ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન, 48 કલાકમાં કનોડિયા ભાઈઓની દુનિયામાંથી વિદાય
રવિવારના રોજ નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે ટૂંકા ગાળામાં કનોડિયા ભાઈઓએ દુનિયામાંથી વિદાય લીધી છે
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન કહેવાતા સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. કોરોનાગ્રસ્ત થયેલા આ દિગ્ગજ કલાકાર અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજુક હતી. તેઓ સતત વેન્ટિલેટર પર હતા. નરેશ કનોડિયા (Naresh kanodia) ની વિદાય ગુજરાતી ફિલ્મ જગત માટે બહુ જ શોકમગ્ન બની રહેશે. 48 કલાકમાં જ ગુજરાતે બે દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે. રવિવારના રોજ નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે ટૂંકા ગાળામાં કનોડિયા ભાઈઓએ દુનિયામાંથી વિદાય લીધી છે. તેઓએ હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી હતી.
કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાશે
77 વર્ષની વયે નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા છે. નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા યુ.એન.મહેતા હોસ્પિટલમાં પોતાના પિતાનો મૃતદેહડી લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે કોરોનાગ્રસ્ત હોવાથી આ દિગ્ગજ કલાકારના અંતિમ સંસ્કાર કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતા જ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને સગાસંબંધીઓ પહોંચી રહ્યાં છે.
ઉપેન્દ્ર ત્રિવેદી બાદ ખાલી પડેલી જગ્યાને નરેશ કનોડિયાએ ભરી
ગુજરાતી ફિલ્મ જગતમાં કનોડિયા ભાઈઓનો સંઘર્ષ એકસરખો રહ્યો છે. પરંતુ નરેશ કનોડિયાએ 40 વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર રાજ કર્યુ છે. તેમના નિધન બાદ મોટો ખાડો પડ્યો છે. નરેશ કનોડિયાની માસ અપીલ હતી. તેમની મોટી સિગ્નિફિકન્સ એ હતી કે, તેઓએ 125 ફિલ્મોમાં કામ કર્યું. તેમજ 72 હિરોઈન સાથે લીડ રોલ કર્યો છે. નવી અભિનેત્રીઓ માટે કામ કરવામાં તેઓ પ્રખ્યાત હતા. ગુજરાતી ફિલ્મ જગતમાં જે સમયે ઉપેન્દ્ર ત્રિવેદીનું ગુજરાતી ફિલ્મોમાં એકચક્રી શાસન હતું અને તેમની કારકિર્દીનો અંત હતો, ત્યારે તે ખાલી જગ્યા નરેશ કનોડિયાએ સરળતાથી પૂરી દીધી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને તેઓએ ધમધમતો રાખ્યો.
મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ ધારા સભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્ર જગતમાં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોક માનસમાં એક આગવું સ્થાન મેળવેલું. તેમનું સ્મરણ કરીને તેઓએ કહ્યું કે, તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્ર જગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. તેમની આત્માને શાંતિ મળે.
પરિવારના 3 સભ્યો રાજકારણમાં....
કનોડિયા પરિવાર રાજકારણ સાથે પણ જોડાયેલો છે. પરિવારના ત્રણ સદસ્ય રાજકારણ સાથે સંકળાયેલા છે. મોટાભાઈ મહેશ કનોડિયા ત્રણવાર સાંસદસભ્ય રહી ચૂક્યા છે. તો નરેશ કનોડિયા કરજણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડીને જીત્યા હતા. તેમનો દીકરો હિતુ કનોડિયા હાલ ઈડર બેઠક પર ધારાસભ્ય છે.
મોતની અફવા પણ ફેલાઈ હતી
20 ઓક્ટોબરે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે ત્યાર બાદ તેમની મોતની અફવા ઉડી હતી. કારણ હતી તેમની એક તસવીર, જે હોસ્પિટલના બિછાને પાડવામાં આવી હતી. આ તસવીર સોશિયલ મીડિયામાં તેમના નિધનના સમાચાર સાથે વાયરલ થઈ હતી. તસવીરમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા દેખાયા હતા. આમ, તેમના મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. જેના બાદ તેમના દીકરા હિતુ કનોડિયાએ પિતાની હાલત નાજુક હોવાની માહિતી મીડિયાને આપી હતી. આ દરમિયાન જ તેમના નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયાનું 25 ઓક્ટોબરના રોજ નિધન થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે