શાળામાં થયુ રેગિંગ, ધોરણ-11ના વિદ્યાર્થીએ જુનિયર વિદ્યાર્થી પાસેથી કપડા ધોવડાવ્યા
ragging in school : અત્યાર સુધી તો કોલેજ કેમ્પસમા જ રેગિંગની ઘટનાઓ બનતી હતી, પરંતુ હવે તો શાળાઓમાં પણ રેગિંગની ઘટના સામે આવી છે. ધોરણ 9ના વિદ્યાર્થીને ધોરણ 11 માં અભ્યાસ કરતા બે સિનિયર વિદ્યાર્થીઓએ માર માર્યો હોવાનું સામે આવ્યું
Trending Photos
કેતન બગડા/અમરેલી :અમરેલીના જવાહર નવોદય વિદ્યાલયમાં રેગિંગની ઘટના સામે આવી છે. ધોરણ 9ના વિદ્યાર્થીને ધોરણ 11 માં અભ્યાસ કરતા બે સિનિયર વિદ્યાર્થીઓએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે. પાંચ દિવસ સુધી બે વિદ્યાર્થીઓએ કપડા ધોવડાવ્યા હોવાનો આરોપ છે. નવમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સ્કૂલમાંથી નાસી જઈ માતા-પિતાને જ્યારે જાણ કરી હતી. ત્યારે આ વિદ્યાર્થી પર થયેલો અત્યાચાર સામે આવ્યો. વિદ્યાર્થીના વાલીએ પોલીસમાં ફરિયાદ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, અમરેલી તાલુકાના ભંડારીયામાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે. આ વિદ્યાલયમાં 700 જેટલા વિદ્યાર્થીઓ અહી રહીને અભ્યાસ કરે છે. હોસ્ટેલમાં રેગિંગની ઘટનાઓ સતત વધી રહી છે. અત્યાર સુધી તો કોલેજ કેમ્પસમા જ રેગિંગની ઘટનાઓ બનતી હતી, પરંતુ હવે તો શાળાઓમાં પણ રેગિંગની ઘટના સામે આવી છે.
ધોરણ 11 મા અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીએ થોડા દિવસ પહેલા જુનિયર વિદ્યાર્થી સાથે પથારી પર કચરો નાખવાના મુદે બોલાચાલી કરી હતી. એટલુ જ નહી બળજબરીથી ધોરણ 11 ના આ વિદ્યાર્થીઓ પાંચ દિવસથી જુનિયર વિદ્યાર્થી પાસેથી પોતાના કપડા પણ ધોવડાવતા હતા. ચાર દિવસ પહેલા તેણે કપડા ધોવાની ના પાડતા બે વિદ્યાર્થીઓએ બેલ્ટથી તેને માર્યો હતો. ત્યારે ઘાયલ વિદ્યાર્થી સ્કૂલમાંથી નાસી ગયો હતો. ત્યારે પણ છાત્રાલયને આ વાતની જાણ નહોતી થઈ. બાદમાં ઘરે પહોંચેલા વિદ્યાર્થીએ આ વિશેની માતા-પિતાના જાણ કરતા આખરે આ મામલો સામે આવ્યો છે.
પ્રિન્સીપાલ વિજયકુમાર સમગ્ર મામલે ઢાંકપિછોડ કરતા જણાયા હતા. પોતાના સ્ટાફને છાવરતા તેમણે જણાવ્યુ હતું કે, લોકડાઉન બાદ બાળકો હાલ આવ્યા છે. હાલ બાળકો એડજસ્ટ થઈ રહ્યા છે તે વચ્ચે આ ઘટના બની છે. હુ તરત પેરેન્ટ્સના ઘરે જઈને પૂછપરછ કરી છે. આરોપી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યાં છે. આવી ઘટના બનવી ન જોઈતી હતી. પરંતુ દરેક ઘટનાની બીજી બાજુ પણ હોય છે. કદાચ ભોગ બનનાર વિદ્યાર્થીની પણ ભૂલ હોઈ શકે છે. સ્ટાફની ઈન્ક્વાયરી ચાલી રહી છે. બાદમાં રિપોર્ટ બનશે.
માતાપિતા શાળાના ભરોસે પોતાના માસુમ બાળકોને હોસ્ટેલમાં મૂકે છે. ત્યારે આ પ્રકારની ઘટનાથી હોસ્ટેલમાં રહેતા બાકીના બાળકોના માનસ પર શુ અસર થશે. તેમાં પણ સ્કૂલના પ્રિન્સીપાલ જ પોતાના જવાબદારી અધિકારીઓને છાવરતા જોવા મળ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે