વાવાઝોડાથી ગીરના 18 સિંહો ગુમ થવા મુદ્દે વન વિભાગે આપ્યો આ ખુલાસો

Trending Photos

વાવાઝોડાથી ગીરના 18 સિંહો ગુમ થવા મુદ્દે વન વિભાગે આપ્યો આ ખુલાસો
  • તૌકતે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં 18 સિંહો ગુમ થયા અંગે વન વિભાગે સ્પષ્ટતા આપી 
  • વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી સાથે મોનીટરીંગ કરી સિંહોની સુરક્ષા માટે તમામ પગલા લેવાઈ રહ્યાં છે

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં 18 સિંહો ગુમ થયા હોવાની વાતો વહેતી થઈ હતી. ત્યારે આખરે વન વિભાગ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા ખુલાસો કરતાં જણાવાયું કે, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામત છે. આ વિસ્તારના એક પણ સિંહનું મોત થયુ નથી કે કોઈ પણ પ્રકારનું નુક્સાન થયુ નથી. વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી લેવામાં આવી રહી છે તેનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. 

સિંહોની સુરક્ષા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે તેવું જુનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડી. ટી.વસાવડાએ જણાવ્યું છે. વાવાઝોડાથી 18 જેટલાં સિંહો ગુમ થયેલ હોવાના સમાચારો મીડીયામાં પ્રસારિત થયા હતા. તે અંગે વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રનો માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોએ પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ તથા ભાવનગર જીલ્લામાં સિંહો વસે છે. વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયા કાંઠે વસતા સિંહો સહિત તમામ સિંહોની સલામતી માટે પગલા લેવામાં આવ્યા હતાં અને આ સિંહોનું સતત મોનીટરીંગ કરાયું હતું. આ મોનીટરીંગ દરમિયાન રાજુલા વિસ્તારના સિંહો દરિયાથી દુર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. 

તેમણે કહ્યુ કે, રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર કે મહુવા તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારોમાંથી એક પણ સિંહ ગુમ થયાનું જણાયું નથી કે આવા કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news