વિધાનસભાની વાતઃ અબડાસામાં આવખતે કેવા ગઢાયા છે ઘાટ? જાણો પુનરાવર્તન થશે કે પરિવર્તન

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. રાજકીય પક્ષો પણ પોતપોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારીને જીત હાંસલ કરવા કમરકસી રહ્યાં છે. ત્યારે જોઈએ અબડાસામાં આ વખતે પરિવર્તન થશે કે પુનરાવર્તન.

વિધાનસભાની વાતઃ અબડાસામાં આવખતે કેવા ગઢાયા છે ઘાટ? જાણો પુનરાવર્તન થશે કે પરિવર્તન

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગૃહના ક્રમાંક મુજબ ગુજરાતની પહેલા નંબરની વિધાનસભા બેઠક એટલે કચ્છની અબડાસા વિધાનસભા  બેઠક. પહેલા નંબરની આ બેઠકના અનેક રંગ છે. અને ખાસિયત એ છે કે, અહીં સતત બે ટર્મ સુધી કોઈ વ્યક્તિ ધારાસભ્ય નથી રહી શક્યું. એટલે કે આ બેઠક દર પાંચ વર્ષે રંગ બદલે છે. અહીં કોઈ ચૂંટાયેલો ધારાસભ્ય રીપિટ ચૂંટાતો જ નથી. આ બેઠકને આમ તો કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. પરંતુ હાલ આ બેઠક ભાજપ પાસે છે. કચ્છની અબડાસા બેઠક પરથી હાલ ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસની ટિકિટ પર લડ્યા અને જીત્યા હતા. જો કે, બાદમાં તેમણે પક્ષપલટો કર્યો અને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડીને જીત્યા. વર્ષ 1962 થી 2020 સુધીમાં આ બેઠક પર 15 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી 10 વાર કોગ્રેસ અને ચાર વાર ભાજપ જીત્યું છે. જ્યારે 1962માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા.

શું છે અબડાસા બેઠકના સમીકરણો?
અબડાસા બેઠક પર 1 લાખ 29 હજાર જેટલા પુરુષ અને 1 લાખ 21 હજાર જેટલા સ્ત્રી મતદારો છે. આ બેઠક પર મુસ્લિમ, કડવા પટેલ, દલિત અને ક્ષત્રિયોની વસતિ વધારે છે. રબારી, કોળી અને ભાનુશાળી સમાજના લોકો પણ અહીં વસે છે. આ બેઠક પર લઘુમતિ મતદારો વધારે છે. જેથી આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ વધારે હોવાનું કહેવામાં આવે છે.

અબડાસા બેઠકનો રસપ્રદ ઈતિહાસ-
અબડાસા બેઠક પરથી અત્યાર સુધીમાં ચૂંટાયેલા ઉમેદવારોની યાદી જોઈએ તો અત્યાર સુધીમાં કોઈ પણ ધારાસભ્ય બીજી ટર્મમાં જીત્યો નથી. એટલે કે દર પાંચ વર્ષે અહીં ધારાસભ્ય બદલાય જ જાય છે.

વિધાનસભા ચૂંટણીમાં અબડાસાનો હિસાબઃ

વર્ષ        વિજેતા ઉમેદવાર                                            પક્ષ
2020(પેટા ચૂંટણી)    પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા    ભાજપ
2017        પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા                 કોંગ્રેસ
2014(પેટા ચૂંટણી)    શક્તિસિંહ ગોહિલ                        કોંગ્રેસ
2012        છબીલભાઈ પટેલ                                       કોંગ્રેસ
2007        જયંતિલાલ ભાનુશાળી                                ભાજપ
2002        નરેન્દ્રસિંહ જાડેજા                                       ભાજપ
1998        ઈબ્રાહિમ મણધારા                                      કોંગ્રેસ
1995        નિમાબેન બી.                                             કોંગ્રેસ
1990        તારાચંદ છેડા                                             ભાજપ
1985        કાનુભા જાડેજા                                            કોંગ્રેસ
1980        ખારાશંકર જોશી                                         કોંગ્રેસ
1975        મહેશકુમાર ઠાકર                                         કોંગ્રેસ
1972        ખીમજી નાગજી                                            કોંગ્રેસ
1967        પી. બી. ઠાકર                                             કોંગ્રેસ
1962        માધવસિંહજી જાડેજા                            સ્વતંત્ર પાર્ટી

 

2022માં શું થશે?
અબડાસા બેઠક પર અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ હતો. પરંતુ હવે આમ આદમી પાર્ટી અને AIMIM પણ પોતાના ઉમેદવારો ઉતારી શકે છે. ચાર પાર્ટીઓ વચ્ચેના જંગમાં કોને નુકસાન થશે અને કોને ફાયદો તે તો જનતા જ નક્કી કરશે. પરંતુ આ બેઠકના મિજાજને જોતા કોઈ નવો ચહેરો ધારાસભ્ય બને તેવી શક્યતા વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news