ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં 8 ટ્રસ્ટીઓના રાજીનામા મંજૂર, 4 નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરાઈ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી બન્યા બાદ આજે પ્રથમવાર ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવી છે. સાથે મનસુખભાઈ સલ્લાને શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદઃ gujarat vidyapith News: ગુજરાત વિદ્યાપીઠ ખાતે આજે ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કુલપતિનું પદ સંભાળ્યા બાદ ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે 17 ઓક્ટોબરે 8 સભ્યોએ નારાજગી વ્યક્ત કરીને ટ્રસ્ટી પદેથી પોતાના રાજીનામા આપી દીધા હતા. ત્યારબાદ રાજીનામા આપનાર ટ્રસ્ટીઓ મંડળમાં યથાવત રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ આજે બેઠકમાં આઠ ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.
નવા ચાર ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવી
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની થોડા સમય પહેલા વરણી કરવામાં આવી હતી. આજે વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કર્યા બાદ 4 નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવી છે. રાજેશ્રી બિરલા, ગફફુર બિલખીયા, હર્ષદ પટેલ અને ડી.પી. ઠાકરની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરાઈ છે. ગુજરાત વિદ્યાપીઠમાં કુલ 24 ટ્રસ્ટી હોય છે. આઠ સભ્યોના રાજીનામા અને ચાર સભ્યોની નિમણૂંક બાદ હવે કુલ 20 ટ્રસ્ટીઓ ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં છે.
મનસુખભાઈ સલ્લાને શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર એનાયત
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધી વિચારના કેળવણીકાર, સાહિત્યકાર અને આચાર્ય મનસુખભાઈ સલ્લાને શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર અર્પણ કર્યો હતો. પુરસ્કાર અર્પણ કરતા આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મનસુખભાઈ સલ્લાની સૌમ્યતા, સરળતા અને સાદગી જ દર્શાવે છે કે તેમણે પૂજ્ય ગાંધીજીના વિચારોને આત્મીયતાપૂર્વક પોતાના જીવનમાં ઉતાર્યા છે. તેમના વ્યક્તિત્વ, સાહિત્યલેખન અને કર્મયોગમાંથી પ્રેરણા લેવા અને ભવિષ્યમાં આવા પુરસ્કારો મળે એવું જીવન જીવવા તેમણે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, જેને માતા-પિતા અને ગુરુ શ્રેષ્ઠ મળ્યા છે, ધર્માત્મા મળ્યા છે એનું જીવન ધન્ય છે વિદ્યાર્થીઓ-બાળકો શિક્ષકોના ભાષણોથી નથી શીખતા, તેઓ શિક્ષકો-ગુરૂજનોના વર્તનનું અવલોકન કરીને શીખતા હોય છે એટલે શિક્ષકોના જીવન આદર્શ અને પ્રેરણાદાયી હોવા જોઈએ. તેમણે મનસુખભાઈ સલ્લાને અભિનંદન પાઠવ્યા હતા કે તેમણે પોતાના કર્મોથી અનેક આદર્શ છાત્રોનું નિર્માણ કર્યું છે. તેમણે શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર માટે મનસુખભાઈ સલ્લા જેવા યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા બદલ પસંદગી સમિતિને પણ અભિનંદન પાઠવ્યા હતા.
પુરસ્કાર પ્રાપ્ત કરતાં પોતાનો પ્રતિભાવ આપતા મનસુખભાઈ સલ્લાએ કહ્યું હતું કે, મારી માતૃસંસ્થા-જ્ઞાનસંસ્થા મને પોંખી રહી છે એટલે આજનો દિવસ મારા જીવનમાં મધુર અને આગવો દિવસ છે. આ પુરસ્કાર મારા માટે ગૌરવની સાથોસાથ જવાબદારી પણ છે. તેમણે કહ્યું કે, જીવનમૂલ્યો જ કરોડરજ્જુ છે, એને જાળવીએ તો જ આંતરિક વિકાસ સંભવ છે. શિક્ષક હોવાથી મોટું કોઈ સદભાગ્ય નથી. શિક્ષક તરીકે વિદ્યાર્થી વિકાસ અને સ્વવિકાસ એમ બે પાંખે ઉડવાનું છે. વિદ્યાર્થીઓને જવાબદારી સોંપીને જવાબદાર બનાવો. વિદ્યાર્થીઓમાં શુભનું વાવેતર જ શિક્ષકોનું આ સમાજમાં પ્રદાન છે. વૃક્ષો જેમ તેના ફળથી ઓળખાય છે એમ શિક્ષક તેના વિદ્યાર્થીઓથી ઓળખાય છે. તેમણે શિક્ષકોને અનુરોધ કરતા કહ્યું હતું કે, નિષ્ઠા અને સચ્ચાઈથી કામ કરશો તો એ જરૂર ઊગી નીકળશે. શિક્ષકો માટે તેના આદર્શ વિદ્યાર્થીઓ જ સાચું બેન્ક બેલેન્સ છે. માતૃસંસ્થા ગુજરાત વિદ્યાપીઠે સન્માન કર્યું તેથી વિશેષ ગૌરવ અનુભવતા મનસુખભાઈ કહ્યું કે, માં કપાળે ચાંદલો કરે તો પણ ઘણું છે. તેમણે આ માટે ગુજરાત વિદ્યાપીઠનો આભાર માન્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે