ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુ.કમિશ્નર દિલીપ રાણાને જાહેરમાં તતડાવ્યા! કહ્યું કોન્ટ્રાકટરને છાવરવાનુ હવે બંધ કરો

વડોદરા પાલિકાના મ્યુનિ કમિશ્નર દિલીપ રાણાના બેજવાબદારી ભર્યા નિવેદનની ચર્ચા સમગ્ર શહેરમાં ચાલી હતી. દરમિયાન આજે મળેલી સંકલનની બેઠકમાં પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલે દિલીપ રાણાનો ઉધડો લીધો હતો.

ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુ.કમિશ્નર દિલીપ રાણાને જાહેરમાં તતડાવ્યા! કહ્યું કોન્ટ્રાકટરને છાવરવાનુ હવે બંધ કરો

હાર્દિક દીક્ષિત, વડોદરાઃ એક જવાબદાર મીડિયા તરીકે ઝી24 કલાકએ હંમેશા નાગરિકોના હિતની ચિંતા કરી છે, ત્યારે ગત રોજ રાજ્યના સૌથી લાંબા અને સતત વિવાદોમાં રહેતા અટલ બ્રિજની નબળી કામગીરી અંગે ઝી24કલાક દ્વારા એક્સક્લુઝિવ અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો.

ગત રોજ વડોદરા શહેરમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું જેમાં રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજને નુકશાન પહોંચ્યું હતું. અટલ બ્રિજનો સેફ્ટી વોલ જાણે પોતે જ અનસેફ હોય તેમ ધરાશાઈ થઈને રસ્તા પર પથરાઈ ગઈ હતી.આ વોલની કામગીરી એ હદે નબળી હતી કે ઝી24કલાક ની ટીમે વોલના બાંધકામમાં વપરાયેલા બ્લોકની ચકાસણી કરતા તેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાનું ફલિત થયું હતું.

ઝી24કલાક દ્વારા અહેવાલ પ્રસારિત કરાતાની સાથે જ પોતાને જવાબદાર કહેડાવતા બે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કોન્ટ્રાકટરને બચાવવા ભારે ધમપછાડા કર્યા હતા. ખુદ મ્યુનિ કમિશ્નર દિલીપ રાણાએ બ્રિજ નીચે સેફ્ટી વોલ નહિ બલ્કે સ્વચ્છતા વોલ હોવાનું બેજવાબદારી ભર્યુ નિવેદન આપી રણજીત બિલ્ડકોમ ના કોન્ટ્રાકટરનો લુલો બચાવ કર્યો હતો.

વડોદરા પાલિકાના મ્યુનિ કમિશ્નર દિલીપ રાણાના બેજવાબદારી ભર્યા નિવેદનની ચર્ચા સમગ્ર શહેરમાં ચાલી હતી. દરમિયાન આજે મળેલી સંકલનની બેઠકમાં પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલે દિલીપ રાણાનો ઉધડો લીધો હતો.

ધારાસભ્ય યોગેશ પટેલે શહેરના તમામ ધારાસભ્યો તેમજ જવાબદાર અધિકારીઓની હાજરીમાં જ મ્યુ કમિશ્નર દિલીપ રાણાને કોન્ટ્રાકટરને છાવરવા બદલ ખખડાવ્યા હતા. યોગેશ પટેલનો આક્રમક મિજાજ જોઈ ત્યાં હાજર તમામ લોકો એક ક્ષણે સ્તબ્ધ થઈ ગયા હતા.

હાલ ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ શરૂઆતથી જ વિવાદમાં છે. થોડા થોડા દિવસે સમાચારની ચર્ચામાં રેહતા આ બ્રિજના નિર્માણ કાર્ય સામે સવાલો ઉઠી રહ્યા છે. ગત રોજ સામાન્ય વરસાદમાં જ બ્રિજને મોટું નુકસાન પહોંચ્યું છે તેવામાં સ્થળ મુલાકાતે ગયેલા કમિશ્નરે કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવાને બદલે તેનો બચાવ કર્યો હતો તે ગંભીર બાબત છે. આજે જો બ્રિજની આ દુર્દશા થતી હોય તો આગામી સમયમાં આ બ્રિજે હજી ચોમાસુ જોવાનું છે.

અત્યારે જો સામાન્ય વરસાદી ઝાપટાંમાં બ્રિજની સ્ટેફી વોલ તૂટી જતી હોય તો ચોમાસામાં શું સ્થિતિ થશે તેનો અંદાજો લગાવી શકાય છે. હજી પણ સમય છે. પાલિકા એ તાત્કાલિક ધોરણે રણજીત બિલ્ડકોમ કંપનીના તમામ બીલ તેમજ પેમેન્ટ અટકાવી ડિપોઝિટ સ્થગિત કરી દેવી જોઈએ. રાજ્યના તમામ બ્રિજોને લઇ રાજ્ય સરકાર ચિંતિત છે તેવામાં વડોદરા શહેરના આ અટલ બ્રિજના કટકિબાજ કોન્ટ્રાકટર સામે કડક પગલાં ભરવા ધારાસભ્ય યોગેશ પટેલે ઉગ્ર રજૂઆત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news