વર્ષ 2024 ગુજરાત સરકાર માટે કેવું રહ્યું? આ કૌભાંડો-કાંડોને લીધે સરકાર કઠેડામાં, જનતાની નજરમાં ભાવ ગગડયો!
ગુજરાત સરકાર માટે વર્ષ 2024નું વર્ષ કેવું રહ્યું? તેના પર એક નજર કરીએ તો કહી શકાય કે રાજ્ય સરકારને વર્ષ 2024 ફળ્યું નથી. જી હા... રાજ્યમાં અનેક કૌભાંડ અને મોટા કાંડોને કારણે સરકારને બદનામી વહોરવાના દિવસો જોવા પડ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: આ વર્ષની વિદાયને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને નવા વર્ષ 2025ના વધામણાં કરવાં ગુજરાતીઓ ઉતાવળા બન્યા છે, ત્યારે ગુજરાત સરકાર માટે વર્ષ 2024નું વર્ષ કેવું રહ્યું? તેના પર એક નજર કરીએ તો કહી શકાય કે રાજ્ય સરકારને વર્ષ 2024 ફળ્યું નથી. જી હા... રાજ્યમાં અનેક કૌભાંડ અને મોટા કાંડોને કારણે સરકારને બદનામી વહોરવાના દિવસો જોવા પડ્યા છે. અસલી ગુજરાતના ‘નકલી’મોડલે સરકારની પ્રતિષ્ઠા ખરડી છે.
જનતાની નજરમાં સરકારનો ભાવ ગગડયો
વર્ષ 2024માં ગુજરાતમાં અનેક મોટા કાંડની વાત કરીએ તો ખ્યાતિકાંડ, આયુષ્યમાનકાર્ડ કૌભાંડ, ગેમઝોન અગ્નિકાંડ સહિતની ઘટનાઓએ સાબિત કર્યું છે કે સરકારની વહીવટી તંત્ર પર કોઈ પકડ નથી! અનેક ભ્રષ્ટાચાર અને ગોટાળાની ભરમારમાં ‘અધિકારીરાજ’ને લીધે સરકાર કઠેડામાં આવી ગઈ છે. જનતાની નજરમાં સરકારનો ભાવ ગગડયો છે.
સરકારની સિદ્ધિઓ કરતા કૌભાંડ-કાંડની સંખ્યા વધારે!
ગુજરાત સરકારની સિદ્ધિઓની સરખામણીમાં કૌભાંડોની સંખ્યા વધારે જણાઈ રહી છે. ગુજરાતમાં હાલ એક કૌભાંડ કે કાંડની શાહી સૂકાતી નથી, ત્યાં એક નવા કૌભાંડ કે કાંડ જન્મ લે છે. હવે રાજ્યમાં નકલીના ખેલની વાત કરીએ તો નકલી સીએમઓ, નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકુ, નકલી હોસ્પિટલે સરકારની ભારે નામોશી કરી દીધી હતી.
આ વર્ષે આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો!
આ વર્ષે ગુજરાતમાં ભાજપ માટે ભારે રહ્યું છે. ગુજરાતમાં શરૂઆતથી જ એક પછી એક ઘટનાઓ બની રહી છે, જેના કારણે સરકારને નીચું જોવાનો વારો આવ્યો છે. વડોદરાના તળાવમાં માસુમ ભૂલકાઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાઓની શાહી સૂકાઇ ન હતી ત્યાં રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લોકોની મરણચીસો, ત્યારબાદ રાજકોટમાં હોસ્ટેલમાં ભાજપના નેતાઓએ યુવતીઓને શિકાર બનાવતાં હોવાનો મામલો ચગ્યો. ત્યારબાદ અમદાવાદના ખ્યાતિકાંડમાં અનેક નિર્દોષ લોકોનો જીવ લીધો હતો. આ સિવાય મજૂરીના બહાને યુવકોને લાવીને બારોબાર નસબંધી કરી દેવાના કાંડનો પણ ભાંડો ફૂટ્યો હતો, જેના કારણે સરકારની બદનામી થઈ.
વર્ષ 2024માં ગુજરાતમાં આ કાંડ બહાર આવ્યા!
હવે રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે થયેલા કાંડોની વાત કરીએ તો પાટીદાર નેતાના પુત્રની સંડોવણી સાથે નકલી ટોલનાકુ પકડાયુ હતું. આ સિવાય સુરતમાંથી બોગસ ડીગ્રી અપાવવાના બહાને લોકોના જીવ સાથે ચેડાં, ગાંધીનગરમાંથી નકલી કોર્ટ સાથે નકલી જજ, દાહોદમાં નકલી સરકારી કચેરી ઝડપાઈ હતી. જે ખુદ સરકારે જ લાખો-કરોડોની ગ્રાન્ટ ફાળવી હોવાનો ખુલાસો થયો હતો. એટલું જ નહીં, ગોંડલમાં તો સ્ટેટના નકલી રાજા પણ પકડાયાં હતાં. આમ નકલી સીએમઓ, નકલી પીએમઓ, નકલી ઈડી ઓફિસર, નકલી સીબીઆઈ, નકલી એનઆઈએ અધિકારી અને નકલી આર્મીમન પણ પકડાયાં હતાં.
મહત્વનું છે કે રાજ્યમાં જનતાને પૈસા ખર્ચીને પણ સારી વસ્તુઓ મળી રહી નથી. વારંવાર નકલી પનીર, દવા પણ મળી રહી છે. હવે તો પાછું નવું આવ્યું છે. ગુજરાતમાંથી તો નકલી સિમેન્ટ બનાવવાની ફેક્ટરી પણ પકડાઈ છે. આમ, અસલી ગુજરાતમાં નકલી મોડેલે તો સરકારની પ્રતિષ્ઠાને સ્થૂળધાણી કરી દીધી હતી. હવે નવા વર્ષ ૨૦૨૫માં સરકાર કેવી કામગીરી કરે છે તેના પર ગુજરાતીઓની નજર છે.
કયા કયા કૌભાંડ લીધે સરકાર...
> ખ્યાતિકાંડ
> આયુષ્યમાન કાર્ડ કાંડ
> હરણીકાંડ
> ટીઆરપી ગેમઝોન કાંડ
> બોગસ ડીગ્રી કાંડ -
> આટકોટ છાત્રાલય રેપકાંડ
> અમરેલી-વિરમગામ અંધાપાકાંડ
> બીઝેડ પોન્ઝીકાંડ
> દાહોદ-ઝયડિયા રેપકાંડ
> નસબંધીકાંડ- સિરપકાંડ-નડિયાદ
> વલસાડ જમીન કૌભાંડ
> દાહોદ ખેતી જમીન કૌભાંડ
> નકલી જજ-કોર્ટ કાંડ
> ગેરહાજર શિલકોનું કાંડ
> સહકારી સંસ્થામાં મેન્ડટ વિવાદ
> એમ્બ્યુલન્સ-રોડના અભાવે પ્રસુતાને અસુવિધા
ગુજરાતમાં નકલીની બોલબાલા
> નકલી શાળા
> નકલી સરકારી કચેરી
> નકલી હોસ્પિટલ
> નકલી કોર્ટ-આર્બિટ્રેટર
> નકલી સીબીઆઈ
> નકલી સીએમઓ-અધિકારી
> નકલી ઈડી અધિકારી
> નકલી આઇએએસ
> નકલી એનઆઈએ અધિકારી
> નકલી સચિવાલય અધિકારી
> નકલી કલેક્ટર
> નકલી આર્મી કેપ્ટન
> નકલી ખેડૂત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે