અમેરિકા જવા નીકળેલો સુધીર પટેલ ક્યા છે તે એજન્ટને ખબર નથી : 75 લાખમાં થયો હતો સોદો

America Visa : એજન્ટોએ રૂપિયા 10 લાખ એડવાન્સ લઈ સુધીર પટેલને અમેરિકા મોકલ્યો જ નહિ. રસ્તામાં ક્યાંક પકડાયો હોવાની વાત જણાવી... હાલ સુધીર ક્યાં છે તેની કોઈ માહિતી નથી
 

અમેરિકા જવા નીકળેલો સુધીર પટેલ ક્યા છે તે એજન્ટને ખબર નથી : 75 લાખમાં થયો હતો સોદો

Mehsana News તેજસ દવે/મહેસાણા : રૂપિયા 75 લાખમાં અમેરિકા રવાના થયેલો મહેસાણાનો ગુજરાતી યુવક હાલ સંપર્ક વિહોણો થયો છે. 3 એજન્ટોએ 75 લાખમાં સોદો નક્કી કરી તેની પાસેથી 10 લાખ પડાવ્યા હતા. મહેસાણાના હેડુવા નજીક હરિહર હોટલ ચલાવતા યુવક સાથે બનેલી આ ઘટના છે. સુધીર હસમુખભાઈ પટેલ નામનો યુવક યુવક અમેરિકા જવા રવાના થયો હતો. સુધીરને પહેલા મુંબઈ લઈ જવાયો હતો. મુંબઈ થી એમસ્ટરડમ (નેધરલેન્ડ) પાર્ટ ઓફ સ્પેન લઈ જવાયો. એમસ્ટરડમથી સુધીરને ડોમિનિકા લઈ જવાયો. પરંતું ડોમિનિકાથી સુધીરને અમેરિકા નહિ મોકલી છેતરપિંડી કરાઈ છે. રૂપિયા 10 લાખ એડવાન્સ લઈ સુધીરને અમેરિકા મોકલાયો જ નહિ. પરંતું હાલ સુધીર ક્યાં છે તેની કોઈ માહિતી નથી. આ કેસમાં સુધીરના ભાઈએ દિવ્યેશ ઉર્ફે જોની મનોજ પટેલ, શૈલેષ પટેલ, મહેન્દ્ર ઉર્ફે એમ. ડી. બળદેવભાઈ પટેલ નામના 3 શખ્શો વિરૂદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

મહેસાણા હેડુઆ રાજગર ખાતે રહેતા અને હરિહર રેસ્ટોરન્ટ ચલાવતા સુધીર ભાઈ પટેલ ને અમેરિકા જવું હતું. જે મહેસાણા ખાતે રહેતો દિવ્યેશ કુમાર ઉર્ફ જોની મનોજ કુમાર પટેલ સંપર્ક માં આવ્યો હતો. જેને સુધીર પટેલ ને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી.તેમજ મહેસાણાનો દિવ્યેશ સાથે અમદાવાદના એજન્ટ શૈલેષ ભાઈ અને મહેન્દ્ર ભાઈ ઉર્ફ એમ.ડી બળદેવભાઈ પટેલ સાથે અમેરિકા મોકલવાનું કામ કરતો હતો. એજન્ટએ સુધીરનો વિશ્વાસ કેળવી અમેરિકા વર્ક પરમીટ પર મોકલવાની ખાતરી આપી હતી. તેમજ અમેરિકા કાયમી સ્થાયી થવા માટે 75,00,000 ખર્ચ થાય અને તેમાં રોકડા 20,00,000 આપવા પડશે તેમજ તમે સમાજના છો એટલે 10,00,000 રોકડા આપજો એમ એજન્ટોએ કહી વિશ્વાસ કેળવ્યો હતો. બાકીના પૈસા અમેરિકા ગયા બાદ આપજો એમ કહ્યું હતું.

સુધીર પટેલે બે હપ્તે 10,00,000 એજન્ટ દિવ્યેશને આપ્યા હતાં. આ 10,00,000 સુધીર સગા સંબંધીઓ પાસેથી ઉછીના લાવ્યો હતો. 15 ડિસેમ્બર 2022ના રોજ સુધીર ભાઈ મહેસાણાથી મુંબઈ પહોંચ્યા હતા.અને તેઓ સાથે અન્ય 8 લોકો એટલે કે કુલ 9 વ્યક્તિઓ પણ હોવાનું સામે આવ્યું છે. 12 જાન્યુઆરી 2023ના રોજ સુધીર પટેલે પોતાના ભાઈ સુનિલને મુંબઈથી ફોન કરી કહ્યું કે આવતી કાલે સવારે નેધરલેન્ડ જવાનું છે. તેમજ સુધીરએ પોતાના ભાઈને રોજ વીડિયો કોલ પર વાત કરતા હતાં. સુધીર પટેલે વોટએપ્સ કોલ પર પોતાના ભાઈ ને તમામ વિગતો આપતા હતા. તેઓ એમસ્ટરરડમ થી બપોરે 1.35 કલાકે પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા હતા. ત્યાંથી લુસીયા અને લુસીયાથી 20 જાન્યુઆરી 2023ના રોજ ડોમિનિકા ગયા હતા.

4 ફેબ્રુઆરી 2023 ના રોજ રાત્રે બે કલાકે સુધીર પટેલે પોતાન ભાઈને ફોન કર્યો હતો. અને ત્યારબાદ સુધીર ભાઈનો ફોન એકાએક બંધ થઈ ગયો હતો. સમગ્ર મામલે સુધીરના ભાઈ સુનિલે મહેસાણાના એજન્ટ દિવ્યેશ અને અન્ય એજન્ટને સમગ્ર મામલે જાણ કરી હતી.જોકે એજન્ટ સુનિલ પટેલને રોજ નવી નવી વાતો કરી ઉલઝાવી રહ્યા હતા.

એજન્ટોએ સુધીરના ભાઈને જાણ કરી હતી કે વિદેશ ગયેલા લોકોને ડૉમીનિકાની પોલીસે પકડ્યા છે. અને અમે તેમને છોડાવવાની કાર્યવાહી કરીયે છીએ. એમ કહી એજન્ટોએ સુનિલ પટેલને અંગ્રેજી સિવાય બીજી ભાષામાં બે ત્રણ કાગળ તેમજ પાવતીઓ બતાવી હતી. તેની ઝેરોક્ષ સુનિલને આપી હતી. આમ એજન્ટો ખોટી ખોટી પાવતીઓ બતાવી સુનિલભાઈને પણ છેતરી રહ્યા હતા અને તમારા ભાઈને છોડાવીશું તેવું આશ્વાસન આપ્યું હતું. 

બાદમાં એજન્ટોએ સુનિલને કહ્યું કે અમે સતત તમારા ભાઈને મુક્ત કરાવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમદાવાદના એજન્ટ પણ આમાં કામ કરી રહ્યા છે. તેવા ખોટા વાયદાઓ કરી રહ્યા હતા. જોકે હાલમાં સુધીર પટેલ ક્યાં છે એ અંગે કોઈ ભાળ ન મળતા આખરે પરિવાર જનોએ દિવ્યેશ ભાઈ ઉર્ફ જોની મનોજ કુમાર પટેલ, શૈલેષ ભાઈ પટેલ,મહેન્દ્ર ભાઈ ઉર્ફ એમ.ડી.બળદેવભાઈ પટેલ અને વિજય પટેલ ઉર્ફ મોટું સામે છેતરપીંડી કરી ખોટા કાગળો ઉભા કરી વિશ્વાસ કેળવી 10,00,000 ની છેતરપીંડી કરી કલમ 420,406,114 અને 464,468 મુજબ ફરિયાદ નોંધવા મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news