પંચમહાલમાં નકલી નોટો ઘુસાડવાના કાવતરાનો મુખ્ય સૂત્રધાર પકડાયો, આંતરરાજ્ય કૌભાંડ

આદિવાસી વિસ્તારમાં નકલી ચલણ ફરતું કરવાનું એક મોટું આંતરરાજ્ય કૌભાંડ ચાલતું હોવાની પોલીસને આશંકા છે. આ અગાઉ પણ પોલીસે રૂ.3.69 લાખની નકલી ચલણી નોટો સાથે 3 લોકોની ધરપકડ કરી હતી.
 

પંચમહાલમાં નકલી નોટો ઘુસાડવાના કાવતરાનો મુખ્ય સૂત્રધાર પકડાયો, આંતરરાજ્ય કૌભાંડ

ગોધરાઃ પંચમહાલમાં નકલી નોટો ઘુસાડવાના કાવતરાનો મુખ્ય સૂત્રધાર રવિવારે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. નકલી નોટો ઘુસાડવાના ષડયંત્રનો મુખ્ય સુત્રધાર બિહારનો છે અને તે ડેરોલ સ્ટેશનેથી ઝડપાયો છે. પોલીસે તેની પાસેથી રૂ.24,500ની કિંમતની જુદા-જુદા દરની 125 નોટો પણ પકડી પાડી છે. 

આદિવાસી વિસ્તારમાં નકલી ચલણ ફરતું કરવાનું એક મોટું આંતરરાજ્ય કૌભાંડ ચાલતું હોવાની પોલીસને આશંકા છે. આ અગાઉ પણ પોલીસે રૂ.3.69 લાખની નકલી ચલણી નોટો સાથે 3 લોકોની ધરપકડ કરી હતી. હવે સમગ્ર કૌભાંડનો મુખ્ય સુત્રધાર પણ પકડાઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક આખી ગેંગ આ કામમાં સંડોવાયેલી હોવાની શંકાના આધારે ગુજરાત પોલીસે બિહાર પોલીસનો સંપર્ક સાધવાના પણ ચક્રો ગતિમાન કર્યા છે. 

આ અગાઉ, શુક્રવારે પણ ગોધરાના હરેડા ગામની નર્મદા કેનાલના રસ્તા ઉપરથી કાકણપુર પોલીસ તથા એસઓજી પોલીસે એસ્ટીમ કાર સાથે ત્રણ ઇસમોને પકડી પાડયા હતા. તેઓની પાસેથી જુદા જુદા દરની નકલી ચલણી નોટો 3123 નંગ પકડી પાડી હતી. જયારે નકલી નોટો આપનાર અજીતસિંહ પરમાર ફરાર થઇ ગયો હતો. પોલીસે આ ત્રણ આરોપીઓ પાસેથી રૂ.100ના દરની 2822 નોટ, રૂ.200ના દરની 225 નોટ અને રૂ.2000ના દરની 85 નોટ પકડી પાડી હતી. આરોપીઓને રૂ.100ની નોટ વટાવવા પર રૂ.45નું કમિશન મળતું હતું. 

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલી ચલણી નોટો ઘુસાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં અલગ રીતો દ્વારા ચલણી નોટો રાજ્ય બહારથી લાવવામાં આવી રહી છે અને માણસો રોકીને તેઓને અમુક ટકા કમિશન ચૂકવીને આ નકલી નોટો બજારમાં ફરતી કરવામાં આવતી હોય છે,ત્યારે આ પ્રકારનું નકલી ચલણી નોટો ઘુસાડવાનું કૌભાંડ પંચમહાલ જિલ્લામાંથી પણ બહાર આવ્યું છે.

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news