ગુજરાતમાં દર કલાકે 3 ના મોત, જામનગરની જીજી કોવિડ હોસ્પિટલના તબીબોએ 9 દિવસથી આરામ કર્યો નથી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કેટલી ભયાવહ તે આવી રીતે સમજીએ. રાજ્યમાં દર મિનિટે ચારથી વધુ દર્દીઓ સામે આવી રહ્યાં છે, તો દર કલાકમાં 3 લોકોના જીવ જઈ રહ્યાં છે. સરકાર અને મેનેજમેન્ટ માટે આ માત્ર આંકડો જ હોઈ શકે છે, પરંતુ ગુજરાતમાં દર કલાકે કોઈને કોઈ પોતાના સ્વજનને ગુમાવી રહ્યું છે. ઓક્સિજન ન મળવાથી દર્દીના જીવ જઈ રહ્યાં છે. હોસ્પિટલમાં બેડ ન મળવાથી દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ કલાકો સુધી પડ્યા રહે છે. અગ્નિ સંસ્કાર કરવા માટે અનેક મૃતદેહોની લાઈનો પડે છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ગત 24 કલાકમાં 6690 નવા દર્દી મળ્યા છે અને 69 લોકોના રેકોર્ડ મોત થયા છે. અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનો સૌથી વધુ પ્રભાવ જોવા મળ્યો છે. આ શહેરમાં 2261 નવા કોવિડ કેસ આવ્યા છે. સુરતમાં લગભગ એક હજારથી વધુ નવા કેસ છે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ કેસનો આંકડા 3,60,206 પર પહોંચી ગયો છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના કેટલાક શહેરોના મોટા અપડેટ પર એક નજર કરીએ.
હાઈકોર્ટમાં આજે સુનાવણી
આજે કોરોના મામલે થયેલી સુઓમોટો મામલે hc માં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ મામલે સરકાર દ્વારા 61 પાનાંનું સોગંદનામું કરાયું છે. ગુજરાતની હોસ્પિટલમાં બેડની અછત નથી અને પૂરતા બેડ ઉપલબ્ધ છે તેવો સરકારનો દાવો છે. સરકારના સોંગઘનામાં પર આજે hc માં 11 વાગે સુનાવણી હાથ ધરવામાં આવશે.
જામનગરની જીજી હોસ્પિટલના તબીબોએ 9 દિવસથી આરામ નથી કર્યો
જામનગરની પ્રખ્યાત જીજી કોવિડ હોસ્પિટલની સ્થિતિ કોરોના મામલે અતિ ગંભીર બની છે. જાનગર જિલ્લા કલેકટર રવિ શંકરે ચિંતા વ્યક્ત કરી છે. જામનગરના લોકોને કોરોના મામલે વધુ તકેદારી રાખવા અપીલ કરી છે. સાથે જ કહ્યુ કે, જો લોકો તકેદારી નહિ રાખે તો સારવાર આપવું પણ મુશ્કેલ બનશે. જીજી કોવિડ હોસ્પિટલના તબીબોએ 9 દિવસથી આરામ કર્યો નથી. જીજી કોવિડ હોસ્પિટલમાં તમામ 1450 બેડ હાઉસફૂલ થયા છે.
મોરબીથી જામનગરની એન્ટ્રી પ્રતિબંધ
મોરબીથી જામનગર જતા કોરોના દર્દીઓ ખાસ ધ્યાન રાખજો. કારણ કે, જામનગર વહીવટી તંત્ર દ્વારા મોરબીથી જામનગર ન આવવા દેવા સૂચના આપવામા આવી છે. ધ્રોલ ખાતે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જો મોરબી કોવિડ પોઝિટિવ દર્દી હશે તો એન્ટ્રી નહિ મળે એવી સૂચના આપી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ચાર મહાનગરો બાદ મોરબી શહેરમા કોરોનાના સૌથી વધુ કેસ છે.
સરકારે કોરોના કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો
રાજ્યમાં કોરોના દર્દીઓ ઓક્સિજનનો સપ્લાય સરળતાથી મળી રહે એ માટે રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીમાં એક નવો કંટ્રોલ રૂમનો પ્રારંભ કર્યો છે. આઈએએસ અધિકારી એબી પંચાલ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ તરીકે કામગીરી કરશે. તેમની સાથે વિવિધ વિભાગોના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓના સંકલનની કામગીરીમાં જોડાશે. તમામ જિલ્લા કલેકટરો અને મહાનગરપાલિકામાં કમિશનર દ્વારા પોતાના જિલ્લાના ઓક્સિજનના જથ્થાની જરૂરિયાત આ કંટ્રોલ રૂમમાં જાણ કરવી પડશે અને તેના આધારે ઓક્સિજનના ઉત્પાદકો સાથે સંકલન કરીને કંટ્રોલરૂમ દ્વારા જથ્થાની નિયત ફાળવણી કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે