બિપોરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા વેરવિખેર; જડિયામાં તબાહીના દ્રશ્યો, ગામજનો રડી પડ્યાં
Cyclone Biporjoy: બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 2 લોકોનાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. પૂરના પાણીમાં ગાડી તણાતાં એકનું મોત તો ખેતરમાં પૂરનું પાણી આવી જતાં એક ખેડૂતનું મોત થયું છે.
Trending Photos
Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાથી બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી ભારે તબાહી જોવા મળી છે. ધાનેરાના જડિયા ગામે વરસાદના પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જડિયા ગામે 200થી વધુ મકાનોમાં નુકસાન થયું છે. તો પૂર આવતા ઘરવખખરી અને પાક તણાઈ જતા લાખોનું નુકસાન થયું છે.
બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 2 લોકોનાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. પૂરના પાણીમાં ગાડી તણાતાં એકનું મોત તો ખેતરમાં પૂરનું પાણી આવી જતાં એક ખેડૂતનું મોત થયું છે. શનિવારે રાત્રે ભારે વરસાદથી ગામમાં 5 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. જેમાં દૂધ મંડળીમાં ભારે નુકસાન સાથે ગૌશાળાની 25 ગાયોના મોત થયા હતા. તો તબાહી બાદ ગામમાં પહોંચેલા કલેક્ટરે હાલ તો લોકોને સહાયની ખાત્રી આપી છે. પરંતુ હાલ કાદવ-કીચડના સામ્રાજ્યમાં રહેવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદે બનાસકાંઠાને ઘમરોળ્યું
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પાલનપુર-દાંતીવાડામાં પણ 6-6 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબકતા નદીઓમાં નવા નીર આવ્યાં છે.
અમીરગઢના વીરમપુરથી ભાટવાસની હદમાં આવેલા ચનવાયા ગામના રોડનું નાળું તૂટી જતાં 3 ગામો સંર્પક વિહોણા બન્યાં હતાં. જેથી લોકોને હાલાકી પડી રહી છે. જોકે, ભારે વરસાદ પડતા બનાસ નદીમાં નવા નીરની પણ આવક થઈ છે. તેમજ ધાનેરાના આલવાડા ગામના વહેણમાં 8 લોકો ફસાયા હતા. જેમાંથી 7 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એકની લાશ હાથ લાગી હતી. આ ઉપરાંત ધાનેરાના જોડિયા ગામમાં પાણી ઘૂસ્યાં હતાં. જેથી 15થી વધુ પશુનાં મોત થયાં હતાં.
10 ગામને જોડતો રસ્તો ધોવાઈ જતા વાહનવ્યવહાર ઠપ
બે દિવસથી બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખેતરો તળાવમાં ફેરવાયા છે તો નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદ અને પવનના કારણે ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ આજે ધાનેરાના બાપલાથી કુંડી જતો રોડ ધોવાઈ ગયો છે. ભારે પાણીની આવકના કારણે રોડ તૂટી ગયો હતો. તમને જણાવી દઈએ કે, 10થી વધારે ગામડાંઓને જોડતો રોડ તૂટતા વાહન વહેવાર ઠપ થઈ ગયો છે. મોડી રાતે તોફાની વરસાદ બાદ રોડ રસ્તા તૂટ્યા છે. અનેક ગામડાંઓમાં અવરજવર કરવી મુશ્કેલ બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે