અશોક ગેહલોતે ગુજરાતીઓને દારૂડિયા કહ્યાં, તેમણે માફી માગવી જોઇએ: CM રૂપાણી
ગુજરાતમાં દારૂબંધી પર અશોક ગેહલોતના નિવેદનનો સીએમ રૂપાણીએ પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે. ત્યારે દારૂબંધી પર અશોક ગેહલોતે કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરે ઘરે દારૂનું વેચાણ થઇ રહ્યું છે. હું દારૂબંધીનું સમર્થન કરું છું પરંતુ ગુજરાતમાં સૌથી વધુ દારૂની ખપત થઇ રહી છે
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાતમાં દારૂબંધી પર અશોક ગેહલોતના નિવેદનનો સીએમ રૂપાણીએ પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે. ત્યારે દારૂબંધી પર અશોક ગેહલોતે કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરે ઘરે દારૂનું વેચાણ થઇ રહ્યું છે. હું દારૂબંધીનું સમર્થન કરું છું પરંતુ ગુજરાતમાં સૌથી વધુ દારૂની ખપત થઇ રહી છે. ગુજરાત સરકાર દારૂબંધી રાખવા પર નિષ્ફળ રહી છે. જેને લઇને અશોક ગેહલોતના નિવેદન પર સીએમ રૂપાણીનો પલટવાર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગેહલોતે સાડા છ કરોડ ગુજરાતીઓનું અપામન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડિયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. અશોક ગેહલોતે ગુજરાતના લોકોની માફી માગવી જોઇએ.
અશોક ગેહલોતનાના નિવેદન પર સીએમ રૂપાણીએ જણાવ્યુ હતું કે, મને એવું લાગે છે કે, એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને એમાં પણ રાજસ્થાનમાં બધી જ લોકોસભાની સીટ હારી ગયા પછી, હજી કોંગ્રેસના લોકોમાં કળ વળી નથી. અને બધા લોકો પોતાના જીભ અને મગજનું જે જાડોણ તૂટી ગયા હોય એવું લાગે છે. ગેહલોતજીએ ઘરે ઘરે દારૂ પીવાય છે આ નિવેદન આપીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપામન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડિયા કીધા છે, એમને શોભતું નથી. ગુજરાતની કોંગ્રેસે તેનો જવાબ આપવો પડે અને અશોક ગેહલોતે ગુજરાતના લોકોની માફી માગવી જોઇએ.
રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની ચૂંટણી જીતાડી ના શક્યા એટલે ગુજરાતીઓ પર ગમેતેવા આક્ષેપો કરવા તેમને શોભતું નથી. ગુજરાતીઓ તેમને માફ નહી કરે. ગુજરાતીઓને દારૂડિયા કહેવા એટલે સમગ્ર ગુજરાતનું અપમાન કર્યું છે. ગુજરાત તેમને ક્યારે માફ નહીં કરે. ગેહલોતે માફી માગવી જોઇએ. વધુમાં સીએમ રૂપાણીએ જણાવ્યુ હતું કે, 'કોંગ્રેસનાં લોકોને ગાંધી પણ ગમતા નથી, સરદાર પણ ગમતા નથી, ગુજરાત પણ ગમતું નથી અને મોદી તો આંખમાં કણાંની જેમ ખૂંચે છે. ત્યારે આ બધો બકવાસ થઇ રહ્યો છે તેમ હું માનું છું.
આ પણ વાંચો:- રિસર્ચમાં જાણવા મળ્યું માયોસેન યુગમાં ગુજરાતના આ જિલ્લામાં વસતા હતા હિપોપોટેમસ અને જિરાફ
રાજસ્થાનની જનતા ઇચ્છતી હતી કે અહીં દારૂબંધી થાય. પરંતુ નશામાં ચૂર એવી કોંગ્રેસે આ વાત સમજવાને બદલે સીધો ગુજરાતમાં ગુજરાતીઓ ઘરે ઘરે લોકો દારૂ પીવે છે વાત કરીને ગુજરાતનું જે અપમાન કરવાની ચેષ્ટા કરી છે. ગુજરાતીઓ કોંગ્રેસને માફ નહીં કરે.' તો બીજી તરફ અશોક ગેહલોતના નિવેદન અંગે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ નિવેદન આપતા જણાવ્યું કે, અશોક ગેહલોતના નિવેદનથી હું સહમત છું. ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર દારૂ મળે છે.
થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રીના વિસ્તારમાં દારૂ પકડાયો હતો. ગુજરાતમાં સરળતાથી દારૂ મળે છે એ મુખ્યમંત્રીએ સ્વીકારવું જોઈએ. અશોક ગેહલોતને માફી મંગાવવા કરતા દારૂબંધીનો કડક અમલ કરાવવો જોઈએ. હું કે મારો પરિવાર દારૂ પીવે છે તે પ્રશ્ન હાલ ગેરવ્યાજબી છે. ગુજરાતની અંદર ક્યારેય આવું બન્યું નથી. ગુજરાતની બહાર જઇને દારૂ પીવોએ વ્યક્તિગત બાબત છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે