રંજન ભટ્ટ બાદ ભીખાજીનો વારો પડ્યો : સામેથી ચૂંટણી લડવાની ના પાડી
Sabarkantha Bhikhji Thakor : રંજન ભટ્ટ બાદ સાંબરકાંઠા બેઠકથી ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી
Trending Photos
Gujarat Loksabha Election : શનિવારનો દિવસ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલનો દિવસ બનીને આવ્યો છે. વડોદરામાં રંજન ભટ્ટે ઉમેદવારી ખેંચ્યા બાદ હવે સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ઉમેદવારી પરત ખેંચવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે ભાજપમાં હવે કોનો વારો પડશે તેવુ ચર્ચાઈ રહ્યું છે.
ભાજપે સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. ત્યારે હવે ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત ટ્વીટના માધ્યમથી કરી છે. ગુજરાતમાં સતત બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડતા ભાજપ માટે સમસ્યા પેદા થઈ શકે છે. ભાજપની 26 બેઠકો જીતવાના ખ્વાબ પર હમણાં જ ગ્રહણ લાગી રહેલુ દેખાઈ રહ્યુ છે. ભીખાજી ઠાકોરે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ પણ કરી લીધા હતા, ત્યારે હવે તેમણે રંજન ભટ્ટ બાદ તરત ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરતા રાજકીય કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
ભીખાજી સામે વિરોધ હતો
ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને કાપીને નવા ચહેરાને તક આપી હતી. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા મેઘરજ તાલુકાના હીરાટીંબા ગામના ભીખાજી ઠાકોરને પસંદ કર્યા હતા. હવે આગામી દિવસોમાં દિલ્હી હાઈકમાન્ડ શું નિર્ણય લેશે એની પર ગુજરાત લોકલ લેવલે ફેરફાર થશે. ગુજરાતની સાબરકાંઠા બેઠક પર પણ ઉમેદવારને નામે જ્ઞાતિ સમીકરણો મેળ ખાઈ રહ્યાં નથી. ભાજપે જાહેર કરેલા ઉમેદવાર સામે આદીવાસી સમાજના હોવાના આક્ષેપો લાગ્યા હતા. સ્થાનિક નેતાઓએ જ આ વિરોધ ઉઠાવ્યો હતા. કોંગ્રેસે અહીં આદીવાસી સમાજના નેતા તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. અહીં ભીખાજી ઠાકોર સામે વિવાદ વધ્યો હતો. તેથી ભીખાજીએ આ નિર્ણય લીધો હોવાનું પણ કહેવાય છે.
ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલીક બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારો બદલવાની ચર્ચા વહેતી થઈ હતી. તેમાં પણ વડોદરામાં રંજન ભટ્ટ સામે આંતરિક વિરોધ સામે આવ્યો હતો. તેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની નારાજગી સામે આવી. ત્યારથી જ ભાજપમાં કેટલાક બેઠકો પર ઉમેદવાર બદલવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યુ હતું. રંજનબેન ભટ્ટે સામેથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. એની ગણતરીની મીનિટોમાં સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો નનૈયો ભણી દીધો છે. હવે કોનો વારોએ ભાજપમાં ચર્ચાનો વિષય છે. રાજકીય ચર્યાઓ એવી છે કે આ બેઠકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા અને વલસાડ બેઠકને લઈને પણ ચર્ચાઓ થઈ છે.
આ સાબિત કરી રહ્યું છે કે ભાજપમાં કકળાટ એ ચરમસીમાએ છે. હાલમાં નેતાજીને ભાજપ હટાવે કે રાખે પણ નેતાઓમાં અંદરો અંદર મનમેળ ન હોવાનું આ પ્રકરણ ચાડી ખાઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે