World Suicide Prevention Day : વિશ્વમાં આત્મહત્યા કરતી દર 10 હજાર વ્યક્તિમાંથી 11 વ્યક્તિ ભારતની હોય છે
Trending Photos
- 10 સપ્ટેમ્બરને વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
ઝી મીડિયા/બ્યૂરો :જવાબ માંગે છે જીંદગી કે મને અકાળે કેમ બુજાવો છો? આપણે માત્ર શરીરની અને સમાજની જરૂરિયાતને મહત્વ આપ્યું પણ મનની જરૂરિયાતને વંચિત રાખી પરિણામ સામે આવ્યું કે માણસ વગર મોતે મોતને નોતરવા બેઠો. દર વર્ષે 10 સપ્ટેમ્બર આવે એટલે આપણે સુસાઇડ પ્રિવેન્શન ડે (World Suicide Prevention Day) તરીકે ઉજવણી કરીએ, થોડા આંકડા રજૂ કરીને ભાવુક થઈએ, કેટલાક તો મનોવૈજ્ઞાનિક બનીને મોટા મોટા આપઘાતના કારણોનું વિશ્લેષણ કરશે અને સલાહ પણ આપશે. ફરી પાછા એના એ જ બીજાની લાગણીઓ અને આત્મસન્માનને ઠેસ પહોંચાડતા નિષ્ઠુર વ્યક્તિ બની જતા હોઈએ છીએ.
આ વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના ડો. યોગેશ જોગાસણે જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ કાયમી ધોરણે સ્યુસાઇડ પ્રિવેન્શન સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ શરૂ કરવું જોઇએ. એટલું જ નહિ પણ દરેક યુનિવર્સીટીએ પોતાની સામાજિક જવાબદારી સમજીને વેલનેસ સેન્ટર ઉભા કરીએ તો માનસિક સ્વાસ્થ્ય લોકોનું જળવાય અને આત્મહત્યા ઘટે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થાન દ્વારા ૨૦૦૩ થી દર વર્ષે ૧૦ સપ્ટેમ્બરના દિવસને "વિશ્વ આપઘાત નિવારણ દિવસ" તરિકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 18 મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ ઉજવવામાં આવનાર છે. આત્મહત્યા નિવારણનો દિવસ ન હોય તે હર પળે ધ્યાન રાખવા જેવી અતિસંવેદનશીલ અને અગત્યની બાબત છે.
દર વર્ષે વિશ્વમાં આશરે 8 લાખ જેટલા મોત આપઘાતથી નિવડે છે. જે પૈકી 1.35 લાખ (આશરે 17% મોત) ભારતમાંથી નોંધાય છે. અને આપઘાતનો પ્રયત્ન કરી બચી જનાર વ્યક્તિની સંખ્યા તો આથી 25 ગણી વધુ છે. ભારતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે ૩૦% જેટલો વધારો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. વૈશ્વિક સ્તરે ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાંકે છે.
જીવનમાં મુશ્કેલીઓ, હેરાન પરેશાન કરતી કસોટીઓ, નિષ્ફ્ળતા, પીડા, હતાશા, માયુશી, ચિંતા, સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી કોને પસાર નથી પડતું? ઘણીવાર આપણા કરતાં પણ વઘુ કફોડી, વધુ આકરી અને પીડાદાયક પરિસ્થિતિમાં કરોડો લોકોને જીવતા જોયા હોય છે. ક્યારેક તો આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલા ક્રૂર, પાપી, નિર્દયી અને પીડાનો લોકો સામનો કરતાં હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં એવુ જોવા મળતું હોય છે કે આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી હોતી, પરંતુ કોઇ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરુપ બને તો આપઘાતના ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે. ઘણી વખત સ્નેહીજન કે મિત્ર આપઘાતની વાત કે પોતાના વિચાર જાહેર કરે ત્યારે શું કરવુ-કેવો પ્રતિભાવ આપવો એ આપણે સમજી શકતા નથી. કે પોતા પાસે જે-તે વ્યક્તિના પ્રશ્નોના જવાબો નહીં હોય તેમ માની પ્રતિભાવો આપવાનુ ટાળે છે. પરંતુ આવા સમયે માત્ર તેને સમય આપીને સાંભળવાથી, પોતાના નિર્ણયો તેના પર થોપી ના બેસાડવાથી પણ આપણે તેને મદદરુપ થઇ શકીયે છીએ.
વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનના એક રિપોર્ટ મુજબ દર 40 સેકન્ડે એક અને દર વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. ભારતમાં વિશ્વમાં આત્મહત્યા કરતી દર દસ હજાર વ્યક્તિમાંથી 11 વ્યક્તિ ભારતની હોય છે.
આત્મહત્યાના લક્ષણો
- વારંવાર મૂડમાં પરિવર્તનજેમકે અચાનક ખોટો ગુસ્સો, કારણ વગર રડવું, નિરાશ થઈ જવું
- પોતાની જાતને ક્યાંક અટવાયા છીએ એવું અનુભવવું
- રોજબરોજના કાર્યમાં પરિવર્તન જેમકે જમવાની રીતમાં, સુવાની રીતમાં અચાનક બદલાવ
- આશાહીન બનવું, અચાનક નશીલા દ્રવ્યોનું સેવન, જોખમી કાર્ય કરવા, સોશિયલ મીડિયાથી અચાનક દૂર થવું, લોકોથી દુરી રાખવી. એકલા રહેવાનું શરૂ કરી દેવું, વ્યક્તિત્વમાં પરિવર્તન, જીવન જીવવા જેવું નથી એવા ઉદગારો, નિષેધક પોસ્ટ મુકવી, હું ન હોવું તો એવા વાક્યો બોલવા, મિતભાસી થઈ જવું, એડવાન્સ આર્થિક પ્લાન, મને કોઈ સમજતું નથી એવી લાગણી, નીચું સ્વ મૂલ્યાંકન
આત્મહત્યાના કારણો
બાળકો પર માતાપિતાનું ખોટું અનુશાસન, કોઈ શારીરિક માનસિક રોગ, બેકારી, ગરીબી, સહનશીલતાનો અભાવ, ઉચ્ચ અહમ, પ્રિય વ્યક્તિનું મૃત્યુ, એકલતા, સામાજિક તિરસ્કાર, લોકોનું દબાણ, ઉચ્ચ મહત્વકાંક્ષા, વધુ પડતી આવેગશીલતા, ભણતરની ચિંતા અને તણાવના કારણે કિશોરો અને યુવાનો સૌથી વધુ આત્મહત્યા કરે છે. શારીરિક વિકાસની અવઢવને લીધે કિશોરો આત્મહત્યા કરવા દોરાય છે. આસાધ્ય રોગ, આંતરવેયક્તિક સંકટો અને વિભક્ત કુટુંબ, નિમ્ન સામાજિક આર્થિક દરજ્જો, આયોગ્ય માનસિક આવેગો, તેમજ નોકરીધંધો, આર્થીકભીંસ, દારુની ટેવ, ઘરકંકાસ, શારીરિક-માનસિક બીમારી વગેરે આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે.
સ્ત્રીઓ આત્મહત્યા કરવાના પ્રયત્ન સૌથી વધુ કરે છે. જ્યારે પુરુષો આત્મહત્યા કરવામાં સફળ જાય છે. સામાન્ય રીતે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં દર 4 માંથી 3 સ્ત્રીઓ હોય છે. 75% આત્મહત્યાના બનાવો ગરીબ અને વિકસિત દેશમાં થાય છે. WHOના આંકડા દર્શાવે છે કે 40% જેટલા દેશોમાં પુરુષોની આત્મહત્યાનું પ્રમાણ એક લાખની વસતિ સામે 15થી વધારેનું છે. માત્ર 1.5% દેશોમાં જ પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે આપઘાત કરે છે.
એક મહત્ત્વનું પરિબળ છે સંવાદ. સ્ત્રીઓ પોતાની હૈયાવરાળ કાઢતી હોય છે, જ્યારે પુરુષો મનોમન મૂંઝાતા હોય છે. પેઢીઓથી સમાજે પુરુષોને 'મજબૂત' થવા અને પોતે મુશ્કેલીમાં છે એવી વાતો ન કરવા પ્રેર્યા છે. આપણે છોકરાને કહેતા હોઈએ છીએ કે 'છોકરા કદી રડે નહીં'. આપણે નાનપણથી જ છોકરાને લાગણીને વ્યક્ત ન કરવાનું શીખવીએ છીએ. લાગણીવેડા કરવા તે 'નબળાઈ' ગણાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે