ગુજરાતમાં પાકિસ્તાન બોર્ડર નજીક આવેલી આ જગ્યા છે રહસ્યમયી, ગાડી બંધ હોય તો પણ દોડવા લાગે, ઢાળ ચડવા લાગે!

અમે એક એવા સ્થળ વિશે વાત કરીશું જેણે વિજ્ઞાનને પણ અચંબિત કરી મૂક્યું છે. આ જગ્યા એક એવી જગ્યા છે જેની સાથે ઐતિહાસિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ જોડાયેલું છે. તો ચાલો ગુજરાતની આ અદભૂત જગ્યા વિશે જાણીએ....

 ગુજરાતમાં પાકિસ્તાન બોર્ડર નજીક આવેલી આ જગ્યા છે રહસ્યમયી, ગાડી બંધ હોય તો પણ દોડવા લાગે, ઢાળ ચડવા લાગે!

ગુજરાતમાં પ્રવાસન સ્થળોની વાત કરીએ તો એ રીતે ગુજરાત પાસે ઘણું બધુ છે, જેમ કે ઐતિહાસિક સ્થળો, બીચો, હિલ સ્ટેશન, બર્ડ સેન્ચ્યુરી, અભ્યારણ્ય વગેરે...દરેક વ્યક્તિ પોતાના રસ મુજબ આ સ્થળોની મુલાકાત લે છે અને ભરપૂર આનંદ માણે છે. પણ આજે અમે એક એવા સ્થળ વિશે વાત કરીશું જેણે વિજ્ઞાનને પણ અચંબિત કરી મૂક્યું છે. આ જગ્યા એક એવી જગ્યા છે જેની સાથે ઐતિહાસિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ જોડાયેલું છે. તો ચાલો ગુજરાતની આ અદભૂત જગ્યા વિશે જાણીએ....

અદભૂત જગ્યા છે કચ્છમાં
અમે જે વાત કરી રહ્યા છે તે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલી છે અને તે પાકિસ્તાનની સરહદથી પણ નજીક છે. કચ્છના ખાવડા ગામ પાસે છે. આ અદભૂત જગ્યાનું નામ છે કાળો ડુંગર. જે કચ્છનું સૌથી ઊંચુ શિખર પણ છે. તેની ઊંચાઈ 458 મીટર જેટલી છે. આ જગ્યાએથી ભૂજ 97 કિમી દૂર આવેલું છે. અહીંથી તમને સફેદ રણનો પણ અદભૂત નજારો જોવા મળશે. રણોત્સવની શરૂઆત થવાની સાથે જ આ સફેદ રણની આજુબાજુની જગ્યા પ્રવાસન સ્થળો તરીકે વિકસવા લાગ્યા. આ એક યાત્રાધામ પણ ગણાતું હોવાથી લાખો લોકો તેની મુલાકાત આવતા હોય છે. 

No description available.

ધાર્મિક મહત્વ
આ કાળો ડુંગર 400 વર્ષ જૂના દત્તાત્રેય મંદિર માટે પણ ખુબ જાણીતો છે. એવી માન્યતા છે કે જ્યારે ભગવાન દત્તાત્રેય પૃથ્વી ભ્રમણ કરતા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું હતું. દત્તાત્રેયે ભૂખ્યા શિયાળોને ખાવા માટે પોતાના શરીરનો ભાગ આપ્યો અને શિયાળોએ તે ખાધા બાદ ભગવાન દત્તાત્રેયના તે અંગો ફરીથી ઉગવા લાગ્યા હતા. આ કારણસર આ મંદિરના પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ચોક્કસપણે ધરાવે છે. 

અન્ય એક દંતકથા પણ આ અંગે પ્રચલિત છે. જે મુજબ લખ્ખ ગુરુ કાળા ડુંગર પર રહેત હતાઅને ભગવાન દત્તાત્રેયને પૂજતા હતા. તેઓ જંગલી શિયાળોને ભોજન આપતા હતા. એક દિવસ કશું નહતું તો તેમણે પોતાના શરીરનો ભાગ કાપીને શિયાળોને આપ્યો. કહ્યું કે લે અંગ....સદીઓ પછી તે અપભ્રંશ થઈને લોંગ બન્યું. અહીં લોંગ ઓટલા પર દરરોજ ગુરુ દત્તાત્રેયને ધરાવાતો પ્રસાદ મીઠો ભાત શિયાળોને અપાય છે. આ મંદિરના પૂજારી દ્વારા લોંગ લોંગની બૂમો પાડવામાં આવતા શિયાળો આ પ્રસાદ લે છે. માગશર સુદ પૂનમના દિવસે અહીં દત્તાત્રેય જયંતીની ઉજવણી પણ થાય છે. 

No description available.

વર્ષો પહેલા રણોત્સવ દરમિયાન એક ઘટના કલેક્ટરના ધ્યાનમાં આવી હતી અને આ કલેક્ટરે પ્રત્યક્ષ અનુભવ કરવા માટે પોતાની ટીમ મોકલી અને એ જાણ્યા બાદ કે દાવામાં કઈક દમ છે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ના વિશેષજ્ઞોની એક ટીમને આ ઘટનાનો અભ્યાસ કરવા માટે બોલાવવામાં આવી હતી. હવે વાત કઈક એમ હતી કે અનેક મુલાકાતીઓએ કાળા ડુંગર પર વિચિત્ર ઘટના અનુભવતા જોવા મળ્યા હતા. જેમાં વાહનોના એન્જિન બંધ હોવા છતાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપ જોવા મળતી હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ આઈઆઈટી કાનપુરના એસોસિએટ પ્રોફેસર જાવેદ મલિક કે જેઓ GSDMA ના સલાહકાર પણ હતા તેઓ તથ્યોની ચકાસણી કરવા માટે કાળા ડુંગર પર પહોંચ્યા હતા. GSDMA, ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રીસર્ચ, ગાંધીનગર અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી કાનપુરના સભ્યોએ અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું કે વાહનો તીવ્ર ઢાળના કારણે વધુ ઝડપ મેળવે છે. (વિકિપિડિયા ઈનપુટ)

No description available.

આપોઆપ ચડે છે ઢાળ?
કાળો ડુંગર ચડતી વખતે રસ્તામાં એક જગ્યા એવી પણ છે જ્યાં ગાડી બંધ કરી દેવામાં આવે તેમ છતાં ગાડી આપોઆપ ઢાળ પર ચડવા લાગે છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ જાણે અહીં કામ કરતું નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પાછળનું કારણ અહીંના જમીનમાં રહેલું મેગ્નેટિક ફિલ્ડ છે. લદાખ બાદ કચ્છના કાળા ડુંગર પર આ અનુભવ થતો જોવા મળે છે. મેગ્નેટ પાવરના કારણે વાહનો આપોઆપ ઢાળ ચડી જતો હોવાનું માનવું છે. ગાડી બંધ હોય તો પણ પોતાની રીતે ઢાળ ચડી જાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news