લો બોલો! ગુજરાતમાં વધુ એક ઠગે કલેક્ટરનું ફેક ID બનાવી પૈસા પડાવ્યા, અનેક યુવતીઓ સાથે ફલર્ટ કર્યું
ભારતમાં ડિજિટલ યુગમાં અવનવી રીતે ઠગાઈ કરતા ઠગોની માયાજાળમાં બનાસકાંઠા કલેકટરને પણ ફસાવવાનો પ્રયત્ન થયો છે. જેમાં કલેકટરનું જ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી નાણાંની માંગણી કરતો તેમજ લોકો સાથે ચેટ કરતા શખ્સને ફરિયાદ બાદ જિલ્લા એલસીબીની ટીમે છેક હરિયાણાથી ઝડપી લીધો હતો.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: રાજ્યમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમના બનાવો વધતા જઈ રહ્યા છે તે વચ્ચે જ બનાસકાંઠા જિલ્લામાં અચરજ પમાડે તેવો સાયબર ક્રાઇમનો બનાવ સામે આવ્યો છે. હરિયાણાના એક શાતિર ઠગે બનાસકાંઠા જિલ્લા કલેકટરનું જ એક instagram ફેક આઈડી બનાવી દીધું અને આ આઈડી પરથી લોકો પાસે પૈસાની માંગણી કરી અને કેટલાક લોકોને નોકરી અપાવવાના બહાના આપી પૈસા પડાવ્યા. તો અનેક યુવતીઓ જોડે ચેટ દ્વારા ફ્લટ કર્યું. જોકે આ મામલો કલેકટરને ધ્યાને આવતા આખરે આ સાતીર ઠગના કાવતરાનો ભાંડો ફૂટી ગયો અને બનાસકાંઠા એલસીબી પોલીસે તેને દબોચી તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં ખુદ જિલ્લા કલેકટરનું જ ફેક આઈડી બનાવી લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણ બરનવાલનું એક શખ્સે instagram ફેક આઈડી બનાવ્યું અને આ શખ્સ આ આઈડી પરથી લોકોને મેસેજ કરી પૈસાની જરૂરિયાત હોવાનું કહી પૈસા પડાવતો અને અનેક લોકોને પોતે કલેકટર હોવાનું કહી નોકરી અપાવવાનું કહી લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો હતો. તો અનેક યુવતીઓ અને સ્ત્રીઓને પણ તે અશોભનીય મેસેજ કરતો હતો.
જોકે બન્યું એવું કે આ શખ્સે instagram આઈડી પરથી પાલનપુરની એક કંપનીને મેસેજ કરી એક વ્યક્તિને નોકરી રખાવાનું કહ્યું. જોકે કંપનીએ કલેકટરનું આઈડી જોઈ જે તે વ્યક્તિને નોકરી રાખવાની હા તો કહી દીધી..પરંતુ નોકરી રહેવા આવેલ વ્યક્તિની કાબિલિયત નોકરી કરવાની ન હોય કંપનીના સંચાલકે જિલ્લા કલેકટરને વાત કરતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટી ગયો.
જિલ્લા કલેકટરને પોતાનું આઈડી ફેક બન્યું હોવાનું અને ફેક આઈડી બનાવનાર શખ્સ લોકો સાથે છેતરપિંડી આચરતો હોવાની જાણ થતા જ બનાસકાંઠા પોલીસને સમગ્ર મામલાની જાણ કરી અને બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં જ જિલ્લા કલેકટરનું ફેક આઈડી બનાવી લોકો સાથે છેતરપિંડી આચરતા હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના 26 વર્ષીય શિવકુમાર વિશ્ર્નોઈ નામના શખ્સને દબોચી લીધો છે.
જોકે આ શખ્સે પાંચ વર્ષ અગાઉ જિલ્લા કલેકટર વરુણવાલનું ફેક આઈડી બનાવ્યું હોવાનું અને અત્યાર સુધીમાં અનેક લોકોને આ ફેક આઈડી ના ભોગ બનાવ્યો હોવાનું સામે આવતા પોલીસે શિવકુમાર વિશ્ર્નોઈ સામે ગુનો નોધી આઈડી કોની કોની મદદથી બનાવ્યું હતું આ કાવતરામાં કોણ કોણ સામેલ હતું અને અત્યાર સુધીમાં કેવા કેવા બહાના થકી લોકોને કાવતરાના ભોગ બનાવ્યા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.
જોકે પોલીસ તપાસમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણ બરનવાલ સિવાય 2016ની બેચના ઉત્તરાખંડ કેડરના IAS ઓફિસર નેહા મીણાના નામનું ફેક એકાઉન્ટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે