Luxury Watch Smuggling: અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
Watches Smuggling: દુબઈથી 13 કરોડ રૂપિયાની ઘડિયાળની દાણચોરી કરવા બદલ રાજસ્થાનના એક દંપતીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલો માત્ર એક દંપતીનો નથી, પરંતુ તેની પાછળ એક સંગઠિત ગેંગ કામ કરી રહી છે. આ કપલે દુબઈમાં ઘડિયાળો ખરીદી હતી અને પછી તેને ભારતમાં સ્મગલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસ દાણચોરીના મોટા નેટવર્ક તરફ ઈશારો કરે છે.
Trending Photos
અમદાવાદઃ દેશના મોટા લોકો જેમ કે અબજોપતિ, હીરો-હિરોઈન કે ક્રિકેટરો જ પહેરી શકે તેવી ચમકદાર ઘડિયાળો પહેરીને અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા બંટી બબલીની બે દિવસ પહેલા કસ્ટમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેની પાસે Audemars Piguet Royal Oak અને Richard Mille જેવી શાનદાર બ્રાન્ડની ઘડિયાળ જપ્ત થઈ છે. તેવી વાત સામે આવી કે અમદાવાર એરપોર્ટ બહાર ઘડિયાળ લેવા આવેલો એક વ્યક્તિ સાત કલાક સુધી એરપોર્ટની ટર્મિનલ 2 બિલ્ડિંગની બહાર બેઠો રહ્યો. ત્યારબાદ તેને માહિતી મળી કે કસ્ટમ વિભાગે કપલને પકડી લીધું તો તે રફૂચક્કર થઈ ગયો હતો. કસ્ટમ અધિકારીઓએ તેની યાત્રા અને પ્રોફાઇલની તપાસ કરી તો સામે આવ્યું કે દંપત્તિ હંમેશા દુબઈ અને અબુધાબી જતાં રહેતાં હતા.
શું છે સમગ્ર ઘટના
રાજસ્થાનના એક દંપત્તિને શુક્રવારે દુબઈથી આશરે 13 કરોડ રૂપિયાની કિંમતની બે મોંઘી ઘડિયાળની તસ્કરી કરવાના પ્રયાસના આરોપમાં અમદાવાદ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યું હતું. દુબઈથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અલગ-અલગ પહોંચેલા વ્યક્તિ અને મહિલાની પાસેથી Audemars Piguet Royal Oak અને Richard Mille ઘડિયાળ જપ્ત કરવામાં આવી હતી. જે હંમેશા અબજોપતિઓ અને જાણીતી હસ્તિઓના કાંડા પર જોવા મળે છે. બાદમાં દંપત્તિની અટકાયત થઈ અને પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘડિયાળ અમદાવાદ લાવવા માટે તેને દુબઈ મોકલવામાં આવ્યા હતા.
ભારતમાં ઘણા ધનીક લોકો છે પરંતુ 12-15 કરોડની આ ઘડિયાળ ખુબ ઓછા લોકો પહેરે છે. તે વાતની તપાસ ચાલી રહી છે કે આ ઘડિયાળ કોના માટે લાવવામાં આવી હતી. આવી ઘડિયાળને ભારતમાં આયાત કરવાની જગ્યાએ યાત્રી પેસેન્જર ફ્લાઇટમાં પહેરીને લાવે તો કસ્ટમ શુલ્કથી બચી જાય છે. જપ્ત કરવામાં આવેલી ઘડિયાળની મૂળ કિંમત 13 કરોડ 80 લાખ છે, જેના પર યાત્રીએ 40 ટકા બેગેજ ડ્યુટી ચુકવવી પડે છે. તેથી કસ્ટમ શુલ્ક 5 કરોડ 52 લાખ રૂપિયા થાય છે.
પતિ એર અરેબિયાની ફ્લાઇટથી અમદાવાદ આવ્યો હતો. તેની પત્ની અડધો કલાક બાદ ઈન્ડિગોની ફ્લાઇટથી પહોંચી હતી. જ્યારે બંને પોતાનો સામાન લેવા માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના આગમનની પાસે કન્વેયર બેલ્ટની પાસે ઉભા હતા તો સામાન લેવા સમયે કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ તેની પૂછપરછ કરી, પરંતુ આ દંપત્તિએ સંતોષકારક જવાબ આપ્યો નહીં. તેના સામાનમાંથી ઘડિયાળના બોક્સ મળી આવ્યા હતા અને પછી તેના હાથ પર પહેરેલી ઘડિયાળો મળી આવી હતી. સૌથી પહેલા પત્ની કાંડા પર રૂમાલ બાંધીને એરપોર્ટની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી, જેના કારણે કસ્ટમ અધિકારીઓને શંકા ગઈ અને તેઓએ તેને રોકી.
અમદાવાદ એરપોર્ટ પર પકડાયેલા દંપતીની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બંને રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી છે અને તેઓ લગ્નમાં હાજરી આપવા આવ્યા હોવાનું ખુલ્યું હતું. અમદાવાદ આવતા પહેલા એક મુસાફરના મામાએ તેને આ ઘડિયાળ આપી હતી અને કહ્યું હતું કે તમે એરપોર્ટની બહાર આવો ત્યારે હું જેને ફોન કરું તેને આ ઘડિયાળ આપજો. શરૂઆતમાં બંનેએ ઘડિયાળની કિંમત રૂ. 1000 દર્શાવી હતી, પરંતુ જ્યારે તેમની પાસે બિલ માંગવામાં આવ્યું ત્યારે તેઓએ કોઈ બિલ રજૂ કર્યું ન હતું. કસ્ટમ અધિકારીઓએ તેના સામાનની તપાસ કરી અને ઘડિયાળનો કેસ પાછો મેળવ્યો. આ પછી પતિએ ઘડિયાળની તસ્કરી કરી હોવાનું કબૂલ્યું હતું. હવે દંપતીની ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે