યુક્રેનથી સહી સલામત પરત ફર્યો પેટલાદનો વિદ્યાર્થી, ભારતની જમીન પર પગ મૂકતા જ રાહતનો શ્વાસ લીધો હતો

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થતા યુક્રેનમાં એમબીબીએસનાં અભ્યાસ માટે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓનાં પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ પ્રસરી રહ્યો છે, ત્યારે આણંદ જિલ્લાનાં પેટલાદ શહેરનો યુવક યુક્રેનથી પરત આવતા તેઓનાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
યુક્રેનથી સહી સલામત પરત ફર્યો પેટલાદનો વિદ્યાર્થી, ભારતની જમીન પર પગ મૂકતા જ રાહતનો શ્વાસ લીધો હતો

બુરહાન પઠાણ/આણંદ :યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થતા યુક્રેનમાં એમબીબીએસનાં અભ્યાસ માટે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓનાં પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ પ્રસરી રહ્યો છે, ત્યારે આણંદ જિલ્લાનાં પેટલાદ શહેરનો યુવક યુક્રેનથી પરત આવતા તેઓનાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

પેટલાદ શહેરમાં કલાલ પિપળ વિસ્તારમાં રહેતો શેખ મોહંમદ અયાઝ યુક્રેનમાં એમબીબીએસનાં અભ્યાસ માટે ગયો હતો અને તે યુક્રેનની વિનીયન સ્ટેટ યુનિવર્સીટીમાં એમબીબીએસનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેનો અભ્યાસ સારી રીતે ચાલી રહ્યો હતો. ત્યાં જ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનું નિર્માણ થતા ભારતીય દુતાવાસ દ્વારા યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોને ઝડપથી યુક્રેન છોડી દેવા માટે ગાઈડલાઈન જારી કરી હતી. જેને લઈને યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓનાં પરિવારજનોએ ચિંતીત થઈને પોતાનાં સંતાનોને સહીસલામત પરત લાવવા માટે દોડધામ આદરી હતી.

શેખ મોહંમદ અયાઝનાં પરિવારે પણ અહિયાંથી ડબલ ભાવની એર ટિકિટ બુકીગ કરાવીને યુક્રેન મોકલી આપી હતી. જેથી મહમંદ અયાઝ ગત તા. 22મી ફેબુઆરીનાં રોજ એર ઈન્ડિયાનાં વિમાન દ્વારા વાયા દુબઈ રોકાણ કરીને દિલ્હી આવી પહોંચ્યો હતો. ભારતની સરજમીન પર પગ મૂક્યા બાદ તેણે રાહતનો શ્વાસ લીધો હતો. બાદ દિલ્હીથી વિમાન મારફતે વડોદરા આવી પહોંચતા પરિવારજનોએ મહંમદ અયાઝ રાહત અનુભવી હતી.

મહંમદ અયાઝ શેખનાં પિતા દુબઈ ખાતે એક કંપનીમાં કામ કરી રહ્યા છે, અને પોતાનો દીકરો ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બને તેવા સ્વપ્ન સાથે તેને યુક્રેનની કોલેજમાં મેડિકલ એમબીબીએસનાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યો હતો. મહંમદ અયાઝે કહ્યું કે, તે આઠ માસ અગાઉ યુક્રેન ગયો હતો અને મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો, ગત તા.12 મી ફેબ્રુઆરીથી યુક્રેનમાં યુદ્ધ થાય તેવો માહોલ સર્જાયો હતો. આર્મીનાં જવાનો અને ટેન્કોની અવર જવર વધી ગઈ હતી. જેને લઈને ભારતીય એમ્બેસી દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન ઝડપથી છોડી દેવા માટે સંદેશા આપવામાં આવતા મહંમદ અયાઝે પોતાનાં પરિવારજનોને જાણ કરી પોતાનાં ભારત પરત ફરવા માટે એર ટિકિટ બુંકીગ કરાવી મોકલી આપવા જણાવ્યું હતું. જેથી તેઓનાં પરિવારજનો દ્વારા ટિકિટ બુકિંગ કરાવી મોકલી આપતા તે એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા ગત 22 મી ફેબ્રુઆરીનાં રોજ યુક્રેનથી ભારત આવવા નિકળી ગયો હતો.
 
અયાઝતે દિલ્હીથી વડોદરા અને વડોદરાથી પેટલાદ આવી પહોંચ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે જયાં રહેતો હતો તે શહેરથી યુદ્ધનું સ્થળ 600 કિલોમીટર દુર હતું. પરંતુ તેઓ સતત ભય. અનુભવતા હતા. કોલેજનાં અધ્યાપકો દ્વારા પણ તેઓને સતત હિંમત અને હુંફ આપવામાં આવતી હતી. તેઓનાં શહેરમાં યુદ્ધનો કોઈ માહોલ ન હતો. તેમ છતાં પણ સતત ચિંતા જોવા મળતી હતી. કોલેજનાં મેનેજમેન્ટ દ્વારા હાલમાં તેઓને ઓનલાઈન શિક્ષણની સુવિધા આપવામાં આવી છે, અને યુદ્ધ સમાપ્ત થયા બાદ કોલેજ પુનઃ શરૂ થયા બાદ તેઓને જાણ કરી  યુક્રેન બોલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news