રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, જામનગર પાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન

તંત્ર કેવી રીતે કામ કરે છે તે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. હવે જામનગર મહાનગર પાલિકાનું કામ ચર્ચામાં છે. જામનગર મહાનગર પાલિકાએ રસ્તાઓ ઉપર ઉભા વીજપોલ વચ્ચે રોડ બનાવી દીધો છે. 
 

રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, જામનગર પાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન

મુસ્તાક દલ, જામનગરઃ જામનગર મહાનગરપાલિકા વિકાસના કાર્યોમાં બુદ્ધિનું કેવું પ્રદર્શન કરી રહ્યું છે તેનું તાજું ઉદાહરણ જામનગરમાં જોવા મળી રહ્યું છે. કર્મચારીનગરથી ધોરીવાવ સુધી નવા નિર્માણ પામી રહેલા ડીપી રોડની વચ્ચોવચ થાંભલા હોય અને તો પણ રસ્તા બનાવી દેવામાં આવ્યા છે અને જે અકસ્માતને સીધા નોતરી રહ્યા છે. રોડ બનાવવા માટે સૌપ્રથમ એન્જિનિયરો દ્વારા સ્થળની વિઝીટ કરવામાં આવતી હોય છે પરંતુ જામનગરમાં રોડ બનાવવા માટે તંત્ર કેટલું ઉતાવળ છે તેનો ઉત્કૃષ્ટ નમૂનો સામે આવ્યો છે. શું જામનગર મહાનગરપાલિકા પાસે એવા કોઈ એન્જિનિયરો નથી કે રોડ વચ્ચે કેવી રીતે બનાવવો જોઈએ. શું આવી રીતે અને આયોજન વગર જામનગરમાં રોડ બની રહ્યા છે? જામનગરમાં ધોરીવાવ વિસ્તાર પાસે ફોર ટ્રેક સીસી રોડ બની ગયો, પરંતુ હજુ સુધી વીજ પોલ છે તે રસ્તા વચ્ચે જ ઊભા છે. આવી વીજપોલને કારણે અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી છે.

જામનગરની ભાગોળે આવેલા કર્મચારીનગરથી ધોરીવાવ સુધીનું રસ્તો હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર થઈ રહ્યો છે. સીસી રોડનું કામ લગભગ પૂર્ણતાના આરે છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે આ રસ્તા વચ્ચે વીજપોલ ઊભા છે એટલું જ નહીં આ વિજપોલમાં વીજપ્રવાહ પણ સતત ચાલુ છે. રસ્તા વચ્ચે આવી રીતે વીજ પોલ ક્યારે જોવા મળ્યા નથી. સ્થાનિકો દ્વારા આ બાબતને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

કર્મચારીનગરથી ધોરીવાવ સુધીના આ સીસી રોડ પર અનેક રહેણાંક મકાનો બની રહ્યા છે. અહીં રોડનું કામ ચાલી રહ્યું છે ઉપરથી તેના ઉપર વિજપોલ છે, તેના કારણે અહીં અકસ્માતનો ભય રહેલો છે. મીડિયા દ્વારા જ્યારે આ કામ માટે જવાબદાર મહાનગરપાલિકાના તંત્રનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે જવાબ મળ્યો કે હજુ તો આ કામની શરૂઆત થઈ છે. અમારા દ્વારા પીજીવીસીએલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેઓ ટૂંક સમયમા વીજ પોલ હટાવી લેશે.

સમગ્ર દેશ દુનિયામાં જામનગરનું નામ બદનામ થાય તેવું કામ જામનગર મહાનગરપાલિકાએ કર્યું છે. વીજપોલ ઉભા હોવા છતાં મહાનગરપાલિકાએ રોડ બનાવ્યો છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે કેટલાક લોકોને લાભ થાય તે માટે ઝડપથી આ કામ પૂરું કરવામાં આવી રહ્યું છે. જ્યારે મનપા વિપક્ષ પણ તંત્રને આડે હાથ લઈ રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news