પાકિસ્તાને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર શરૂ કરી ભેદી પ્રવૃતિ? ગુજરાત બોર્ડર પર ભેદી ધડાકાથી તંત્ર દોડતું થયું
Trending Photos
અમદાવાદ : હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પગલે સમગ્ર વિશ્વના અનેક સેક્ટર અશાંત અને અસ્થિર થઇ ચુક્યાં છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેનનાં યુદ્ધની ભારતના અનેક સેક્ટર પર ઉંડી અસર પડી રહી છે. અનેક વસ્તુ ઇમ્પોર્ટ થતી અટકી ચુકી છે તો અનેક ચીજ વસ્તુઓ એક્સપોર્ટ નથી થઇ રહી. તો બીજી તરફ મોટા પ્રમાણમાં ગુજરાતીઓ સહિત ભારતીયો હાલ યુક્રેનમાં ફસાયેલા છે. સતત ટેલિવિઝન પર ચાલી રહેલા સમાચારોના પગલે ગુજરાત સહિત દેશનાં નાગરિકો પણ પરોક્ષ ગભરામણ અનુભવી રહ્યા છે.
જો કે આવા માહોલ વચ્ચે બનાસકાંઠામાંથી ચોંકાવનારા સમાચારો સામે આવી રહ્યા છે. બનાસકાંઠા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો ગુજરાતનો જિલ્લો છે. અહીંથી પાકિસ્તાન સાથે જમીની બોર્ડર જોડાયેલી છે. જેના કારણે આ જિલ્લો હંમેશા હાઇએલર્ટ પર રહે છે. આર્મી પણ સતત અહીં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરે છે ઉપરાંત અહીં પોલીસ ફોર્સ પણ સતત મુસ્તેદ રહે છે. જો કે આ યુદ્ધનાં વાતાવરણ વચ્ચે સમગ્ર વિશ્વ પર યુદ્ધનાં વાદળો છવાયેલા છે ત્યારે બનાસકાંઠાના અનેક વિસ્તારમાં ભેદી ધડાકા સંભળાયા હતા.
પ્રાથમિક વિગતો અનુસાર બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર પર રહેલા અનેક વિસ્તારોમાં ભેદી ધડાકા સંભળાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. તો બીજી તરફ સ્થાનિક તંત્ર પણ સમાચાર સામે આવ્યા બાદ દોડતું થયું છે. બનાસકાંઠાના પાકિસ્તાનને અડીને આવેલા સરહદી ગામોમાં ભેદી ધડાકાનો અવાજ સાંભળી સરહદી ગામના લોકો ચિંતિત છે. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે, બનાસકાંઠાથી માંડીને રાજસ્થાનના બાખસર સુધી સાંભળવા મળ્યો હતો. બનાસકાંઠાના ભાભર, સુઇગામ, વાવ સહિતના સમગ્ર પટ્ટા પર આ વિસ્ફોટ સાંભળવા મળ્યો હતો. જો કે હજી આ અંગે તંત્ર દ્વારા કોઇ જ પૃષ્ટિ કરવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે