હું આજથી ગુજરાતનો મુખ્યમંત્રી નથી... માધવસિંહના એક ધડાકાથી ગુજરાતનું રાજકારણ કેવી રીતે બદલાયું, જાણો કિસ્સો
Gujarat Elections 2022 : જ્યારે કોંગ્રેસના નેતાઓ જ માધવસિંહની સામે પડ્યા હતા અને માધવસિંહ સોલંકીને રાજીનામુ આપવું પડ્યું... રોચક છે ગુજરાતની રાજનીતિનો આ કિસ્સો
Trending Photos
ચિંતન ભોગાયતા/અમદાવાદ :‘ધારાસભ્યોની બેઠક ચાલી રહી હતી અને એટલામાં અચાનક ફોનની ઘંટડી રણકી. માધવસિંહ ફોન લેવા માટે બેઠકમાંથી ઊભા થઈને બહાર જાય છે. અડધો કલાક પછી પાછા આવીને એક મોટો ધડાકો કરે છે અને કહે છે કે હું આજથી ગુજરાતનો મુખ્યમંત્રી નથી...’ અચાનક આ શું થયું. કોનો ફોન હતો અને કેમ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ રાજીનામું આપી દીધું? માધવસિંહ પછી હવે મુખ્યમંત્રી કોણ? ઘણા સવાલ હતા અને એના જવાબ હતા માત્ર માધવસિંહ પાસે... આ ઘટનાક્રમ પાછળ એક બહુ રસપ્રદ કિસ્સો છે.
આ એ સમયની વાત છે જ્યારે તારીખ હતી 4 જુલાઈ 1985... અમરસિંહ ચૌધરીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટેનો પાયો નંખાઈ ગયો હતો. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું છતાં ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ વિધાનસભામાં હાજર રહેવાના બદલે બે દિવસથી દિલ્લીમાં ડેરા તંબૂ તાણીને બેઠા હતા.
એનું કારણ એ હતું સાંપ્રદાયિક તોફાનોની સ્થિતિ અને સરકારની ભૂલો જાણવા રાજીવ ગાંધીએ પાંચ ઓબ્ઝર્વરની કમિટી ગુજરાત મોકલી હતી. એ કમિટીની ભલામણના આધારે માધવસિંહને મુખ્યમંત્રી પદેથી દૂર કરવાનો નિર્ણય લગભગ નક્કી હતો.
માધવસિંહ દિલ્હીમાં હતા એ જ દિવસે એટલે કે ચોથી જુલાઈએ કોંગ્રેસના ઉપાધ્યક્ષના આદેશથી 2 નિરીક્ષકો ફરીથી ગુજરાત આવ્યા અને અમદાવાદ પહોંચી ગયા. કોઈને જાણ પણ નહોતી. બીજા દિવસે બધાને ખબર પડી. ગુજરાત કોંગ્રેસના એક બાદ એક એમ 92 ધારાસભ્યોનો મત જાણ્યો.
આ સમયે ગુજરાત કોંગ્રેસના ત્રણ એવા નેતા હતા જેમણે માધવસિંહ સામે બંડ પોકાર્યું હતું. એ ત્રણ નેતા હતા ઝીણાભાઈ દરજી, સનત મહેતા અને મનોહરસિંહ જાડેજા. ઘણા સમયથી આ નેતાઓ માધવસિંહના વિરોધમાં હતા. જો કે હાઈકમાન્ડના આદેશના કારણે શાંત હતા. જો કે મોકો મળતાં ફરીથી તેમણે નિરીક્ષકો સામે પોતાની નારાજગી વ્યક્ત કરી.
એક બાજુ ગુજરાતમાં માધવસિંહને સીએમ પદ પરથી હટાવવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો હતો, બીજી તરફ દિલ્લીમાં માધવસિંહ પોતાનાં સોગઠાં ગોઠવી રહ્યા હતા. રાજીવ ગાંધીને મળ્યા પછી માધવસિંહ વી. પી. સિંહને મળ્યા અને પછી પોતાનું રાજીનામું આપી દીધું. રાજીવ ગાંધીએ જવાબદારી આપી હતી કે ગુજરાત જઈને ધારાસભ્ય દળના નવા નેતાની પસંદગી કરો. દિલ્હીથી માધવસિંહ, વી. પી. સિંહ અને બે ઓબ્ઝર્વરનું વિમાન ગુજરાત આવવા માટે ઉડ્યું...
તેનો ઘટનાક્રમ કંઈક આ રીતે હતો...
બીજા દિવસે ધારાસભ્યોની બેઠક મળી. જેમાં માધવસિંહ સોલંકીએ જાહેરાત કરી કે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. જો કે એ જાહેરાત કરે એ પહેલાં જ એક રહસ્યમય ઘટના બની. જયારે બધા જ ધારાસભ્યોની બેઠક ચાલી રહી ત્યારે એક ફોન આવી ગયો માધવસિંહ સોલંકી અને બીજા કેટલાક નેતાઓ ઊભા થઈને બહાર જતા રહ્યા. અડધો કલાક સુધી એ ફોન કોલ ચાલ્યો, ફોન પત્યો એ પછી બધા જ નેતાઓ પાછા આવ્યા અને માધવસિંહે રાજીનામું આપવાની જાહેરાત કરી.
માધવસિંહના વિરોધી નેતાઓને આ જાહેરાતમાં તક દેખાઈ. માધવસિંહના વિરોધીઓ કોઈ રાજકીય દાવપેચ રમે એ પહેલાં જ માધવસિંહે શાસક પક્ષના નેતા તરીકે અમરસિંહ ચૌધરીનું નામ મૂક્યું. એમનું નામ મૂકતાંની સાથે જ તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ મહંત વિજયદાસે સમર્થન આપ્યું. સનત મહેતા, ઝીણાભાઈ દરજી અને મનોહર જાડેજા જોતા જ રહી ગયા અને ગુજરાતને મળ્યા પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી. તો આ હતી અમરસિંહ ચૌધરીના ગુજરાતના મુખ્યમંત્રી બનવાની અને માધવસિંહ સોલંકીના રાજીનામાની કહાની.
જાણવા જેવું
માધવસિંહ મુખ્યમંત્રી હતા એ સમયે થયેલાં આંદોલનોને એમના રાજીનામા પાછળનું મુખ્ય કારણ ગણવામાં આવે છે. ગુજરાતને પહેલા આદિવાસી મુખ્યમંત્રી મળ્યા, જો કે અમરસિંહ સામે પણ ઘણા પડકારો હતા. ઝીણાભાઈ દરજી જે એક આદિવાસી નેતા પણ હતા અને અમરસિંહને રાજનીતિમાં લાવવામાં પણ તેમનો ફાળો હતો. છતાં CM તરીકે અમરસિંહના નામનો વિરોધ કરતાં સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વિરોધ છતાં વિધાનસભાના અધ્યક્ષ જી. કે. મુપનારની સૂચનાથી અમરસિંહને જ મુખ્યમંત્રી બનાવાયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે