વડોદરામાં રામલીલાની તૈયારીઓ શરૂ, 45 ફૂટ ઉંચા રાવણનું કરાશે દહન
રામલીલામાં 105 લોકોની ટીમ પ્રેકટીસ કરી રહી છે. જેમને કોર્પોરેશને ફ્રીમાં પ્રેકટીસ માટે દિપક ઓપન એર થિયેટર આપ્યું છે. જયાં રામલીલાનો નાટક ભજવનાર મંડળી રોજ સાંજે ડાયલોગ અને અન્ય પ્રેકટીસ કરે છે.
Trending Photos
વડોદરા: વડોદરામાં રામલીલાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ છેલ્લા 38 વર્ષોથી રામલીલાના કાર્યક્રમનું આયોજન કરે છે ત્યારે ચાલુ વર્ષે પણ રામલીલાના ભવ્ય કાર્યક્રમ માટે આયોજકો તડામાર તૈયારી કરી રહ્યા છે. વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન પર દર વર્ષની જેમ આ વર્ષે પણ 19 ઓકટોબરના રોજ રામલીલાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેના માટે રામલીલામાં નાટક ભજવનાર મંડળી છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરી રહી છે.
રામલીલામાં 105 લોકોની ટીમ પ્રેકટીસ કરી રહી છે. જેમને કોર્પોરેશને ફ્રીમાં પ્રેકટીસ માટે દિપક ઓપન એર થિયેટર આપ્યું છે. જયાં રામલીલાનો નાટક ભજવનાર મંડળી રોજ સાંજે ડાયલોગ અને અન્ય પ્રેકટીસ કરે છે. રામલીલા ઉપરાંત રાવણ દહનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જેમાં 45 ફૂટનો ઉંચા રાવણ સહિત ત્રણ પુતળા બનાવાયા છે. જેને રામના હાથેથી સળગાવામાં આવશે તેમજ ભવ્ય આતશબાજી કરવામાં આવશે. રામલીલામાં રામ, સીતા અને લક્ષ્મણનો ભાગ ભજવનારા કલાકારોએ ઝી મીડીયાની ટીમ સાથે વાતચીત કરી.
વડોદરામાં વર્ષોથી રામલીલાના કાર્યક્રમનું સફળ આયોજન થાય છે. લાખોની સંખ્યામાં વડોદરાવાસીઓ રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ નિહાળવા આવે છે. ત્યારે આ રામલીલાને સફળ બનાવવા પાછળ એક 70 વર્ષના કલાકાર છે. રામલીલાના ડિરેકટર શશીકાન્ત દાસ છે. જેઓ સમગ્ર રામલીલાની સ્ક્રીપ્ટ તૈયાર કરી કલાકારોને આપે છે. તેમજ રામલીલાનો કિરદાર કેવી રીતે ભજવવાનો અને કંઈ રીતે દર્શકોને પકડી રાખવા તે અંગેની તાલીમ આપે છે.
આ વર્ષે રામલીલામાં ત્રણ નવા સીન ઉમેર્યા છે. જેમાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ ભગવાનના જન્મનો સીન નવો ઉમેર્યો છે. ડિરેકટર શશીકાન્ત દાસ કહે છે કે ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ ધ્વારા આયોજિત રામલીલામાં ચાલુ વર્ષે બેટી બચાવો બેટી પઢાવો, મહિલા સુરક્ષા સહિતના મુદ્દે લોકોને સામાજિક સંદેશો આપવામાં આવશે.
રામલીલાનો કાર્યક્રમ પ્રથમવાર દશેરાને દિવસે વડોદરામાં નહી યોજાય કારણ કે નવમી અને દશમી સાથે હોવાથી દશેરાના દિવસે લોકો ગરબા રમશે. જેથી શહેરમાં ટ્રાફીકની અડચણ ઉભી ન થાય અને લોકોને રાવણ દહન અને રામલીલાનો કાર્યક્રમ માનવા મળે તે માટે આયોજકોએ નિર્ણય લીધો છે. ત્યારે રામલીલામાં જેમ રાવણનો દહન થાય છે, તેમ સમાજમાં મહિલાઓ સાથે અત્યાચાર કરતા સમાજના રાવણોનું પણ દહન થાય તે સંદેશો ખરેખર આવકારદાયક બની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે