતુ કહેવાય છે ને કે. કૂવા પાસે તરસ્યા જેવી હાલત આ ગામનાં ખેડૂતોની છે. વર્ષોથી આ ગામોના ખેડૂતો નર્મદાની કેનાલનું પાણી આપવા માટે માંગ કરે છે. પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. આ વિસ્તારના ખેડૂતો ફક્ત ચોમાસા ખેતી ઉપર જ નિર્ભર છે. જો કોઈ ખેડૂત બકનળી નાંખી કેનાલમાંથી પાણી લે તો તેના સામે આકરી કાર્યવાહી કરવામાં આવે છે. પોતાની વર્ષોની માંગ ન સંતોષાતા આ વખતે આ 14 ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો : બે પત્નીઓ વચ્ચે પતિનો મરો... ભાજપા નેતાની બે પત્નીઓ અલગ અલગ પક્ષમાંથી લડી રહી છે ચૂંટણી
ચારોલ ગામના ખેડૂત કનકસિંહ બારીયા કહે છે કે, ખેડૂતોનું માનીએ તો વીસ વર્ષ પહેલાં આ વિસ્તારના કેટલાક ગામના ખેડૂતોને સુખી સિંચાઈ યોજનામાંથી કેનાલ મારફતે પાણી મળતું હતું. પરંતુ નર્મદા કેનાલ અસ્તિત્વમાં આવતાં સુખી યોજનાની કેનાલને બંધ કરી દેવાઈ હતી. ખેડૂતોને હતું કે, નર્મદાનું પાણી મળશે અને ખેડૂતોનું કલ્યાણ થશે. પરંતુ કેનાલ માટે પોતાની જમીનો આપનાર આ વિસ્તારના ખેડૂતો આજ દિન સુધી સિંચાઈના પાણીથી વંચિત છે.
તમામ ગામના ખેડૂતોએ અવારનવાર નેતાઓને તેમજ અધિકારીઓને રજૂઆત કરવાં છતાં કોઈ ઉકેલ આવતો નથી. ચૂંટણી આવે એટલે નેતાઓ મત માંગવા આવી જાય અને પાણી આપવાનું વચન પણ આપે છે, પરંતુ ત્યારબાદ કોઈ દેખાતા સુદ્ધા નથી. જેથી આખરે હવે આ 14 ગામના ખેડૂતો એકઠા થઈ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
પોપડીયા ગામના એક ખેડૂત કમલેશ બારીયાએ જણાવ્યું કે, નેતાઓ આવે છે અને સારી સારી વાણીનો ઉપયોગ કરે છે. પરંતુ તેમને સારી વાણી નહિ પણ પાણીની જરૂર છે. નર્મદાની મુખ્ય કેનાલ પાસેના વિસ્તારના ગામોની જમીનો પાણી વિના બંજર બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે