લીલી પરિક્રમાઃ ટ્રેનની છત પર જોખમી મુસાફરી કરતા ત્રણ ભાવિકોને લાગ્યો વીજકરન્ટ
જૂનાગઢમાં ગિરનાર પર્વતની ફરતે શરૂ થયેલી લીલી પરિક્રમામાં જવા માટે ભાવિકો ટ્રેનની છત ઉપર બેસીને જોખમી મુસાફરી કરતા હતા એ દરમિયાન બિલખા સ્ટેશન પાસે બની ઘટના
Trending Photos
જૂનાગઢઃ જૂનાગઢમાં ગિરનાર પર્વતની ફરતે પ્રતિ વર્ષની જેમ શનિવારથી લીલી પરિક્રમા શરૂ થઈ છે. અહીં પહોંચવા માટે ભાવિકો જીવના જોખમે ટ્રેનની છત ઉપર બેસીને મુસાફરી કરતા હોય છે. મુસાફરો દ્વારા કરાતી આ જોખમી મુસાફરી અંગે શનિવારે મીડિયામાં પણ પ્રસારિત થયો હતો.
શનિવારે સાંજે આવી જ જોખમી મુસાફરી કરતા ત્રણ ભાવિકોને બિલખા સ્ટેશન નજીક વીજકરન્ટ લાગતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઉનાના વડવીયલા ગામના જયેશ નાનુ વંશ, દેલવાડા ગામના જગદીશ અરજણ વંશ અને ભીખા કાના જેઠવાને બિલખા સ્ટેશન નજીક ઉપરથી પસાર થઈ રહેલા વીજ પ્રવાહનો સંપર્ક થઈ જતાં કરન્ટ લાગ્યો હતો.
આ ઘટનામાં ત્રણેય ભાવિકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આથી, તેમને તાત્કાલિક 108માં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અહીં તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા મુસાફરોને આવી જોખમી મુસાફરી ન કરવા માટે સુચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, લીલી પરિક્રમા 19 નવેમ્બરથી પ્રારંભ થવાની હતી, પરંતુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બે દિવસ વહેલા પહોંચી જતાં શનિવારે જ વનવિભાગ દ્વારા જંગલના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. આજે ભવનાથમાં એક લાખ જેટલા પ્રવાસીઓ આવી જતા વન વિભાગ દરવાજા ખોલવા મજબૂર બન્યું હતું.
પરિક્રમાર્થીથી ભવનાથ ઉભરાયું
ગિરનારના પરિક્રમા રૂટ પર 2 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા. હજુ સતત ભવનાથથી રૂપાયતન રસ્તા પર ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. વન વિભાગે રાત્રિના સમયે ઇટવા ગેટ ખોલવાની ફરજ પડી. હજુ પરિક્રમા શરૂ થવાને બે દીવસ બાકી છે ત્યારે ભાવિકો ઉમટી પડયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે