કોઈ વિદેશીની રિક્વેસ્ટ આવે તો સાવધાન, સોશિયલ મીડિયા પર આ રીતે થાય છે ઠગાઈ
ફેસબુક, વોટસઅપ કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વિદેશી વ્યક્તિનો ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સાવધાન થઈ જજો. સોશિયલ મીડિયા પર થતી મિત્રતામાં તમામ લોકો પર વિશ્વાસ મૂકવો ક્યારેક ભારે પણ પડી શકે છે.
Trending Photos
નિલેશ જોશી/ દમણ: રાજ્યના પડોશમાં આવેલા સંગપ્રદેશ દમણ પોલીસે નાઈઝીરીયન ઠગ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા એક આંતરરાષ્ટ્રીય સાઈબર ઠગાઈના મસ મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દમણ પોલીસને મળેલી આ સફળતામાં દેશની રાજધાની દિલ્હીમાં બેસી અને દેશના વિવિધ રાજ્યો અને દુનિયાના અનેક દેશોમાં ચલાવવામાં આવતા સાયબર ઢગાઈનું એક મસમોટું રેકેટ ચલાવતા નાઈઝીરીયન મહાઠક ગેંગના એક સાગરીતને પણ દબોચવામાં સફળતા મળી છે. આથી દમણ પોલીસે આ નાઈજિરિયન મહાઠગની ધરપકડ કરી દિલ્હીથી સમગ્ર દેશ અને દુનિયામાં ચાલતા આંતરરાષ્ટ્રીય સાઈબર ઠગાઈના રેકેટના મૂળ સુધી પહોંચવા તળીયા ઝાટક તપાસ હાથ ધરી છે.
ફેસબુક, વોટસઅપ કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વિદેશી વ્યક્તિનો ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સાવધાન થઈ જજો. સોશિયલ મીડિયા પર થતી મિત્રતામાં તમામ લોકો પર વિશ્વાસ મૂકવો ક્યારેક ભારે પણ પડી શકે છે અને આપે મોટું આર્થિક નુકસાન પણ સહન કરવાનો વારો આવી શકે છે. સંઘપ્રદેશ દમણમાં પણ એક વર્ષ અગાઉ દમણના એક વ્યક્તિને ફેસબુક પર ફિલીપ નામના એક વિદેશી વ્યક્તિનું ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. આથી દમણના આ ફરિયાદીએ એફ. બી પર આવેલી ફિલીપ નામના વિદેશી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટને સ્વીકારી અને દોસ્ત બનાવે છે. ત્યારબાદ ફિલિપ નામ આપી અને દોસ્ત બનેલો આ વિદેશી વ્યક્તિ ફરિયાદી સાથે અવાર નવાર ફેસબુક પર વાતચીત શરૂ કરે છે. વાતચીતના સિલસિલાના થોડા સમય બાદ ફીલીપ નામના વ્યક્તિએ દમણના ફરિયાદીને જણાવ્યું કે તેણે તેના મિત્ર માટે કરોડો રૂપિયાની મોંઘીદાટ એક ગિફ્ટ મોકલાવી છે. આથી તે ગિફ્ટ મળે ગિફ્ટ સ્વીકારવા જાણ કરી હતી. ત્યારબાદ કસ્ટમના અધિકારી તરીકેની ઓળખ આપી એક વ્યક્તિ ફરિયાદીને ફોન કરે છે. આથી ફરિયાદી સાથે થયેલી વાતચીત મુજબ કથિત કસ્ટમ અધિકારીએ દમણના ફરિયાદીને જણાવ્યું કે વિદેશથી તેમના માટે 1 કરોડ અને 39 લાખ રૂપિયાની કિંમતની મોંઘીદાર ગિફ્ટ આવી છે. તેને છોડાવવા માટે 10 લાખ રૂપિયા ચાર્જ લાગશે.
આથી કરોડોની ગિફ્ટની લાલચે ફરિયાદીએ ગમે તેમ કરીને 10 લાખ રૂપિયા જણાવેલા એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. પરંતુ ત્યારબાદ ફરિયાદીને ન કોઈ ગિફ્ટ મળી કે ના તેના રૂપિયા પાછા મળ્યા. આથી પરિસ્થિતિ પારખી ગયેલા ફરિયાદીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માની દમણ પોલીસનો સંપર્ક કર્યો હતો. અને દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ દાખલ થતા જ દમણ સાઇબર પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી. અને આખરે હવે દમણ પોલીસની મહેનત રંગ લાગી છે. પોલીસે આ ફરિયાદના મામલામાં દિલ્હીથી મૂળ નાઈઝીરીયન વ્યક્તિ એવા બેસીલ એડેકે ઓડીનીકપો નામના આરોપીને ધબોચી લીધો છે. ત્યારબાદ તેની આગવી ઢબે પૂછપરછ અને તપાસ કરતા આરોપી પાસેથી 12 ડેબિટ એટીએમ કાર્ડ, 14 સીમ કાર્ડ , 12 મોબાઇલ ફોન, 6 ડોંગલ અને બેન્કની પાસબુક અને ચેકબુક પણ પોલીસને હાથ લાગી છે.
દમણ પોલીસે વિદેશી નાઈજીરીયન આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને અનેક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. જે મુજબ આ ગેંગના પોલીસના હાથે લાગેલો આરોપી અને ગેંગના અન્ય સાગરીતો દેશની રાજધાની દિલ્હીમાં બેસી અને દેશના અનેક રાજ્યો અને દુનિયાના અનેક દેશોમાં સાઇબર ઠગાઈ કરતી મહાઠગ નાઈઝીરીયન સાયબર ઠગ ગેંગનો સાગરીત હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગના સાગરીતો સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીયોને મિત્ર બનાવે છે અને ત્યારબાદ મિત્રતાના બહાને ભારતીય નાગરિકોના ભોળપણનો લાભ લઈ અને મિત્રતાના નામે તેમની પાસે બેંકની વિગતો માંગે છે. ત્યારબાદ મોટી લાલચ આપી અને તેમની સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી અને રૂપિયા ચાઉ કરી જાય છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગના સાગરીતો દેશની રાજધાની દિલ્હીમાં બેસી અને સાઇબર ઠગાઈ કરતા હતા. ત્યારબાદ દિલ્હીના મોહન ગાર્ડન , ઉત્તમનગર, મહાવિર અંકલેવ અને ચંદન વિહાર જેવા વિવિધ વિસ્તારોના એટીએમ માંથી પૈસા ઉપાડી અને ઠગાઈની રકમ ગજવે કરી લેતા હતા.
આમ દમણ પોલીસને આ આંતરરાષ્ટ્રીય સાઈબર ઠગાઈ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. જોકે શરૂઆતમાં આ ગેંગ સુધી પહોંચવા દમણ પોલીસ પાસે કોઈ ઠોસ સબૂત હતા નહીં. તેમ છતાં પોલીસે ઝીણવટ પૂર્વક તપાસ કરતા મસમોટા આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઇ રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે.
દમણ પોલીસે અત્યારે આ કેસમાં આરોપી પાસેથી અનેક મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા છે. આ રેકેટ કઈ રીતે ચાલતું હતું? અને રેકેટના મુખ્ય સૂત્રધાર કોણ છે..? તે તમામ સવાલોના જવાબ મેળવવા અને આ નાઈઝીરીયન મહાઠક ગેંગના અન્ય સાગરીતોને ઝડપવા તપાસ તે જ કરી છે. આથી દમણ પોલીસની આગામી તપાસમાં આ રેકેટમાં આ ઠગ ગેંગ એ અન્ય ક્યાં ક્યાં અને કોની સાથે કેટલી ઠગાઈ કરી છે, તેના અનેક ચોંકાવનાર ખુલાસા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે