Gujarat Rain Updates : રાજ્યના 27 જળાશયો હાઈ એલર્ટ અને 12 જળાશયો એલર્ટ પર...

Gujarat Monsoon 2022 : રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 46.91 ટકા જળસંગ્રહ થયો... રાજ્યના 27 જળાશયો હાઈ એલર્ટ અને 12 જળાશયો એલર્ટ ઉપર

Gujarat Rain Updates : રાજ્યના 27 જળાશયો હાઈ એલર્ટ અને 12 જળાશયો એલર્ટ પર...

ગાંધીનગર :ગુજરાતમાં મૂશળધાર વરસાદથી સર્વત્ર મેઘ તારાજી સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. નવસારીના ડ્રોન દ્રશ્યો પરથી એ સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે કે ત્યાં કેવી તારાજી છે. નવસારી ઉપરાંત બીજા ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. તો રસ્તાઓ પર વરસાદી પાણીની સાથે સાથે મગરો પણ દેખાઈ રહ્યા છે. વડોદરાના વાઘોડિયા રોડ પર સાડા ચાર ફૂટનો મગર આવી ચડતાં લોકોમાં અફરાતફરી મચી હતી. બીજી તરફ વરસાદી પાણીના કારણે અનેક જગ્યાએ લોકો ફસાયા હતા. જેમના માટે NDRF અને ફાયરના જવાનો તારાણહાર બન્યા. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં છે મૂશળધાર વરસાદ થયો છે તેના પગલે રાજ્યના મોટાભાગના નદી-નાળાઓ છલકાયા છે. 

રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૪૬.૯૧ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૬૦,૩૬૩ એમસીએફટી જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૪૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર તા. ૧૩ જુલાઈ, ૨૦૨૨ની સ્થિતિએ રાજ્યભરમાં ૨૧ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૩૦ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૨૭ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૫૧ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૭૭ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલ ૨૧ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલ ૬ જળાશયો મળી કુલ ૨૭ જળાશયો હાઈ એલર્ટ ઉપર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૨ જળાશયો એલર્ટ ઉપર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૧ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news